<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

મસમોટી ઠગાઇ :આઇપીઓમાં રોકાણ કરવાથી ઉંચુ વળતર મળશે,લાલચ આપી ૧૬ લોકોને સવા બે કરોડનો ‘ચૂનો'

કાલાવડ રોડ રામ પાર્કમાં રહેતાં ઇમિટેશનના વેપારી જીજ્ઞેશભાઇ વ્‍યાસે ૫૨.૫૦ લાખનું રોકાણ કર્યા બાદ તેમના ભાઇઓ, મિત્રો, સગા સંબંધીઓએ પણ અલગ અલગ રકમ રોકી હતીઃ પણ કોઇને ફદીયુ'ય પાછુ ન મળ્‍યું: ૨૦૨૧થી ગઠીયા પ્રકાશ ચુડાસમાની શોધખોળ કરતાં હતાં: અંતે પોલીસને જાણ કરી :રાજકોટ ઉપરાંત ગોંડલ, જુનાગઢ, હરિપર પાળના લોકો છેતરાયાઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી સત્‍ય સાઇ રોડ પર રહેતાં પ્રકાશની શોધખોળ હાથ ધરીઃ ફોન બંધ કરી ફરાર થઇ ગયો

રાજકોટ તા. ૨૪: શેરબજારના આઇપીઓમાં રોકાણ કરશો તો મોટુ વળતર અપાવીશ તેવી લાલચ આપી વિશ્વાસ કેળવી સત્‍ય સાઇ હોસ્‍પિટલ રોડ પર રહેતાં  અને પુષ્‍કરધામ રોડ પર આવેલી શેર બજારની ઓફિસમાં ઓફિસર તરીકે નોકરી કરતાં શખ્‍સે સત્‍ય સાઇ રોડ પર આત્‍મીય કોલેજ સામે રહેતાં ઇમિટેશનના વેપારીને જાળમાં ફસાવી તેની પાસેથી રોકાણના નામે કુલ રૂા. ૫૨,૫૦,૦૦૦ મેળવી લઇ તેમજ આ વેપારીના ભાઇઓ, સગા, સંબંધીઓ, મિત્રો મળી કુલ સોળ લોકો પાસેથી રૂા. બે કરોડ ત્રેવીસ લાખ સિત્તેર હજાર ઉસેડીને છુમંતર થઇ જતાં અત્‍યાર સુધી આ બધાએ તેની શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં અંતે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ આત્‍મીય કોલેજ સામે રામ પાર્ક યોગી આશિષ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૨૦૪માં રહેતાં અને સાળા રશ્‍મિનભાઇ સાથે ઇમિટેશનનો વેપાર કરતાં જીજ્ઞેશભાઇ રમેશભાઇ વ્‍યાસ (ઉ.વ.૫૧)ની ફરિયાદ પરથી તેમની બાજુમાં જ સત્‍ય સાઇ હાર્ટ હોસ્‍પિટલ પાસે બી-૧૦૪, આસોપાલવ સ્‍પ્રીંગ્‍સ કોપર એપાર્ટમેન્‍ટ પાસે રહેતાં પ્રકાશ રતનશીભાઇ ચુડાસમા વિરૂધ્‍ધ રૂા. ૨,૨૩,૭૦,૦૦૦ (બે કરોડ ત્રેવીસ લાખ સિત્તેર હજાર)ની ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જીજ્ઞેશભાઇ વ્‍યાસે જણાવ્‍યું છે કે મારે એક દિકરો બાવીસ વર્ષનો છે જે ફિલીપાઇન્‍સમાં એમબીબીએસનો અભ્‍યાસ કરે છે. હું પ્રકાશ ચુડાસમાને પાંચ વર્ષથી ઓળખુ છું. પુષ્‍કરધામ મેઇન રોડ પર પટેલ વેલ્‍થ નામે શેરબજારની ઓફિસ હોઇ ત્‍યાં આ પ્રકાશ ચુડાસમા કોમ્‍પલાઇન્‍સ ઓફિસર તરીકે હોઇ જેથી મારી તેની સાથે મુલાકાત થઇ હતી. તેણે મને કહેલું કે તમે આઇપોમાં રૂપિયા રોકશો તો તમને ઉંચુ વળતર મળશે. મને રોકાણ કરવા માટે વિશ્વાસમાં લેતાં મેં વર્ષ ૨૦૨૧-ફેબ્રુઆરીમાં પ્રથમ વખત પટેલ વેલ્‍થમાં બેઝમેન્‍ટમાં પ્રકાશને મળી વાતચીત કરી હતી. તે વખતે તેણે મને પુછેલુ કે તમે કેટલુ ઇન્‍વેસ્‍ટ કરવા ઇચ્‍છો છો? જેથી મેં હાલ ૧૦ લાખનું રોકાણ કરવું છે તેમ કહેતાં પ્રકાશે મને તેના નામનો ચેક આપવા કહ્યું હતું. જેથી મેં તેને દસ લાખનો ચેક આપ્‍યો હતો. જેની સામે તેણે મને પણ એક દસ લાખનો ચેક અને લખાણ આપ્‍યા હતાં.

