<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

વરસતા વરસાદમાં ટુવ્‍હીલર પર પસાર થઇ રહેલી યુવતિનું પાણીમાંથી વિજકરંટ લાગતાં મોત

હરિદ્વાર હાઇટ્‍સમાં રહેતી બાવીસ વર્ષની નિરાલી કુકડીયાના મોતથી પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૭: ગકાઇલે સાંજે મેઘરાજાએ રાજકોટ પર હેત વરસાવ્‍યું હતું. પરંતુ વરસતા વરસાદ વચ્‍ચે નાના મવા રોડ પર એક વિચીત્ર ઘટના બની હતી. જેમાં ટુવ્‍હીલર પર પસાર થઇ રહેલી કોલેજીયન છાત્રાન પાણીમાંથી ચાલુ વાહને જોરદાર કરંટ લાગતાં તેનું મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ હરિદ્વાર હાઇટ્‍સ બી-વિંગમાં રહેતી નિરાલીબેન વિનોદભાઈ કુકડીયા (ઉ.વ.૨૨) નામની યુવતી સાંજે આઠેક વાગ્‍યે ચાલુ વરસાદે નાનામવા રોડ નજીક આવેલ સત્‍ય સાંઈ હોસ્‍પિટલ પાસેથી પોતાનું વાહન લઈને પસાર થતી હતી ત્‍યારે નજીકમાં રોડ પર એક વીજ થાંભલો હોઇ તેમાંથી કોઈ ખામીને લીધે વીજ વાયર તુટી ગયો હોય કે કંઇપણ બન્‍યું હોઇ અહિથી નિરાલીબેન નીકળતાં જ તેને પાણીમાં જોરદાર કરંટ લાગતાં તે બેભાન થઇ ઢળી પડી હતી.

બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને તુરત જ સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડી હતી. તેના પરિવારજનોનો પણ લોકોએ મોબાઇલ નંબરને આધારે સંપર્ક કરતાં તેઓ પણ હોસ્‍પિટલે દોડી આવ્‍યા હતાં. જો કે અહિ ટુંકી સારવારને અંતે તેણીએ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના હેડકોન્‍સ. ભગીરથસિંહ ખેર સહિતનો સ્‍ટાફ દોડી ગયો હતોઅને યુવતીનો મળતદેહ પોસ્‍ટમોર્ટમ અર્થે સિવીલ હોસ્‍પિટલે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃત્‍યુ પામનાર નિરાલીબેન કોલેજમાં અભ્‍યાસ કરતી હતી. આશાસ્‍પદ દિકરીના મૃત્‍યુને પગલે કુકડીયા પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. વરસતા વરસાદમાં વિજતાર તૂટીને પાણીમાં પડી જવાથી આ ઘટના બની હતી કે પછી થાંભલો જ શોર્ટ થઇ ગયો હતો? તે અંગે લોકોમાં અલગ અલગ ચર્ચા થઇ રહી હોઇ પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(2:16 PM IST)