તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 31st July 2024
૮૦ વર્ષ જુના મકાનમાં ર૩ લાખનું નુકશાન કલેઇમ રદ કરતું પોરબંદર ગ્રાહક તકરાર નિવારણ કમીશન
વાવાઝોડાના લીધે

રાજકોટ : બીપોરજોય વાવાઝોડાને લીધે ૮૦ વર્ષ જુના મકાનમાં રૂપીયા ૨૩ લાખનું નુકશાન થયેલ હોવાનો ખોટો અને ઉભો કરેલ કલેઈમ પોરબંદર ગ્રાહક તકરાર નીવારણ કમીશન દ્વારા રદ કરી દેવામાં આવ્યો છે.
આ કેસની હકીકત એવી છે કે પોરબંદરના રહેવાસી અરવીંદ બી.પાંજરીએ તેના ખુબ જ જુના મકાનનો ધી ઓરીએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લી. પાસે ભારત ગૃહરક્ષા પોલીસી ઉતરાવેલ અને ત્યારબાદ તે મકાનની કોઈપણ જાતની જાણવણી કે દેખભાળ ન રાખતા હોય અને પોરબંદર મ્યુનીસીપલ કોર્પોરેશને પણ ફરીયાદીને નોટીસ આપેલ હતી કે આ મકાન ડેમેજ થયેલ છે તેમજ મકાનની છતનો જર્જરીત હીસ્સો પણ ધરાશાયી થઈ શકે તેવી ખુબ જ શકયતા રહેલી છે.
તા. ૧૨/૦૬/૨૦૨૩ ના રોજ બીપોરજોય વાવાઝોડાના કારણે આ મકાનમાં નુકશાન થયેલ છે તેવો કલેઈમ ફરીયાદીએ વીમા કંપનીમાં નોંધાવેલ હતો. ત્યારબાદ વીમા કંપનીએ તાત્કાલીક સર્વેયર નીમણુંક કરી સર્વે કરાવેલ હતુ અને સર્વેયરને તેના સર્વે દરમ્યાન એ ધ્યાનમાં આવેલ કે એકસાથે ૩ મકાન આવેલ છે તેમાં સવાલવાળુ ફરીયાદીનુ મકાન વચ્ચેનુ છે અને આજુબાજુના મકાનને કોઈ નુકશાન થયેલ નથી. તેમજ સર્વેયરે ફરીયાદી પાસે માંગેલ દસ્તાવેજો પણ ફરીયાદીએ સર્વેયરને પુરા પાડેલ ન હતા અને તેથી સર્વેયરે અધુરા પેપર્સ સાથે તેનો સર્વે રીપોર્ટ ઈશ્યુ કરેલ હતો અને તે સર્વે રીપોર્ટને આધારે સામાવાળા ધી ઓરીએન્ટલ ઈન્શ્યોરન્સ કંપનીએ ફરીયાદીનો કલેઈમ રીજેકટ કરેલ હતો.
ત્યારબાદ ફરીયાદી વીમા કંપનીના નીર્ણયથી નારાજ થઈને પોરબંદર ગ્રાહક તકરાર નીવારણ કમીશનમાં રૂા.૨૩ લાખ મેળવવા ધી ઓરીએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લી. સામે ગ્રાહક ફરીયાદ દાખલ કરેલ હતી. જેમાં ધોરણસર નોટીસ બજી જતા ધી ઓરીએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લી. વતી રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી નરેશ એમ. સીનરોજા અને તેમની સાથે યુવા ધારાશાસ્ત્રી ચિરાગ જી. છગ રોકાયેલ હતા. તેમણે સમયમર્યાદામાં વીમા કંપની વતી લેખીત જવાબ, દસ્તાવેજો અને સર્વે રીપોર્ટ રજુ કરેલ હતો અને ખુબજ લંબાણપુર્વક લેખીત તેમજ ઓરલ દલીલ કરી સાથે નામદાર નેશનલ કમીશન અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકી દલીલ કરેલ હતી.
જે દલીલ નામદાર પોરબંદર ગ્રાહક તકરાર નીવારણ કમીશને મંજુર રાખી અને ફરીયાદી દ્વારા દાખલ કરવામાં આવેલ ફરીયાદ રદ કરવાનો હુકમ કરેલ છે.
આ કામે સામાવાળા ધી ઓરીએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લીમીટેડ વતી રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી નરેશભાઈ એમ. સીનરોજા (મો. ૯૮રપ૦ ૭૬પ૭પ) તથા તેમની સાથે તેમના એસોસીએટ શ્રી ચિરાગ જી. છગ એડવોકેટ રોકાયેલ હતા.
(5:02 PM IST)










