તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
રાજકોટ સિવિલમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ પાંચ બાળકોના મોત
મચ્છર-માખીથી ફેલાયઃ બાળકો વધુ ભોગ બનેઃ સિવિલ હોસ્પિટલ બાળકોના વિભાગમાં ૧૦૦માંથી ૭ બેડ અલાયદા રખાયા : તબિબો-નર્સિંગ સ્ટાફ ખેડેપગે : ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ૬ મહિનાથી માંડી ૧૩ વર્ષ સુધીના બાળકોના ભોગ લેવાયાઃ રિપોર્ટ આવવાના બાકીઃ આરએમઓ ડો. દુસરાએ જણાવી વિગતોઃ મૃતક બાળકો મોરબી, જેતપુર, મધ્યપ્રદેશના હતાં: જીલ્લા આરોગ્ય તંત્ર કહે છે-જીલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં મૃત્યુ પામનાર બંને બાળકોના સેમ્પલ મોકલાયા

રાજકોટ તા. ૧૮: કોરોના વાયરસથી મુક્ત થયા બાદ હવે ભારતનો સ્વદેશી વાયરસ ચાંદીપુરા વાયરસ બાળકોનો શિકાર કરી રહ્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કુલ ૧૪ના મોત થયાનું આરોગ્ય તંત્ર કહે છે. બીજી તરફ આ રોગના પાંચ શંકાસ્પદ કેસ રાજકોટની સિવિલ હોસ્પિટલ સંલગ્ન ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં સારવાર માટે આવ્યા હતાં. આ પાંચેય બાળકોના મોત થયા છે. જો કે તેના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. છ મહિનાથી માંડી તેર વર્ષની વય સુધીના આ પાંચેય બાળકો હતાં અને તે જેતપુર, મોરબી, એમપીના હતાં. રાજકોટ શહેરમાં આ પ્રકારના હાલ કોઇ કેસ સામે આવ્યા નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર આ વાયરસ ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સજ્જ છે.
તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયાની રાહબરીમાં આરએમઓ ડો. દૂસરા અને ટીમ દ્વારા ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ૧૦૦ બેડની અહિ સુવિધા છે તેમાંથી ૭ બેડ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કે પોઝિટીવ દર્દીઓ માટે અલાયદા કરી દેવામાં આવ્યા છે અને આ આઇસીયુ બેડ છે. અહિ તબિબો અને નર્સિંગ સ્ટાફ ખડેપગે છે. તેમ આરએમઓ ડો. હર્ષદ દુસરાએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણથી ચાર દિવસમાં ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં અલગ અલગ ગામ શહેરોમાંથી પાંચ બાળ દર્દીઓને ચાંદીપુરા વાયરસની અસર હોવાની શંકા સાથે દાખલ કરવામાં આવતાં તેમના બ્લડ સહિતના સેમ્પલ લઇને પરિક્ષણ માટે પુના મોકલાયા છે. જેના રિપોર્ટ હજુ આવવાના બાકી છે. જો કે આ પાંચેય શંકાસ્પદ કેસમાં જે તે બાળકોના મૃત્યુ થયા છે.
તેમણે જણાવ્યું હતું કે જે બાળકોના મૃત્યુ થયા છે તે મોરબી, જેતપુર અને મધ્યપ્રદેશના હતાં. રાજકોટ શહેરના કોઇ દર્દી નથી. હાલ કોઇ સારવાર હેઠળ પણ નથી. આ મૃતક બાળકોની ઉમર ૬ મહિનાથી માંડીને તેર વર્ષ સુધીની હતી. આરએમઓ ડો. દૂસરાએ જણાવ્યું હતું કે આ રોગચાળાની સામે સિવિલ હોસ્પિટલનું તંત્ર પુરેપુરૂ સજ્જ છે. ચાંદીપુરાથી બચવા ઘરની અંદર રહેલી તિરોડો બુરી દેવી જોઇએ, કોઇને પણ શરદી, તાવ, ઉધરસ, ઝાડા, આંચકી જેવા લક્ષણ હોય તો તુરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ અને નિદાન સારવાર કરાવી લેવા જોઇએ.
