<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની જમીનમાં પેશકદમી સામે કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડીયાએ હાથધરી કાયદાકીય લડત

અગાઉ મુખ્‍યમંત્રી, કલેકટર, કમિશનરને રજૂઆત કરી છતાં બિલ્‍ડર દ્વારા બાંધકામ સતત ચાલુ : રાજ્‍ય સરકારના પગલા તરફ મીટ

રાજકોટ તા. ૨૪ : બી-ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી હાલ તમામ મોરચે નિષ્‍ફળ રહી છે ત્‍યારે નવા કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડીયાએ સફાય અભિયાન હાથ ધર્યુ છે પરંતુ અગાઉના સત્તાધીશોના કાર્યકાળમાં થયેલી ગેરરીતિ યુનિવર્સિટીની ગરીમા ઘટાડી રહી છે. પ્રશ્નપત્રકાંડ હોય, ભરતી પ્રકરણ, બાંધકામ કે અન્‍ય કોઇ પણ પ્રકરણમાં અગાઉના સત્તાધીશોએ લીધેલા નિર્ણયની ભરપાઇ વર્તમાન કુલપતિ કરી રહ્યા છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની ટીપી સ્‍કીમમાં કપાત ન આવતી હોય છતાં ૧૫૪૭ ચો.મી. જમીન સરકારને કે કોઇ જવાબદાર અધિકાર મંડળની મંજુરી વગર બિલ્‍ડરે ૭૫ મીટરની કમ્‍પાઉન્‍ડ વોલ તોડી તેમા પેશકદમી કરી નાખી અને મોટુ બિલ્‍ડીંગ બાંધી દીધુ જે હાલ પૂર્ણતાના આરે છે. અગાઉના સત્તાધીશોએ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની જમીન બચાવવા રાજકોટ કલેકટરશ્રી, મ્‍યુનિ. કમિશનર, મુખ્‍યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી, શહેરી વિકાસ મંત્રી, મહેસૂલ મંત્રી સહિતનાને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ અંગે કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, જમીન સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની છે. તેને બચાવવા તમામ કાયદાકીય પગલા લેવાશે. તાજેતરમાં રાજકોટ મ્‍યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી છે. તેઓના જવાબ આવ્‍યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

(3:08 PM IST)