<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

દિવ્‍યાંગ પૈકીની ૧૪ કેટેગરી સાથે સહાયકને પણ બસની ફ્રી મુસાફરી

સ્‍ટે.ચેરમેન જયમીન ઠાકર દ્વારા અમલવારી શરૂ કરાવાઇ

રાજકોટ તા. ૨૪ : મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સ્‍ટેન્‍ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ બજેટના અનુસંધાને સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા ગત સપ્તાહે તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટમાં જાહેર થયેલ યોજનાઓની સમયબધ્‍ધ અમલીકરણના સ્‍ટેટસ રીવ્‍યુ અંગે યોજેલ મીટીંગના અનુસંધાને સીટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવા અંગે સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન દ્વારા વિસ્‍તૃત માહિતી મેળવી અને તા.૧૯થી આ લોકભોગ્‍ય યોજનાની અમલવારી શરૂ કરાવેલ.

મહાનગરપાલિકા નિર્મિત રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરી બસ સર્વિસ તથા બી.આર.ટી.એસ. બસ સર્વિસનુ સંચાલન કરીને રાજકોટ શહેરના લાખો નાગરિકોને જાહેર પરિવહનની સેવા ઉપલબ્‍ધ કરાવવામાં આવી રહેલ છે. જેમાં આ ફ્રી મુસાફરી યોજનાનો લાભ સીનીયર સીટીઝન્‍સ ઉપરાંત થેલેસેમીયાગ્રસ્‍ત તથા જુવેનાઇલ ડાયાબીટીકને આવરી લેતી દિવ્‍યાંગોની કુલ ૨૧ કેટેગરીમાં સમાવિષ્‍ટ નાગરીકોને મળવાપાત્ર છે.

મહાનગરપાલિકા હસ્‍તકના રાજકોટ રાજપથ લિ. સંચાલિત બી.આર.ટી.એસ. બસ સર્વિસ તથા શહેરી બસ સર્વિસમાં વરિષ્ઠ નાગરિકો(સિનિયર સિટીઝન્‍સ), જુવેનાઇલ ડાયાબીટીક અને થેલેસેમીયાગ્રસ્‍ત સહિત દિવ્‍યાંગોની ૨૧ કેટેગરીમાં સમાવિષ્‍ટ વ્‍યક્‍તિઓ વિનામુલ્‍યે મુસાફરી કરવા માટેના પાસ મેળવવા માટેની અરજી પ્રક્રિયા માટે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ (એક ફોટો ફોર્મમાં ચોંટાડવો અને એક ફોટો સાથે જોડવો), ફોટો આઈ.ડી. પ્રૂફની નકલ (પાન કાર્ડ/ઈલેકશન કાર્ડ/આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાઈસન્‍સ), એડ્રેસ પ્રૂફની નકલ (રેશન કાર્ડ/ગેસ કનેક્‍શન બીલ/ઇલેકટ્રીસીટી બીલ) તેમજ દિવ્‍યાંગો માટે સિવિલ સર્જનનો દાખલો/સરકારશ્રી દ્વારા ઇસ્‍યુ કરવામાં આવેલᅠUD ID (Unique Disability ID)ᅠસહિત સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે રજુ કરવાના રહેશે.

સંપૂર્ણ વિગતો ભરેલું કેટેગરીવાઇઝ ફોર્મ, જરૂરી તમામ આધાર પુરાવા સાથે સવારે ૧૦.૩૦ થી બપોરે ર તેમજ બપોરે ૨.૩૦ થી બપોર ૩.૩૦ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાની તમામ ૧૮ વોર્ડ ઓફિસે ઉપરાંત : (૧)સિટી સિવિક સેન્‍ટર, સેન્‍ટ્રલ ઝોન; (૨)સિટી સિવિક સેન્‍ટર, ઇસ્‍ટ ઝોન; (૩)સિટી સિવિક સેન્‍ટર, વેસ્‍ટ ઝોન; (૪)સિટી સિવિક સેન્‍ટર, અમીનમાર્ગ; (૫)સિટી સિવિક સેન્‍ટર, કૃષ્‍ણનગર; (૬)સિટી સિવિક સેન્‍ટર, દેવપરા શાક માર્કેટ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે સ્‍વીકારવામાં આવશે.

સ્‍ટે.ચેરમેન જયમીન ઠાકર દ્વારા આવનારા દિવસોમાં બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓના સુચારૂ અને સમયબધ્‍ધ અમલીકરણ માટે લગત અધિકારીઓ સાથે સમયાંતરે બજેટમાં સમાવિષ્‍ટ યોજનાઓ અન્‍વયે કરેલ કામગીરી અંગે બેઠક કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું.

વિશેષ માહિતી આપતા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર જણાવે છે કે, રાજય સરકારશ્રીના હાલના ઠરાવ મુજબના ધોરણોમાં વધુ છુટ-છાટ સહિત અમલીકરણ શરૂ કરાવતા, ઉક્‍ત ૨૧ કેટેગરી પૈકીની વિશિષ્ટ ૧૪ કેટેગરીમાં સમાવેશ થયેલ દિવ્‍યાંગોને ફ્રી મુસાફરી ઉપરાંત મુસાફરી દરમ્‍યાન તેમની સાથે રહેનાર એક સહાયક(એટેન્‍ડન્‍ટ)ને પણ બસમાં ફ્રી મુસાફરીનો લાભ મળવાપાત્ર થાય, તે માટે સબંધકર્તા વિભાગના અધિકારીઓને જરૂરી સુચના આપી તાકિદે અમલીકરણ શરૂ કરાવેલ છે.

‘ઇરરીવર્સીબલ કન્‍ડીશન' હોય તે પ્રકારની દિવ્‍યાંગતા ધરાવતા વ્‍યક્‍તિઓ તરફથી જરૂરી પ્રમાણપત્ર સાથે નવી રજુ થનાર તમામ અરજી અન્‍વયે પણ ‘ફ્રી મુસાફરી આજીવન પાસ' ઇસ્‍યુ કરવામાં આવશે.

હાલ ત્રણ વર્ષની મુદત માટે ‘ફ્રી મુસાફરી પાસ' ઇસ્‍યુ કરવામાં આવી રહ્યા છે, તેમાં નિયમો હળવા કરી સીનીયર સીટીઝન્‍સ તરફથી નવી આવનાર તમામ અરજી અન્‍વયે ‘ફ્રી મુસાફરી આજીવન પાસ' ઇસ્‍યુ કરવામાં આવશે. સીનીયર સીટીઝન્‍સને અગાઉ ઇસ્‍યુ કરાયેલ ૫૦% કન્‍સેશનના આજીવન પાસ પણ માન્‍ય છે, પરંતુ જે સીનીયર સીટીઝન્‍સ ‘ફ્રી મુસાફરી પાસ' મેળવવા ઇચ્‍છતા હોય તેઓ તરફથી નવી અરજી સાથે ૫૦% કન્‍સેશન પાસ જમા કરાવ્‍યેથી ‘ફ્રી મુસાફરી આજીવન પાસ' ઇસ્‍યુ કરવામાં આવશે.

(4:40 PM IST)