<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

રાહુલ સોનીએ છેતરેલા લોકોની સંખ્‍યા ૧૦૦ને પારઃ ઠગાઇનો આંકડો ૩ કરોડઃ નાણા પાછા મળે તેવી કાર્યવાહીની આશા

દોઢ વર્ષ પહેલા રૈયા ચોકડીએ વેસ્‍ટ ગેઇટમાં એન્‍જલ માર્કેટના નામે ઓફિસ ખોલી શેર બજારમાં રોકાણ પર બાવીસ ટકા વળતરથી લાલચ આપી ૫૩ રોકાણકારોને છેતરતાં ગાંધીગ્રામમાં ગુનો નોંધ્‍યો હતોઃ ઠગ દંપતિ હુબલીથી ઝડપાતાં ૮ દિવસના રિમાન્‍ડ પર ડીસીપી જગદીશ બાંગરવાના માર્ગદર્શનમાં એસીપી રાધિકા ભારાઇ, ગાંધીગ્રામ પીઆઇ બી. ટી. અકબરી અને ટીમ દ્વારા બંનેની વિસ્‍તૃત પુછતાછઃ પોતાની પાસે કંઇ નહિ હોવાનું અને નાણા શેર બજારમાં ગુમાવી દીધાનું રાહુલનું રટણઃ અમદાવાદમાં એક મકાન છે તે પણ તેના નામે નથી!: મિલ્‍કત જપ્‍તી સહિતની કાર્યવાહી થાય તેવી નાણા ગુમાવનારા નોકાણકારોની માંગણી

રાજકોટ તા. ૬: શેર બજારમાં ઉંચા વળતરની લાલચ આપી ૫૩ રોકાણકારો સાથે રૂપિયા ૧.૭૭ કરોડની ઠગાઇનો બનાવ દોઢ વર્ષ પહેલા બન્‍યો હતો. આ કેસમાં ફરાર દંપતિને ગાંધીગ્રામ અને ક્રાઇમ બ્રાંચની ટીમે કર્ણાટકના હુબલી ખાતેથી પકડી લઇ ગાંધીગ્રામ પોલીસને સોંપતાં બંનેના પતિ-પત્‍નિના આઠ દિવસના રિમાન્‍ડ મંજુર થતાં વધુ તપાસ આગળ વધારવામાં આવી છે. રાહુલ સોની અને તેની પત્‍નિએ છેતરેલા લોકોની સંખ્‍યા ૫૩માંથી વધીને બમણી એટલે કે ૧૦૦ની ઉપર થઇ ગઇ છે. આ બંનેએ છેતરેલા અનેક લોકો પોલીસ સામે આવી રહ્યા છે અને પોતે ગુમાવેલા નાણા મરણમુડી પરત મળે તે પ્રકારની નક્કર કાર્યવાહી થાય તેવી આશા સેવી રહ્યા છે. રાહુલની પુછતાછમાં તેની સાથે સંકળાયેલા બીજા એજન્‍ટોના નામ ખુલવાની પણ શક્‍યતા છે.

વિગત એવી છે કે ગાંધીગ્રામ પોલીસમાં દોઢ વર્ષ પહેલા ગુનો દાખલ થયો હતો. જેમાં રૈયા ચોકડી પાસે વેસ્‍ટ ગેઇટમાં એન્‍જલ માર્કેટ નામે ઓફિસ ખોલી શેર બજારમાં રોકાણ કરવાથી બાવીસ ટકા રિફન્‍ડ મળશે તેવી લાલચ આપી દંપતિએ ૫૩ જેટલા રોકાણકારોને લલચાવી નાણાનું રોકાણ કરાવી એક કરોડ સત્‍યોતેર લાખની ઠગાઇ કરી હતી અને ભાગી ગયા હતાં. આ કેસમાં છેલ્લા દોઢ વર્ષથી વોન્‍ટેડ દંપતી રાહુલ રણજીતભાઈ સોની (ઉ.વ.૨૯, રહે. પામ સિટી ડી-૨૦૧, રૈયા રોડ, મુળ અમદાવાદ) અને તેના પત્‍નિ અદિતીબેન (ઉ.વ.૨૪)ને હુબલીથી પકડીલેવાયા છે. આરોપી દંપતી વિરળધ્‍ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં દોઢેક વર્ષ પહેલા વિશ્વાસઘાત, છેતરપિંડી, ગુનાહીત કાવતરું અને ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્‍ટરેસ્‍ટ ડીપોઝીટરની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં દોઢેક વર્ષથી ફરાર આરોપી દંપતીનો કોઇ પત્તો પોલીસને મળતા નહોતો.

