<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

બાન લેબ્સ પરિવારના ધર્માનુરાગી પૂ.લાભુબાનું નિધનઃ કાલે પ્રાર્થનાસભા

અંતિમયાત્રામાં સામાજીક-ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ જોડાયાઃ ૯૦ વર્ષની વયે અનંતની યાત્રા પર વિદાય થતા ઉકાણી (પટેલ) પરિવારમાં ગમગીની છવાઇ દ્વારકા, સોમનાથ, હરીદ્વારમાં લાભુબેન ડાયાભાઇ ઉકાણીના નામકરણ સાથે અતિથિભવનઃ શાળા, કોલેજ અને છાત્રાલયો પણ સ્મૃતિરૂપે કાર્યરતઃ આમ સમાજમાં બાન લેબ્સ પરિવારનું મહાયોગદાન

રાજકોટઃ સમગ્ર વિશ્વમાં મેડીકલ અને કોસ્મેટીક ક્ષેત્રે નામના ધરાવતી કંપની બાન લેબ્સ પરિવારનાં ધર્માંનુરાગી, મિલનસાર અને સરળ સ્વાભાવી પૂ.લાભુબા ડાયાભાઈ ઉકાણી (પટેલ) ગઈકાલે ગૌલોકવાસી થતા પરિવાર તથા સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બાન લેબ્સનાં મોભી ડો.ડાયાભાઈ પટેલનાં ધર્મપત્ની પૂ.લાભુબા ૯૦ વર્ષની વયે અનંતની યાત્રા પર વિદાય થતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

સાંજે તેમના નિવાસ સ્થાન પંચવટી સોસાયટી ખાતેથી અંતિમ યાત્રા નિકળી ત્યારે ધારાસભ્યશ્રી ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, પુષ્કરભાઈ પટેલ તેમજ અનેક ધાર્મિક અને સામાજીક સંસ્થાનાં અગ્રણીઓ જોડાયા હતા. પૂ.લાભુબાનાં નિધનથી બાન લેબ્સ પરિવારનાં ડો.ડાહ્યાભાઈ પટેલ, મૌલેશભાઈ ઉકાણી, ડો.નટુભાઈ, અમિતાબેન, સોનલબેન, શીતલબેન, લલીતભાઈ, ઉષાબેન તથા ડો.કિર્તીભાઈ, માધુબેન-કિર્તીબેન વિગેરેને વિલાપ કરતા છોડી ગયા છે. સ્વ.લાભુબા છેલ્લા કેટલાક વર્ષોથી બહાર નિકળતા ન હતા. જ્યારે તેમનું સ્વાસ્થ્ય સારુ રહયું ત્યાં સુધી તેઓ ભકિતધામ દર્શન-પુજા કરવા અવશ્ય જતા સત્સંગ સાંભળવા જતા, તેમનું નિધન વૃધ્ધાવસ્થાનાં કારણે થયાનું જાણવા મળેલ છે. પૂ.લાભુબાના અંતિમ દર્શન કરવા રાજકોટનાં અનેક મહાનુભાવોએ હાજરી આપેલ હતી.

ગુરૂવારે હેમુ ગઢવી હોલ ખાતે સ્વ.લાભુબાની પ્રાર્થનાસભા 

બાન લેબ્સ પરિવારના વડીલ ડો.ડાયાભાઈ પટેલ (ઉકાણીનાં) ધર્મપત્ની તથા ડો.નટુભાઈ તેમજ મૌલેશભાઈનાં માતુશ્રી લાભુબાની પ્રાર્થનાસભા આવતીકાલે તા.૧-૮-૨૦૨૪ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

દ્વારકા, સોમનાથ, હરિદ્વારમાં માતુશ્રી લાભુબેન ડાહ્યાભાઈ ઉકાણીનાં નામકરણ સાથેનાં અતિથિ ભવનો.... બાન લેબ્સ પરિવારના ડો.નટુભાઈ તેમજ મૌલેશભાઈનાં માતુશ્રી લાભુબા ડાહ્યાભાઈ ઉકાણી અતિથિ ભવન, સોમનાથમાં પણ લાભુબાનાં નામે અતિથિ ભવન તેમજ હરિદ્વાર ખાતે માતુશ્રી લાભુબાનાં નામે અદ્યતન અતિથિ ભવનનું નિર્માણ કરવામાં  આવેલ છે, આ સિવાય સ્કુલ, કોલેજ અને છાત્રાલયો પણ માતુશ્રીની  સ્મૃતિરૂપે કાર્યરત છે આમ બાન લેબ્સ પરિવારનું સમાજમાં મહાયોગદાન રહયું છે.

મૌલેશભાઈ ઉકાણીને

ફોન દ્વારા દિલસોજી

પાઠવતા મુખ્યમંત્રીશ્રી...

બાન લેબ્સનાં સેવાભાવી ઉદ્યોગપતિ તથા સિદસર ઉમાધામનાં ચેરમેન તથા શ્રી દ્વારકાધિશ મંદિર-દ્વારકાનાં ટ્રસ્ટી મૌલેશભાઇનાં માતુશ્રી લાભુબાનું દુઃખદ અવસાન થતા ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ મૌલેશભાઈ તથા પરિવારને ફોન ઉપર દિલસોજી વ્યકત કરીને માતુશ્રીને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી.

'અકિલા' પરિવારના શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી નિમિષભાઇ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારે બે મિનિટ મૌન પાળી પૂજય લાભુબાને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

(3:58 PM IST)