તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
મોબાઇલમાં કસીનો ગેમ રમાડી ૧.૩૭ કરોડની લાખની હારજીત, પ્રિન્સ ઠુમ્મરે ૭૧ાા લાખ ચુકવ્યા, બીજા ૬૪ાા લાખની પઠાણી ઉઘરાણી
પેડક રોડનો ચાંદી કામનો વેપારી યુવાન પ્રિન્સ દોઢેક વર્ષ પહેલા મિત્ર સાથે અમીન માર્ગ પર ઉત્તમની દૂકાને ગયો ત્યારે ઓળખાણ થતાં તેણે કસીનો ગેમની આઇડી મોબાઇલમાં નાંખી દીધી હતીઃ પ્રિન્સ ૩૬ લાખ જીત્યો પણ હાર્યો વધારેઃ બાકીની રકમની ઉઘરાણી માટે કારખાને જઇ, નાના મવા સર્કલની ઓફિસે બોલાવી સતત ધાકધમકીઃ ક્રાઇમ બ્રાંચે ત્રણને દબોચ્યા : ઉત્તમ વીરડીયા, સ્મીત સખીયા અને રવિ વેકરીયા વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડઃ પ્રિન્સના માથે રિવોલ્વર રાખી કહ્યું આટલી જ વાર લાગશેઃ તેના પિતાને પણ મારી નાખવાની ધમકીઃ સ્મીત, રવિએ કહ્યું-અમે હવાલો લઇએ તેને મુકતાં નથી,રૂપિયા નહિ મળે તો બજારમાં રહેવા નહિ દઇએઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા અને ટીમે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૭: શહેરના સામા કાંઠે રહેતાં અને ચાંદી કામ કરતાં યુવાનનો પોતાના મિત્ર મારફત અમીન માર્ગ પર મોબાઇલ શોપ ધરાવતાં શખ્સ સાથે સંપર્ક થયા બાદ એ શખ્સે પોતાની પાસે મોબાઇલમાં આઇડી છે તેમાં કેસીનો ગેમની એપ છે તેમાં રમવાથી રકમ કદી જતી નથી પણ જીત જ થાય છે તેવું કહી આ ચાંદીકામના વેપારી યુવાનના ફોનમાં આઇડી નાખી દઇ પાંચ લાખની બેલેન્સ પણ આપતાં આ યુવાને રમવાનું ચાલુ કરતાં ે પાંચેક મહિનામાં ૧ કરોડ ૩૭ લાખની હારજીત કરતાં તે પૈકી ૭૧ લાખ ૫૦ હજાર ચુકવી દીધા બાદ બાકીના ૬૪ લાખ ૫૦ હજારની તેણે કડક ઉઘરાણી ચાલુ કરી તેમજ ઉઘરાણીનો હવાલો બીજા બે શખ્સને આપતાં આ શખ્સોએ રિવોલ્વર માથા પર રાખી ધમકી આપી આકરી ઉઘરાણી કરતાં ડીસીબી પોલીસે ગુનો નોંધી ત્રણેયને ઉઠાવી લીધા છે.
