તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
અગ્નિકાંડ દુર્ઘટનાની ચર્ચા નહિ : કોંગીજનોને હાંકી કઢાયા
જનરલ બોર્ડમાં વિપક્ષનો અવાજ ગુંગળાવતા શાસકો : ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડ અંગે જનરલ બોર્ડમાં ચર્ચા કરવાની વશરામ સાગઠિયાની માંગને શાસકોએ અવગણી : સભાગૃહમાં તોફાની દ્રશ્યો : સરકારી ગ્રાન્ટના પ્રથમ પ્રશ્નના ઉત્તરથી બોર્ડ પૂર્ણ : કમિશનરે વિસ્તૃત જવાબ કર્યા રજૂ

રાજકોટ તા. ૧૭ : આજે મનપાની સામાન્ય સભા તોફાની બની હતી. કુલ ૪૦ પ્રશ્નોમાંથી માત્ર એક જ પ્રશ્નોની ચર્ચા થઇ શકી હતી. શહેરમાં સર્જાયેલા ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડની ચર્ચા જનરલ બોર્ડમાં કરવાની વિરોધ પક્ષ કોંગ્રેસની માંગણી અને અવાજને દબાવી દીધો હતો. સભામાં ભાજપ અને કોંગ્રેસના જન પ્રતિનિધિઓ વચ્ચે ૪૫ મિનિટ સુધી અનેકવાર તું-તું મેં-મેં થઈ હતી. વશરામ સાગઠીયાએ મેયરનું અપમાન કર્યું હોવાના આક્ષેપ સાથે ભાજપે વિપક્ષી કોર્પોરેટરોને બોર્ડમાંથી બહાર કાઢી મૂકવાની માંગણી કરી હતી.મેયરે માર્શલને આદેશ આપતા કોંગ્રેસના ત્રણેય કોર્પોરેટરોને સભાગૃહમાંથી બહાર તગેડી મૂકવામાં આવ્યા હતા.
મ્યુનિ. કોર્પોરેશનની દર બે મહિને યોજાતી સામાન્યસભા ચૂંટણીની આચારસંહિતાના કારણે છેલ્લે માર્ચ મહિનામાં યોજાયા બાદ આજે ચાર મહિના બાદ યોજાયેલ જનરલ બોર્ડ મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને મળી હતી.
આ બોર્ડનો કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળાના રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ અંગેના પ્રથમ પ્રશ્નથી ચર્ચા પ્રારંભ થયો હતો. આ દરમિયાન કોંગી કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયાએ એવી માંગણી કરી હતી કે, અગ્નિકાંડની
ઘટનાની ચર્ચા જનરલ બોર્ડમાં થવી જોઈએ આ મુદ્દે વિપક્ષ અને શાસક વચ્ચે ભારે દેકારો બોલી ગયો હતો.શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ વચ્ચે આક્ષેપો -પ્રતિ આક્ષેપો થયા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે વિકાસ કામો થયા છે તેને સાંભળવામાં કોંગ્રેસના કોર્પોરેટરને રસ નથી તેઓને ટીંગાટોળી કરી બહાર કાઢવા જોઈએ.દરમિયાન અનેક વાર વિપક્ષે પ્રશ્નોત્તરી કાળમાં રોડા નાખતા સેન્ડિંગ કમિટીના ચેરમેન ઠાકરે બે હાથ જોડી વિનંતી પણ કરી હતી કે વિકાસ કામોને લગતો પ્રશ્ન છે જેની ચર્ચા થવા દેવી જોઈએ.દરમ્યાન વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં તમે વિપક્ષનો અવાજ દબાવી શકો નહીં તમારા પાપે ૨૭ નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે. જયાં સુધી મારા પ્રશ્નની ચર્ચા કરવામાં નહીં આવે ત્યાં સુધી હું મારા સ્થાન પર ઉભો રહીશ. તેઓએ વારંવાર એક જ માંગણી કરી હતી કે બોર્ડમાં અગ્નિકાંડની ચર્ચા થવી જોઈએ. ભાજપના શાસકો લોકશાહીનો ખૂન કરી રહ્યા છે કોંગ્રેસના ચાર કોર્પોરેટરો બોલે તો ગુનો અને ભાજપના ૬૮ કોર્પોરેટરોને બોલવાની છૂટ છે. જયોત્સનાબેન ટીલાળાના પ્રશ્નની ભલે વિસ્તૃત ચર્ચા કરો પરંતુ હું હાથ જોડીને મેયર અને કમિશનરને વિનંતી કરું છું કે મારા અગ્નિકાંડના પ્રશ્નને લઈ અડધી કલાકનો સમય આપવામાં આવે.આ દરમિયાન ફરી એક વખત ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે બબાલ સર્જાઈ હતી. ભાજપના કોર્પોરેટર ટોણો માર્યો હતો કે તમે ચાર જ બચ્યા છો. જેનો વળતો જવાબ આપતા વશરામભાઈ સાગઠીયા જણાવ્યું હતું કે ભાજપ માટે અમે ચાર કાંધિયા પણ પૂરતા છીએ.અગ્નિકાંડ સંદર્ભે ચર્ચા કરવાની માંગ સાથે વશરામભાઈ ઊભા રહ્યા હતા અને તેઓ વારંવાર દેકારો કરતા હોય મેયરે પ્રથમ પ્રશ્નની ચર્ચા જ ચાલુ રહેશે તેવો આદેશ આપ્યો હતો.
(3:01 PM IST)










