તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
રવિવારી બજારમાં ખાટલા ભાડે આપનાર વનરાજસિંહને સિંચાઇ વિભાગ દ્વારા નોટીસ આપવા તજવીજઃ સ્થળ તપાસ શરૂ
આજી ડેમ નજીક આવેલી : કોર્પોરેશન હજુ ૧પ દિવસ પાથરણાવાળાને રહેવા દેશેઃ વનરાજસિંહને ૮ દિ'ની મહેતલ નહીં તો જપ્તીની કાર્યવાહી

રાજકોટ તા. ૧૮: આજી ડેમ પાસે સિંચાઇ વિભાગની સરકારી જમીનમાં ૧પ૦૦ થી વધુ ખાટલા મુકી રવિવારી બજાર માટે ભાડે આપનાર વનરાજસિંહ દરબાર નામના શખ્સની ઓળખ મળી જતા સિંચાઇ વિભાગ દ્વારા હવે આજે તેમને નોટિસ આપવા તજવીજ હાથ ધરાઇ છે. જયારે પાથરણાવાળાઓને મહાનગરપાલિકા હજુ બે રવિવાર સુધી તેમને બેસવા દેશે તેમ સુત્રોએ ઉમેર્યું હતું.
સિંચાઇ વિભાગના ડેપ્યુટી ઇજનેરે જણાવ્યું હતું કે, આજી ડેમ પાસે આવેલી સિંચાઇ વિભાગની જગ્યામાં રવિવારી બજાર ખાલી કરાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હાલમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા રવિવારી બજાર માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા લીલીઝંડી અપાઇ હોવાથી હજુ બે સપ્તાહ સુધી પાથરણાવાળાઓને ત્યાંથી ખસેડાશે નહીં અને નોટિસ પણ અપાશે નહીં. પરંતુ આ સરકારી જગ્યા હોવા છતાં ત્યાં ખાટલા મૂકી તે ભાડે આપતા વનરાજસિંહ દરબાર નામના શખ્સની ઓળખ થઇ ગઇ હોવાથી આજે જ તેમને નોટિસ અપાશે અને આઠ દિવસમાં તેમના ખાટલા ઉપાડી લેવા અલ્ટિમેટમ આપી દેવાશે. ત્યારબાદ જો ખાટલા ઉપાડવામાં નહીં આવે તો સિંચાઇ વિભાગ તે જપ્ત કરી લેશે. દરમિયાન આ બાબતે આજે સિંચાઇ વિભાગના ડે. ઇજનેરશ્રી ઉમરાણીયાનો સંપર્ક કરતા તેમનો મોબાઇલ સતત રણકતો હતો, કોન્ટેક થઇ શકયો નહોતો, પરંતુ સ્થળ તપાસ ચાલુ હોવાનું બહાર આવ્યું હતું.
(3:46 PM IST)