આ બનાવમાં ડીસીબી પોલીસેપેડક રોડ પર શ્રીજી આઇસ્ક્રીમની બાજુમાં પિતૃકૃપા ખાતે રહેતાં અને આર્યનગર-૧૪માં ખોડિયાર સિલ્વર નામની દૂકાનમાં ચાંદીકામ કરતાં પ્રિન્સ મનોજભાઇ ઠુમ્મર (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી ઓમનગર સર્કલ પ્રણાલી પાર્ક-૨ ભાગ્ય લક્ષ્મી ચાલીસ ફુટ રોડ ખાતે રહેતાં ઉત્તમ અશોકભાઇ વીરડીયા, ન્યુ માયાણીનગર-૨માં રહેતાં સ્મીત કિશોરભાઇ વેકરીયા તથા મવડી રોડ સરદારનગર-૨માં રહેતાં રવિ રમેશભાઇ વેકરીયા વિરૂધ્ધ આઇપીસી ૩૮૬, ૫૦૬ (૨), ૧૧૪, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
પ્રિન્સ ઠુમ્મરે પોલીસને જણાવ્યુ છે કે હું આર્યનગરમાં ખોડિયાર સિલ્વર નામે દૂકાન ધરાવુ છું અને દૂકાનમાં બાર તેર કાણસો કામ કરે છે. બે ભાઇમાં હું મોટો છું અને નાનો ભાઇ અભ્યાસ કરે છે. દોઢેક વર્ષ પહેલા ઉત્તમ વીરડીયા જે અમીન માર્ગ પર આઇફોન એરા મોબાઇલ શોપ નામે દૂકાન ધરાવે છે તેની દૂકાને હું મારા મિત્ર સાથે નૈવીક બાસીડા સાથે મોબાઇલ ફોન લેવા ગયો ત્યારે તેની સાથે પરિચય થયો હતો. નૈવિક અને ઉત્તમ બંને મિત્રો છે. ઉત્તમ સાથે ઓળખાણ થતાં મેં પણ ત્રણ ચાર મોબાઇલ ફોન ખરીદ કર્યા હતાં. દરમિયાન આજથી આઠેક મહિના પહેલા હું મોબાઇલ લેવા ગયો ત્યારે ઉત્તમે મને કહેલું કે તું મોબાઇલ ફોનમાં ગેમ રમ તને રૂપિયા મળશે. તેમ કહી તેણે તેના મોબાઇલમાં ઓલપેનલ ૭૭૭ નામની આઇડી હતી તેમાં કસીનો ગેમ રમવાનું કહેલ અને રૂપિયા મળે જ, જાય નહિ તેવું મને સમજાવ્યું હતું.
ત્યારબાદ તેણે મને તેના મોબાઇલ ફોનમાંથી મને આઇડી અને પાસવર્ડ મોકલ્યા હતાં. ત્યારબાદ મેં મારા ફોનમાં આઇડી ખોલી હતી. ઉત્તમે મને કહેલું કે અત્યારે તને હું ૫ લાખની બેલેન્સ નાખી દઉ છું તેનાથી તું રમજે અને હારજીત થાય તેનો હિસાબ રાખજે, અઠવાડીએ આપણે હિસાબ કરશું. મેં તેને હિસાબ દર સોમવારે કરવાનું કહ્યું હતું. મેં આ આઇડીમાં ગેમ રમવાનું ચાલુ કરતાં હું પહેલા અઠવાડીએ જ ૫ લાખ હારી ગયો હતો. જેથી મેં કારખાનાના હિસાબમાંથી મારા પપ્પાની જાણ બહાર આ રકમ ઉત્તમને કુવાડવા રોડ શેલ પંપ પાસે રોકડેથી આપી દીધી હતી અને હવે મારે રમવું નથી તેમ કહી દીધુ હતું.
પણ ઉત્તમે મને કહેલું કે હું તને બીજી આઇડી આપુ છું તેમાં રમજે જેથી તું જે રૂપિયા હારી ગયો છો તે રીકવર થઇ જશે. હું વિશ્વાસમાં આવી જતાં તેણે મને બીજી આઇડી મોબાઇલમાં આપી હતી. તેમાં પણ ૫ લાખની રકમ તેણે મને આપી હતી. તેમાં હું કસીનો ગેમ રમતો હતો અને સોમવારે હીસાબ કરતા હતાં. આ ગેમમાં ચારથી પાંચ મહિના દરમિયાન ૧,૩૭,૦૦,૦૦૦ રૂપિયાની હારજીત થઇ હતી. તેમાંથી મેં ઉત્તમને રૂા. ૭૧,૫૦,૦૦૦ આપ્યા હતાં. જેમાં રોકડા ૪૭ લાખ કટકે કટકે કુવાડવા રોડ પર અન્નપુર્ણા પાન સામે ચુકવ્યા હતાં. બાકીના રૂા. ૨૩,૫૦,૦૦૦ ઉત્તમના કહેવાથી તેના માણસ આશિષ બાબરીયાના નામથી પાર્થ સખીયાના નામે ગોંડલ રોડ પરથી આંગડીયાથી ચુકવ્યા હતાં.
