<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

કાલાવડથી બે વર્ષના બાળકને ચાંદીપુરાની શંકા સાથે રાજકોટ સિવિલમાં ખસેડાયું

પોઝિટિવ કેસમાં ગોંડલનું ત્રણ વર્ષનું બાળક સ્‍વસ્‍થ થતાં રજા અપાઇ આજે ૯ દર્દી સારવાર હેઠળઃ જેમાં ૦૧ પોઝિટિવ, ૬ નેગેટિવ, ૦૨ના રિપોર્ટ બાકી

રાજકોટ તા. ૯: રાજકોટ શહેર જિલ્લામાં ચાંદીપુરાના કેસ ઘટીને ઝીરો થઇ જતાં તબિબો નર્સિંગ સ્‍ટાફે રાહત અનુભવી હતી. છેલ્લા ત્રણથી ચાર દિવસમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં એક પણ કેસ નોંધાયા નહોતાં. ત્‍યાં વધુ એક બાળકમાં ચાંદીપુરાના લક્ષણો દેખાતાં તેને સિવિલની ઝનાના હોસ્‍પિટલના પિડીયાટ્રીક વિભાગમાં દાખલ કરાયું છે. કાલાવડના બે વર્ષના બાળકને શંકાસ્‍પદ લક્ષણો જણાતા દાખલ કરી સેમ્‍પલ લઇ પરિક્ષણમાં મોકલવામાં આવ્‍યા છે.

બીજી તરફ તેર દિવસથી સારવારમાં રહેલા ગોંડલના ત્રણ વર્ષનું બાળક જે પોઝિટિવ કેસ હતો એ સ્‍વસ્‍થ બનતા ગઈકાલે રજા આપવામાં આવી હતી. ગઈકાલે જે કાલાવડના બે વર્ષના બાળકને દાખલ કરવામાં આવ્‍યું એ પરિવાર મધ્‍યપ્રદેશનો રહેવાસી છે અને બે દિવસ પહેલા જ કાલાવડ ખેત મજુરી કામ માટે આવ્‍યો છે. હાલ ઝનાના હોસ્‍પિટલમાં કુલ ૯ દર્દી સારવાર હેઠળ છે. તેમાંથી ૦૧ પોઝિટિવ અને ૦૬ નેગેટિવ છે, જ્‍યારે ૦૨ દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. તેમ મિડીયા કો-ઓર્ડિનેટર ફોરેન્‍સિક વિભાગના વડા ડો. હેતલ કયાડાએ જણાવ્‍યું હતું.

(12:17 PM IST)