News of Wednesday, 31st July 2024
માયાણીનગર સ્થિત શ્રી સરદાર પટેલ ભવનમાં અદ્યતન રીડીંગ રૂમનું ઉદ્ઘાટન
કાલે ન્યુ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનો માટે અદ્યતન સુવિધાસભર રીડીંગ રૂમનું નિર્માણઃ ડો. કમલસિંહ ડોડીયાના હસ્તે ઉદ્ઘાટનઃ નરેશભાઇ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

રાજકોટ : શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનો માટે અદ્યતન સુવિધાસભર રીડિંગ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે આવતીકાલે ૧ ઓગસ્ટના રોજ આ રીડિંગ રૂમનું ઉદઘાટન કરવામાં આવનાર છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ શહેરમાં જીપીએસસી, યુપીએસસી, પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ સહિતની વર્ગ-૧, ૨ અને ૩ના સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે. આ તાલીમ વર્ગોમાંથી તાલીમ લઈને અત્યાર સુધીમાં અનેક યુવાનોએ વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવી છે. ત્યારે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ એક સાથે બેસીને વાંચન કરી શકે તેવા અતિઆધુનિક સુવિધાસભર રીડિંગ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે. તારીખ ૧ ઓગસ્ટના રોજ બપોરે ૩ થી ૪-૩૦ કલાકે આ રીડિંગ રૂમનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડો. કમલસિંહ ડોડિયા ે પોતાના હસ્તે રીડિંગ રૂમને ખુલ્લો મૂકશે. આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ પરસાણા સહિતના હોદ્દેદારો, ટ્રસ્ટીશ્રીઓ, મહેમાનો, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહેશે.
મહત્વનું છે કે, આ નવનિર્મિત રીડિંગ રૂમનો લાભ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો લઈ શકશે. રીડિંગ રૂમમાં ફ્રી વાઈફાઈ, લોકર, આરામદાયક ખુરશી, એસી સહિતની અતિઆધુનિક સુવિધા મળશે. આ રીડિંગ રૂમનો લાભ સર્વ સમાજના યુવાનો લઈ શકશે. સ્થળ : શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ, સરદાર પટેલ ભવન, ચંદ્રેશનગર પાણીના ટાંકા સામે, માલવિયાનગર, પો. સ્ટેશનવાળી શેરી, મવડી પ્લોટ, રાજકોટ.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સંસ્થાના ટ્રસ્ટીશ્રી જયેન્દ્રભાઇ અકબરી, પૂર્વ મામલતદાર શ્રી હરિભાઇ નસીત અને એસપીસીએફ એકેડેમીક હેડ શ્રી નિરવ ભાલાળા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:58 PM IST)