આ ઉપરાંત ઉત્તમના કહેવાથી અલગ અલગ ૧ લાખ ગુગલ પેથી આપ્યા હતાં. બાદમાં હું જે રકમ જીત્યો હતો તેમાંથી તેણે મને ૩ લાખ, ૧૩ લાખ, ૧૦ લાખ, ૧૦ લાખ મળી ૩૬ લાખ મને તેણે પરત આપ્યા હતાં. આ અઇડીમાં રહુ કુલ રૂા. ૨૯,૫૦,૦૦૦ હારી ગયો હતો. તે રકમ મારે ઉત્તમને આપવીાની હતી. મેં બાદમાં રમવાની ના પાડતાં તેણે મને તું રમવાનું ચાલુ રાખ, ચોક્કસ જીતીશ જ જેથી તારે મને રૂપિયા આપવા નહિ પડે તેમ કહેતાં ફરી હું વિશ્વાસમાં આવી ગયો હતો અને તેણે મને વધુ એક આઇટી આપી હતી. તેમાં ફરીથી હું કસીનો ગેમ રમતાં કટકે કટકે રૂા. ૩૫ લાખ હારી ગયો હતો. આ પછી મેં ઉત્તમને કુલ રૂા. ૭૧,૫૦,૦૦૦ આપ્યા હોઇ તેમ છતાં તેણે વધુ ૬૪,૫૦,૦૦૦ની મારી પાસે માંગણી કરી હતી. આ રૂપિયાની તે હવે કડક ઉઘરાણી કરવા માંડયો હતો.
ઉત્તમને મેં ૧૧ લાખ રોકડા આપ્યા હતાં. એ પછી ઉત્તમે મને ફોન કરી કહેલું કે આ બંડલમાં ૧૨ હજાર ઓછા છે. જેથી મેં કહેલું કે હું જોઇને કહુ છું. પણ મને યાદ આવતું મ હોઇ ઉત્તમે મને રૂપિયાના બંડલનો વિડીયો મોકલ્યો હતો. જેમાં એક બંડલ પર તેનો હાથ હતો તે નાનુ દેખાતુ હતું અને રૂપિયા ઓછા હોય તેમ લાગતું હતું. કસીનો આઇડીમાં હું ઉત્તમે આપેલી આઇડીમાં ગેમ રમ્યો હોઉ તેના રૂા. ૬૪,૫૦,૦૦૦ મારે તેને આપવાના બાકી હોઇ તે કડક ઉઘરાણી કરતો હતો. પણ હાલ રૂપિયા ન હોઇ ઉત્તમે મને કહેલું કે હું રવિ વેકરીયાને લઇને તારા કારખાને આવુ છું, તેમ કહી ધમકી આપી હતી. ત્યારબાદ મેં મારા પપ્પાને વાત કરતાં તેણે ફોન પર ઉત્તમ સાથે વાત કરતાં ઉત્તમે રૂપિયા તો આપવા જ પડશે તેમ કહ્યું હતું.
એ પછી ૨૫/૧/૨૪ના સાંજે સાડા આઠેક વાગ્યે હું કારખાને ઉપરના માળે હતો અને મારા પપ્પા મનોજભાઇ તથા કુટુંબી મામા ખોડાભાઇ કારખાને આવ્યા હોઇ તે તથા કારીગર વિશાલભાઇ નીચે હોઇ તે વખતે ઉત્તમ અને તેની સાથેનો એક શખ્સ રવિ વેકરીયા આવ્યા હતાં અને રૂા. ૬૪,૫૦,૦૦૦ની ઉઘરાણી કરી હતી. તેમજ ઉત્તમે કહેલું કે હવે આ રકમ તમારે રવિ વેકરીયા અને સ્મીત સખીયાને આપવાની છે. જેથી મારા પપ્પાએ કહેલું કે ગેમ રમવા આઇડી તમે આપી હતી એટલે વહિવટ તમારી સાથે જ કરવાનો હોય, અમે રવિને ઓળખતા નથી.
આ વખતે રવિએ કહેલુ કે હવે આ રૂપિયાનો હવાલો મેં અને સ્મીતે લીધો છે, રૂપિયા તો તમારે અમને જ આપવા પડશે તેમ કહી ધમકી આપી કહેલુ કે અમે જેનો હવાલો લઇએ તેને મુકતા નથી. જો રૂપિયા નહિ આપો તો બજારમાં રહેવું અઘરૂ પડી જશે. તમને ત્રણ દિવસનો સમય આપુ છું, અમારી ઓફિસ મોકાજી સર્કલ સાશ્વત કોમ્પલેક્ષમાં ચોથા માળે છે ત્યાં આવીને રૂપિયા આપી જજો તેવી ધમકી આપી હતી. આ દરમિયાન સ્મીત પણ ઓફિસમાં આવ્યો હતો.
