તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
૨૭ નિર્દોષનો ભોગ લઇ લેનાર ગેમઝોનના ગોઝારા અગ્નિકાંડના ૧૫ આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચે બંદોબસ્ત હેઠળ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ
પચ્ચીસમી મેની સાંજે લાગેલી આગે અનેક પરિવારના માળા વીખી નાખ્યા છે: તપાસમાં ૨૫૦થી વધુના નિવેદન નોંધાયા છે :ગેમઝોનના ૬ સંચાલકો-ભાગીદારો, ૮ અધિકારી-કર્મચારી, ૧ વેલ્ડીંગનો કારીગર ખાઈ રહ્યા છે જેલની હવા

રાજકોટ : શહેરના નાના મવા રોડ મોકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમઝોનમાં ગત તારીખ ૨૫મી મેના રોજ સાંજે ભભૂકેલી ભીષણ આગમાં ૨૭ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા આ ઘટનામાં તાત્કાલિક સીટની રચના કરવામાં આવી હતી.સીટની તપાસ દરમિયાન ૧૫ આરોપીની ધરપકડ થઈ હતી. આ તમામ જેલની હવા ખાઈ રહ્યા છે. આ ઘટનામાં આજે સાંજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હેઠળ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે.
ટીઆરપી ગેમઝોનની દુર્ઘટના અંગે બનાવના બીજા દિવસે એટલે કે ૨૬ મેંના રોજ ૨૭ નિર્દોષના મોત નીપજાવવા અંગે સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ સીટની રચના કરવામાં આવી હતી. જેમાં ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિહ ગોહિલ, એસીપી બી.બી. બસિયાની ટીમોએ તપાસ શરૂ કરી હતી. ગેમઝોનના સંચાલકો ભાગીદારો યુવરાજસિહ હરીસિહ સોલંકી, રાહુલ રાઠોડ, નીતિન જૈન, ધવલ ઠક્કર અને કિરીટસિંહ જગદીશસિહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ અધિકારીઓની પણ સંડોવણી ખૂલતા મનપાના પૂર્વ ટીપીઓ એમ ડી સાગઠીયા, મુકેશ મકવાણા, ગૌતમ જોષી, ફાયર સ્ટેશન ઓફ્સિર રોહિત વિગોરાની તે પછી જમીન માલિક અશોકસિહ જગદીશસિહ જાડેજા, મનપાના જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા, ચીફ ફાયર ઓફ્સિર ઈલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફ્સિર બી જે ઠેબા અને વેલ્ડીંગ કરનાર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ ૧૫ આરોપી હાલ જેલહવાલે છે. પોલીસ કમિશનર બ્રજેશ ઝાની રાહબરીમાં આગળ તપાસ થઈ હતી. સીટ દ્વારા આ કેસમાં કાગળ ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. અગ્નિકાંડ સાથે સંકળાયેલા ગેમઝોનના કર્મચારીઓ, મનપાના ટીપી શાખાના કર્મચારીઓ, નજરે જોનાર સાહેદો, ફાયર વિભાગના કર્મચારીઓ, વેલ્ડીંગ કર્મચારી સહિત ૨૫૦થી વધુના નિવેદન નોંધવામાં આવ્યા હતાં. ૨૭ નિર્દોષનો ભોગ લેનાર ૧૫ આરોપીઓ વિરૂધ્ધ તૈયાર કરેલ ચાર્જશીટ અંતે આજે સાંજે કોર્ટમાં ફાઈલ કરવાની તજવીજ થઈ છે. ચાર્જશીટ ફાઈલ થયા બાદ કાનૂની લડતનો આરંભ થશે.
(5:00 PM IST)










