News of Thursday, 18th July 2024
ચાંદીપુરા વાયરસ અંગે રાજકોટ શહેર-જીલ્લામાં એલર્ટ રહેવા કલેકટર-ડીડીઓ દ્વારા ડોકટરોને આદેશો
જેતપરમાં એક શંકાસ્પદ કેસ અંગે હવે રીપોર્ટ આવશેઃ સિવિલ હોસ્પીટલમાં આરોગ્ય ખાતાના આદેશો : વાયરસથી બચવા ડીડીઓ દ્વારા ઉપાયો સુચવાયાઃ લક્ષણો પણ જણાવાયા

રાજકોટ, તા., ૧૮: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે શંકાસ્પદ રીતે ૧૮ થી ૧૯ બાળકોના મોત થયા છે. રાજયના આરોગ્ય ખાતાએ રાજકોટ સિવિહલ સહિત તમામ સિવિલ હોસ્પીટલો-આરોગ્ય કેન્દ્રોને દવાનો સ્ટોક-બેડ-સ્ટાફ અંગે સાવચેતીની સુચના જાહેર કરી છે.
દરમિયાન રાજકોટ જીલ્લા કલકેટર તથા ડીડીઓ દ્વારા રાજકોટ શહેર-જીલ્લામાં આ ખતરનાક વાયરસ અંગે સિવિલ આરોગ્ય કેન્દ્રોના ડોકટરો-નર્સીગ સ્ટાફને એલર્ટ કર્યા છે. દવા-બેડ તથા સ્ટાફ અંગે પણ સુચના અપાઇ છે.
દરમિયાન રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ વાયરસથી બચવા અને ચાંદીપુરમ તાવ રોગના લક્ષણો અંગે વિગતો જાહેર કરાઇ છે.
દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે આ વાયરસ અંગે ડીડીઓ સંપુર્ણ કાર્યવાહી કરી રહયા છે. જેતપુરમાં એક શંકાસ્પદ કેસ આવ્યાની બાબત છે. પરંતુ હજુ તેનો લેબ રીપોર્ટ આવ્યો નથી.
ડીડીઓ દ્વારા મહત્વની વિગતો જાહેર કરાઇ છે.
ચાંદીપુરા વાઇરસથી
બચવાના ઉપાયો
આ વાઇરલ ઇફેક્શનનો પ્રથમ કિસ્સો ૧૯૬૫માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામે નોંધાયો હતો જેથી તે ચાંદીપુરા વાઇરસ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં મુખ્યત્વે મધ્યગુજરાતના જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, અને મહીસાગર જિલ્લાઓમાં ચંદીપુરા વાઇરસના કેસો નોંધાયા છે. ચંદીપુરા વાઇરસના ફેલાવા માટે સેંડ લાય વાહક જવાબદાર છે ચાંદીપુરા વાઇરસ ૯ માસથી લઇને ૧૪ વર્ષ સુધીના બાળકોને ચાંદીપુરા વાઇરસનું ઈંફેક્શન લાગી શકે છે.
સેંડ ફ્લાયથી ફેલાતા ચાંદીપુરમ તાવ રોગના લક્ષણો
૧.બાળકોને સખત તાવ આવવો, ૨. ઝાડા થવા, ૩ ઉલ્ટી થવી, ૪. ખેંચ આવવી, ૫, અર્ધભાન કે બેભાન થવું
સેંડ ફ્લાયથી ફેલાતા ચાંદીપુરમ રોગથી બચવા માટેના ઉપાયો
૧. સેંડ ફ્લાયથી બચવા માટે ઘરની દીવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તીરાડોને પુરાવી દેવી જોઇએ જેથી ત્યાં સેંડ ફ્લાય રહી ન શકે.
૨. ઘરની અંદરની ભાગે શકય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સુર્ય પ્રકાશ આવે) આવતો રહે તેવી વ્યવસ્થા કરવી.
૩.૧૪ વર્ષ સુધીના બાળાકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખો.
૪. બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા ન દેવા.
૫. ઉપર જણાવેલ લક્ષણો બાળકોમાં દેખાય તો તાત્કાલિક આરોગ્ય કર્મચારી અથવા નજીકના સરકારી દવાખાનામાં સારવાર માટે જવું- ડીડીઓ ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાની આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો પી.કે સિંધ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થઇ રહી છે.
(3:12 PM IST)