રાહુલ અને તેના પત્‍નિ અદિતીબેનની વિધીવત ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં આઠ દિવસના રિમાન્‍ડ મંજુર થયા હતાં. ગાંધીગ્રામ પોલીસના કહેવા મુજબ આરોપી દંપતીએ ઓફિસ ખોલી શેર માર્કેટમાં ૨૨ ટકા રિફંડની લાલચ આપતા હતા. જેને કારણે રોકાણકારો તેમની જાળમાં ફસાઇ ગયા હતા. આરોપી રાહુલ હાલ હુબલીમાં એક હોટલમાં કામ કરતો હતો. શેર માર્કેટમાં મોટી રકમ હારી જતાં  ફ્રોડ આચર્યાનું રટણ કયુૃ હતું. રોકાણકારોને તેમની ગુમાવેલી રકમ પરત મળે તે માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.

પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. બી. બસીયા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ બી. ટી. અકબરી, પીએસઆઇ એન. વી. હરિયાણી, ડીસીબીના હેડકોન્‍સ. સુભાષભાઇ ઘોઘારી, સંજયભાઇ રૂપાપરા, બ્રિજરાજસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, ગાંધીગ્રામના અમિતભાઇ કોરાટ, મહેશભાઇ રબારી, સવજીભાઇ હુંબલ, કોન્‍સ. સલ્‍તાજબાનુ ભોરણીયા, ડ્રા.ભગીરથસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.

આ કેસમાં આરોપીના આઠ દિવસના રિમાન્‍ડ મળ્‍યા હોઇ પીઆઇ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ બી. ટી. અકબરી, રાઇટર હંસરાજભાઇ ઝાપડીયા, અમિતભાઇ સહિતની ટીમ વધુ તપાસ કરી રહી છે. દરમિયાન રાહુલની પુછતાછમાં એવું બહાર આવ્‍યું છે કે તેણે તમામ રકમ શેર બજારમાં ગુમાવી દીધી છે. બીજી તરફ તેણે છેતરેલા વધુને વધુ લોકો પોલીસ પાસે આવી રહ્યા છે. અગાઉની ફરિયાદમાં ૫૩ લોકો અને ૧.૭૭ કરોડની ઠગાઇનો આંકડો હતો. તે વધીને છેતરાયેલા લોકોની સંખ્‍યા ૧૦૦ થઇ છે અને ઠગાઇનો આંકડો ૩ કરોડ ઉપર થઇ ગયો છે. નાણા ગુમાવનારા રોકાણકારોને એવી આશા છે કે પોતે ગુમાવેલા નાણા પાછા મળે તેવી કાર્યવાહી પોલીસ કરે. આરોપીની મિલ્‍કત જપ્‍તી સહિતની કાર્યવાહી કરવા પણ માંગણી થઇ રહી છે. આ કિસ્‍સામાં પરસાણાનગરના યુવાન મનોજ પરષોત્તમભાઇ નૈયરે જે દિવસે ૧૬ લાખનું રોકાણ કર્યુ તેના બીજા જ દિવસે આ ઠગ દંપતિ ઓફિસ બંધ કરી ઉચાળા ભરી ગયા હતાં. આ કેસમાં એફઆઇઆર દાખલ કરાવવાથી માંડી આરોપીઓને શોધી કાઢવા સુધીના સમયગાળામાં મનોજ નૈયરે સતત ઉચ્‍ચ પોલીસ અધિકારીઓને મળીને રજૂઆતો કરી હતી. અંતે આરોપી દંપતિને છેક હુબલીથી ઝડપી લેવાયું હતું. રાહુલને અમદાવાદમાં કિંમતી મકાન હોવાની વિગતો પોલીસને મળી છે જો કે આ મિલ્‍કત પણ તેના પિતા કે બીજા કુટુંબીના નામે છે

(3:59 PM IST)