<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

અમિતાભ બચ્‍ચનની અદાકારી સાથેની ગુજરાતી ફિલ્‍મ ‘ફકત પુરૂષો માટે' ૨૩ મીએ થશે રીલીઝ

અમદાવાદની પોળના માહોલને જીવંત બનાવતી ફિલ્‍મ : યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારા મુખ્‍ય ભુમિકામાં : પિતૃલોકની વાતો સાથે પારિવારિક ઘટનાઓ ફિલ્‍મને ચોટદાર બનાવે છે : ‘જાદુ.. જાદુ' સહીત ચાર ગીતો : ટ્રેલરને જોરદાર પ્રતિસાદ

રાજકોટ તા. ૮ : ફિલ્‍મોની દુનિયાના દિગ્‍ગજ કલાકાર અમિતાભ બચ્‍ચનને લઇને નિર્માણ પામેલ ગુજરાતી ફિલ્‍મ ‘ફકત પુરૂષો માટે આગામી તા. ૨૩ ઓગષ્‍ટથી સીનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આ ફિલ્‍મના મુખ્‍ય કલાકારો યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારાએ જણાવ્‍યુ હતુ કે અમદાવાદની પોળના માહોલને જીવંત બનાવતી આ ફિલ્‍મમાં પરિવાર અને પ્રેમની વાતો છે. પિતૃલોકમાં બેસેલા દાદા અને તેમની વાતો પૃથ્‍વીલોક સુધી પહોંચાડતા પ્રભુદાસ.. આ બધુ થોડુ રોમાંચિત કરી દયે તેવુ છે. દર્શકોને કઇક ખાસ નવો જ અનુભવ થશે.

ફિલ્‍મના મુખ્‍ય પાત્રો ‘બ્રીજેશ' અને ‘રાધીકા' ના લગ્ન માટે પરિસ્‍થિતી કેવા વળાંકો લ્‍યે છે તેને ખુબ સરસ રીતે પ્રદર્શીત કરતી આ ફિલ્‍મમાં કોમેડી પણ ભરપુર મુકવામાં આવી છે.

તેઓએ વધુમાં જણાવેલ કે વર્ષ ૨૦૨૨ માં જયારે આનંદ પંડિત અને વૈશાલ શાહ નિર્મિત ફિલ્‍મ ‘ફકત મહિલા માટે' સફળ થયેલ ત્‍યારે તેની સિકવલ અનિવાર્ય લાગી અને હવે બ્‍લોક બસ્‍ટર હિટની સિકવલ ‘ફકત પુરૂષો માટે' આગામી ૨૩ ઓગષ્‍ટથી રીલીઝ થવા જઇ રહી છે.

જો કે આ ફિલ્‍મનું ટ્રેલર ૨૯ જુલાઇએ લોન્‍ચ થતા જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને અમિતાભજીના અવાજમાં ‘આટલી બધી બબાલ ફકત પુરૂષ બનવા માટે?' ડાયલોગ ખુબ ફેમસ થઇ ચુકયો છે.

અમદાવાદમાં જ શુટ થયેલ આ ફિલ્‍મમાં ‘જાદુ.. જાદુ' સહીત ચારેક ગીતોને સ્‍થાન છે. લીરીકસ ભાર્ગવ પુરોહીત અને એક ગીતમાં શાને સ્‍વર આપ્‍યો છે. કમ્‍પોઝીશન કેદાર ભાર્ગવે કર્યુ છે.

ફિલ્‍મમાં યશ સોની ‘બ્રીજેશ'ના પાત્રમાં અને એશા કંસારા ‘રાધીકા'ના પાત્રમાં  છે. મિત્ર ગઢવી ‘કિર્તન'ના પાત્રને ન્‍યાય આપી રહ્યા છે. ઉપરાંત દર્શન ઝરીવાલાનો અભિનય પણ કાબીલેદાદ છે.

જય બોડાસ અને પાર્થ ત્રિવેદી લિખિત અને દિગ્‍દર્શિત આ ફિલ્‍મમાં મૃત્‍યુ પામેલા દાદા પૌત્રના લગ્નમાં કઇ રીતે દખલ કરે છે અને પછી સુપરસ્‍ટાર અમિતાભ બચ્‍ચન  પ્રભુદાસ બનીને કેવો કીમીયો અજમાવે છે તે વાતો જાણવા દર્શકોએ ફિલ્‍મ જોવી પડશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ‘ફકત પુરૂષો માટે'ના મુખ્‍ય કલાકારો યશ સોની, એશા કંસારા, મિત્ર ગઢવી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:48 PM IST)