આ પછી હું અને મારા પપ્પા બંને બે દિવસ બાદ બપોરે રવિ વેકરીયાની ઓફિસે ગયા ત્યારે ત્યાં રવિ અને સ્મીત હાજર હતાં. અમે તેને હાલ રૂપિયાની સગવડતા નથી તેમ કહેતાં રવિએ ઉશ્કેરાઇને તમે અમને ઓળખતા નથી, હવાલો લઇએ તે રૂપિયા કઢાવીને જ રહીએ, તમારે રૂપિયા આપવા જ પડશે કહી ધમકી આપી હતી. આ વખતે ઉત્તમ ત્યાં ચા લઇને આવ્યો હતો અને ચા આપી જતો રહ્યો હતો. સ્મીત સખીયા પાસે લાયસન્સવાળી રિવોલ્વર હતી તે કાઢીને મારા માથે રાખી કહેલુ કે જો રૂપિયા નહિ આપો તો મારી નાખીશ અને આટલી જ વાર લાગશે. અમે ડરી જતાં અમે આજીજી કરી બે ચાર દિવસનો સમય માંગયો હતો. આથી રવિએ સગવડતા કરી આપી જાવ તેમ કહેતાં અમે નીકળી ગયા હતાં.
પ્રિન્સ ઠુમ્મરે આગળ જણાવ્યું છે કે ત્યારબાદ મારા પપ્પાએ અમારા સમાજના રાજકીય આગેવાનને વાત કરતાં તેમણે હિમ્મત આપતાં અને પોલીસ ફરિયાદ કરવાનું કહેતાં અમે એડવોકેટને મળી ૯/૪ના રોજ તાલુકા પોલીસમાં અરજી આપી હતી. તેની તપાસ સોંપાઇ હતી. ત્યારબાદ ૧૨/૫/૨૪ના રોજ અમીન માર્ગ પર સંતોષ લોન્ડ્રી ખાતે હું અને મારો મિત્ર કર્તવ્ય ખુંટ તથા નાનો ભાઇ દિક્ષીત બેઠા હતાં ત્યારે કાળા રંગની ફોર્ચ્યુનર કાર જીજે૦૩એફએફ-૧ નંબરની લઇને સ્મીત સખીયા આવ્યો હતો અને ધમકી આપી હતી કે અમારી વિરૂધ્ધમાં તાલુકા પોલીસમાં અરજી કરી છે તો પણ તમારે રૂપિયા આપવા જ પડશે. તમને છોડવાના નથી, બજારમાં રહેવા નહિ દઇએ, તારા બાપને પણ કહી દેજે કે રૂપિયા નહિ આપે તો જીવતા નહિ રહેવા દઇએ. આ રીતે સ્મીત ધમકી આપી જતો રહેતાં અમે ડરી ગયા હતાં. જેથી ફરિયાદ કરી નહોતી. આ પછી અમે કોઇ અરજી કરી નહોતી.
ત્યારબાદ અમને જાણવા મળ્યું હતું કે અમારી અરજીની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ છે. જેના આધારે હવે મેં ફરિયાદ દાખલ કરાવી છે. ઉત્તમે મને ત્રણ અલગ અલગ આઇડી મોબાઇલ ફોનમાં આપી કસીનો ગેમ રમવાનું કહી રૂપિયા મળશે તેવી લાલચ આપતાં મેં ચાર પાંચ મહિનામાં રૂા. ૧ કરોડ ૩૭ લાખની હારજીત કરી હતી. જેમાં ૭૧ લાખ ૫૦ હજાર ઉત્તમને આપી દીધા હતાં. તેમજ કટકે કટકે હું જીત્યો હતો તેમાંથી ૩૬ લાખ પણ મને ઉત્તમે આપ્યા હતાં. હું હાર્યો હતો તેમાંના વધુ ૬૪,૫૦,૦૦૦ની ઉત્તમ કડક ઉઘરાણીકરતો હોઇ અને સ્મીત તથા રવીને હવાલો આપતાં તે પણ ધમકી આપી રિવોલ્વર બતાવી હેરાન કરતાં હોઇ અંતે ગુનો નોંધાવ્યો હતો.
પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ એમ. આર. ગોંડલીયા, એએસઆઇ ભરતભાઇ વનાણી સહિતે ગુનો નોંધી ત્રણેય આરોપીઓને સકંજામાં લઇ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
(3:04 PM IST)










