<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

૨૩ વર્ષના રોહિત ત્રિદેવીનું હૃદય બેસી જતાં મોતઃ સગર્ભા પત્‍નિ સહિતના સ્‍વજનોમાં કલ્‍પાંત

હાર્ટએટેકથી મૃત્‍યુની ઘટનાઓનો સિલસિલો યથાવતઃ રેલનગરના પરિવાર પર વજ્રઘાત : રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતો યુવાન અચાનક બેભાન થઇ ગયોઃ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૬: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુની ઘટનાઓ અટકતી જ નથી. વધુ એક બનાવમાં એક પરિવારના આધારસ્‍તંભ અને આશાસ્‍પદ એવા ત્રેવીસ વર્ષના યુવાનનું હૃદય બેસી જવાથી મૃત્‍યુ થયું છે. રેલનગરમાં રહેતો યુવાન રાતે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. કરૂણતા એ છે કે આ યુવાનની પત્‍નિ હાલ સગર્ભા છે. ઘટનાથી પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ રેલનગર મહર્ષિ દયાનંદ ટાઉનશીપમાં રહેતો રોહિત દિનેશભાઇ ત્રિવેદી (ઉ.વ.૨૩) રાતે અઢી વાગ્‍યે અચાનક ઉલ્‍ટી થયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર રોહિત રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. તેના પિતા કેટરીંગનું કામ કરે છે. તે બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. બે વર્ષ પહેલા તેના લગ્ન ધારા સાથે થયા હતાં. તેણી હાલમાં સગર્ભા છે.

યુવાન અને આશાસ્‍પદ તથા આધારસ્‍તંભ રોહિતના અચાનક મૃત્‍યુના બનાવથી સગર્ભા પત્‍નિ સહિતના પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ અને પદુભાએ પ્ર.નગર પોલીસને કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(11:00 AM IST)