તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 31st July 2024
અંબિકા ટાઉનશીપમાં ખાડારાજ : લોકરોષ
વોર્ડ નં. ૧૧ ના વિવિધ વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, લાઇટ, ગટર સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ : લતાવાસીઓનો વિરોધ : સમસ્યા તાકિદે ઉકેલવા માંગ

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૧ ના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં રોડ-રસ્તા પરના ખાડા-ખબચડા રીપેર ન થતા સવારે વિસ્તારવાસીઓ એકઠા થઇ ભાજપ હાય હાયના સુત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને આ સમસ્યા તાકિદે ઉકેલવા માંગ કરી છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા. ૩૧ : શહેરના વોર્ડ નંબર ૧૧ ખાતે આવેલી અંબિકા ટાઉનશીપમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઇને લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અહીં રોડ-રસ્તા તેમજ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવને લઇને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેને લઇને આજે મોટી સંખ્યામાં સ્થાનિકોએ એકઠા થઇને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ભાજપની સરકાર હાય હાય સહિતના નારા સ્થાનિકોએ લગાવ્યા હતો. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવ છે.
રાજકોટ શહેરને સ્માર્ટ સીટી ગણવામાં આવે છે. જો કે આ સ્માર્ટ સીટીના હાલ ગ્રામ્ય વિસ્તારો કરતા પણ બેહાલ હોવાનો આક્ષેપ વોર્ડ નંબર ૧૧ માં વિસ્તારવાસીઓએ કર્યો છે. અંબિકા ટાઉનશીપમાં સ્થાનિકો દ્વારા રસ્તા, પાણી ગટર સહિતના પ્રાથમિક સુવિધાઓનો અભાવને લઇને લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અંબિકા ટાઉનશીપમાં ૮૦૦ થી ૯૦૦ એપાર્ટમેન્ટ સહિત પ૦ હજાર થી વધુ લોકો રહે છે. આ વિસ્તારમાં લોકો કહે કે અંબિકા ટાઉનશીપ નહિ પરંતુ વોર્ડ નં. ૧૧માં આવેલી અલગ અલગ સોસાયટીઓના હાલ પણ આ જ છે. ખરાબ રસ્તાઓના કારણે લોકો અનેક વખત અકસ્માતના ભોગ પણ બને છે.
વિસ્તારવાસીઓના જણાવ્યા પ્રમાણે વરસાદ આવે ત્યારે ગોઠણ સુધીના પાણી ભરાઇ જાય છે. તેમજ ગટરો પણ ઉભરાય છે. જેને કારણે બાળકોમાં ડેન્ગ્યુ સહિતના રોગનું પ્રમાણ પણ વધ્યુ છે. આ માટેઅ નેક રજુઆતો કરવા છતાં સમસ્યા દૂર થતી નથી. ત્યારે તાત્કાલિક આ અંગે પગલા લેવાય તે જરૂરી બન્યું છે.
આ વિસ્તારના લોકો હંમેશા એડવાન્સ ટેકસ ભરવાવાળા છે. આમ છતાં કોઇપણ સુવિધા આપવામાં આવતી નથી. રોડ રસ્તા તેમજ પીવાનું પાણી અને ભૂગર્ભ ગટર સહિતની સુવિધા અમારા વિસ્તારમાં ઘણા વર્ષોથી મળતી નથી. ત્યારે આ સમસ્યા તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ છે. તેમજ જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ વિસ્તારવાસીઓએ ઉચ્ચારી હતી.
(4:06 PM IST)










