તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 31st July 2024
ભાજપવાળા કાર્યક્રમો આપે તો પોલીસ કંઇ ન કરે, આમ આદમી પાર્ટીના લોકોને તુરત જ પકડી લેવાય... આવો અન્યાય કેમ?
શહેર આપ અધ્યક્ષ દિનેશ જોષીની આગેવાનીમાં જુદા-જુદા બેનરો સાથે પોલીસ કમિશનર કચેરી પાસે દેખાવો કરાયાઃ પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવાયું

રાજકોટઃ ભાજપના પદાધીકારીઓ, હોદ્દેદારો, કાર્યકરો દ્વારા યેનકેન પ્રકારે કોઇને કોઇ કોભાંડોમાં સામેલ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આજે રાજકોટ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ દિનેશ જોશીની આગેવાની હેઠળ પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે બળાત્કાર, ડ્રગ્સની હેરાફેરી, સરકારી અનાજ સગેવગે કરવું, અપહરણ-ધાકધમકી, કટકી કરવી, જમીન લખાવી લેવી, ખોટી કોલેજો કાગળ પર ચલાવવી, પૂલના બાંધકામમાં ભ્રષ્ટાચાર આચરવા, દારૂની હેરાફેરી સહિતના કરતુતોમાં ભાજપ સાથે સંકાળેલા લોકો-શખ્સોની સંડોવણીઓ સામે આવી હતી. આમ છતાં પ્રસાશને આંખ આડા કાન કર્યા હોય તેવુ ચિત્ર ઉભુ થયું હતું. બીજી તરફ આમ આદમી પાર્ટી લોકોના પ્રશ્નો માટે ધરણા-રેલી કે આવેદનના કાર્યક્રમો આપે ત્યારે પોલીસ આગેવાનો, કાર્યકરોને તુરત પકડી લઇ ડિટેઇન કરી ચાર પાંચ કલાક બેસાડી રાખે છે. પ્રજા હિતના કામો કરવા એ શું ગુન્હો છે? ભાજપ સાથે સંકળાયેલા હોય અને ખોટુ કરે તો તેની અટકાયત થતી નથી, આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકરોને શા માટે તુરત પકડી લેવામાં આવે છે? ભારતમાં દરેક નાગરિકને સમાન અધિકાર છે તે પણ જોવું જોઇએ. તેમ રજૂઆતમાં જણાવાયું હતું. આમ આદમીના આગેવાનો કાર્યકરો અલગ અલગ સુત્રો લખેલા પોસ્ટર સાથે રજૂઆત કરવા આવ્યા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)
(4:09 PM IST)