આ રીતે બીજી વખત પણ દસ લાખનો સિક્‍યુરીટી ચેક અને ત્રીજી વખત પાંચ લાખનો ચેક આપ્‍યો હતો. ત્‍યારબાદ વધુ એક પાંચ લાખનો ચેક આપ્‍યો હતો. એ પછી તા. ૨/૮/૨૧ના રજ મને રૂપિયા ૨૧ લાખ રોકડા આપ્‍યા હતાં. ત્‍યારબાદ ૫/૧૧/૨૧ના રોજ મને દોઢ લાખનો ચેક આપ્‍યો હતો. આ રીતે મેં પ્રકાશ ચુડાસમાને કુલ રૂા. ૫૨,૫૦,૦૦૦ આપ્‍યા હતાં. આ ઉપરાંત મારા સગા ગોંડલના ભાવીનભાઇ વ્‍યાસે પણ પ્રકાશને ૧ાા લાખ, મારા ભાઇ સમીર વ્‍યાસે ૧ાા લાખ, બીજા ભાઇ હિરેન વ્‍યાસે ૩ લાખ આપ્‍યા હતાં. આ ઉપરાંત જુનાગઢ રહેતાં મારા સગા પાર્થ પ્રવિણભાઇ પંડયાએ ૧ાા લાખ, મારા મિત્ર રૂષીત દિપકભાઇ ત્રિવેદીએ કટકે કટકે પ્રકાશને ૧૪,૧૦,૦૦૦ રોકડા તથા બેંક મારફત ૧૭ લાખ મળી કુલ ૩૧,૧૦,૦૦૦ આપયા હતાં.

મારા જાણીતા હરિપર પાળના કાનાભાઇ નાથાભાઇ મહિડાએ રોકડા રૂા. ૩,૫૦,૦૦૦, વિપુલભાઇ હસમુખરાય દવેએ કટકે કટકે રૂા. ૨૪,૧૦,૦૦૦ તેમજ હર્ષદભાઇ સોમજીભાઇ વાળાએ. રૂા. ૨૨ લાખ કટકે કટકે રોકડા આપ્‍યા હતાં. તેમજ હર્ષદભાઇના ઓળખીતા નિલેષ ધીરજલાલ બગથરીયા, ઉદયભાઇ પરેશભાઇ મકવાણા, હેમલભાઇ મુકેશભાઇ ભાલોડી, નિલેષભાઇ હીરાભાઇ પરમા, કિશોરભાઇ લાંબરીયા, વિજયભાઇ લાંબરીયાએ મળી કુલ ૮૩ લાખ પ્રકાશને આપ્‍યા હતાં. પરંતુ પ્રકાશ ચુડાસમાએ આ તમામને કે મને રોકાણ સામે કોઇપણ જાતનું વળતર આપ્‍યું નથી. પ્રકાશ ફોન સ્‍વીચ ઓફ કરીને જતો રહ્યો છે. તા. ૮/૬/૨૧થી આજ સુધી શોધખોળ કરવા છતાં તેનો પત્તો મળ્‍યો નથી. તેણે આજ સુધી અમારો સંપર્ક કર્યો નથી કે કોઇને રૂપિયા આપ્‍યા નથી. આમ મારા અને મારા સગા સંબંધીઓ, મિત્રોના મળી કુલ રૂા. ૨,૨૩,૭૦,૦૦૦ આ પ્રકાશ આઇપીઓમાં રોકાણ કરવાથી સારુ વળતર અપાવીશ તેવી લાલચ આપી વિશ્વાસ કેળવી વાયદા આપી રકમ ઓળવી ભાગી ગયો હોઇ અંતે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં જીજ્ઞેશભાઇ વ્‍યાસે જણાવતાં પીઆઇ એમ. જી. વસાવાની રાહબરીમાં હેડકોન્‍સ. વી. જે. જાડેજાએ ગુનો દાખલ કરાવતાં પીએસઆઇ વી. એન. બોદરે વધુ તપાસ હાથ ધરી છે.

(3:05 PM IST)