ઉલ્લેખનિય છે કે બાળકોના મોત બાદ આ રોગને લઈને દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, ઘણા લોકોએ આ વાયરસનું નામ ચોક્કસપણે સાંભળ્યું હશે, પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વાયરસ ભારતમાં લગભગ ૬૦ વર્ષથી તેની હાજરીનો અહેસાસ કરાવી રહ્યો છે અને સમયાંતરે કેટલાક રાજ્યોમાં રોગચાળો ફેલાવી રહ્યો છે. ખાસ વાત એ છે કે, આ એક સંપૂર્ણ દેશી વાયરસ છે, જે ભારતમાં ઉદ્દભવ્યો હતો, તેનું નામ પણ અહીં જ રાખવામાં આવ્યું હતું અને તે અહીં બાળકોને ચેપ લગાડે છે અને તેમના માટે જીવલેણ નીવડે છે. આ વાયરસ ખૂબ જ ખતરનાક છે. મગજને અસર કરે છે. કોમામાં જવા ઉપરાંત આનાથી મળત્યુ પણ થાય છે.
આ એક વેક્ટર બોર્ન રોગ છે. મુખ્યત્વે તે લગભગ ૩ મીમી લાંબી સોનેરી અને ભૂરા રંગની નાની પુખ્ત માખીઓ દ્વારા ફેલાય છે. જ્યારે આ વાયરસથી સંક્રમિત માખી બાળકને કરડે છે અને વાયરસ તેની લાળ દ્વારા લોહીમાં પહોંચે છે, ત્યારે બાળકને ચેપ લાગે છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું છે કે, તે મચ્છરો દ્વારા પણ ફેલાય છે. મુખ્ય વેક્ટર જે તેને ફેલાવે છે તે સેન્ડ ફલાય છે. જ્યારે મચ્છરની પ્રજાતિ એડીસ અને કયુલેક્સમાંથી પણ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે.
રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરા વાઈરસના જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં ૧૪ બાળકોના મોત થયા છે. ૧૬ જુલાઈ-૨૦૨૪ સુધીમાં ચાંદીપુરા વાઇરસથી ૮ બાળકનાં અને ગઇકાલે એટલે કે ૧૭ જુલાઈએ ૬ બાળકોના મોત થયા હતાં. જેમાં ગોધરાના ૧, ગાંધીનગરમાં ૧, અમદાવાદમાં ૧ અને મહેસાણાનાં ૧ બાળક સહિત અન્ય બે બાળકના મોત થયા છે. તેમજ અત્યાર સુધીમાં ૨૬ શંકાસ્પદ કેસ આવી ચૂકયા છે. જ્યારે રાજસ્થાનના બે કેસ છે અને એમાથી ૧ બાળકનું મોત થયું છે અને મધ્યપ્રદેશનું બાળક સ્ટેબલ છે. આમ ૧૭ જુલાઈના રાતના ૧૨ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીમાં રાજ્યમાં ૬ બાળકના મોત થઈ ગયા છે. રાજકોટમાં જે પાંચ મૃત્યુ થયા છે તે પાંચેય શંકાસ્પદ ગણી શકાય, તેના રિપોર્ટ હજુ આવ્યા નથી. (૧૪.૮)
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું-
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાઈરસ બાબતે જણાવ્યું હતું કે ચાંદીપુરાનો જે રોગ છે એ રેતીની માખી દ્વારા થાય છે. રોગના નમૂના પુણે મોકલાયા છે. અત્યારે આપણે એને શંકાસ્પદ ગણીએ છીએ. હાલમાં એનાં લક્ષણો મળતાં આવે છે. રિપોર્ટ આવ્યા બાદ એનું કન્ફર્મ થશે. મધ્ય ગુજરાતની અંદર આ પ્રકારનો રોગ આપણને વધુ જોવા મળે છે. જે ઘરો માટીના અને લીપણનાં હોય છે એમાં તિરાડોની અંદર આ માખીઓ, કીટકો વસતા હોય છે. ત્યાં આગળ એના પુરવાનું કામ, જંતુનાશક દવા છાંટવાનું વગેરે જેવાં કામ ૪૫૦૦થી ૪૬૦૦ જેટલાં ઘરોમાં કરવામાં આવ્યું છે. આશરે ૪૪૦૦૦ જેટલા લોકોને આ રોગની તપાસમાં આવરી લીધા છે.
(2:34 PM IST)










