<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

રાજકોટ સાળાના ઘરે આવેલા જુનાગઢના નિવૃત મ્‍યુ. કર્મચારીના ૨.૪૫ લાખના દાગીના ચોરાયા

ધ્રુવનગરમાં રહેતાં સાળા શૈલેષભાઇ જાનીના દિકરાના લગ્ન પ્રસંગે આવ્‍યા હતાં: ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ. તા.૧૭: શહેરમાં ચોરીનો વધુ એક બનાવ બન્‍યોછે. જેમાં જુનાગઢના   મ્‍યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત અધિકારી રાજકોટ સાળાના પુત્રના લગ્નમાં આવ્‍યા હોઇ તેમની સાથેના પોણા ત્રણ લાખના દાગીના ચોરાઇ જતાં ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં પોલીસે જુનાગઢ આઝાદ ચોકમાં મ્‍યુનિસિપલ કોર્પોરેશનની સામે માળીના ડેલામાં રહેતાં અને જેએમસીના નિવૃત કર્મચારી ચેતનભાઇ હિમતલાલ ભટ્ટ (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. તેમણે ફરિયાદમાં જણાવ્‍યું છેકે તેઓ જૂનાગઢ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં બાંધકામ શાખામાં વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતાં હતાં અને ગત એપ્રિલ મહિનામાં તેઓ નિવળત થયાં છે. પોતે પત્‍નિ અને પુત્રી સાથે રહે છે. ગઈ તા.૧૦ ના રાજકોટમાં રૈયારોડ આમ્રપાલી નજીક  ધ્રુવનગર શેરી નં.૧ માં રહેતાં તેમના સાળા શૈલેષભાઇ નાથાભાઇ જાનીના પુત્રના લગ્ન હોઇ જેથી તેઓ ધર્મપત્‍નિ અને પુત્રી સાથે અહિ આવ્‍યાં હતાં. સાથે પ્રસંગમાં પહેરવા માટે રૂ.૨.૪૫ લાખના સોનાના અલગ અલગ દાગીના  લાવ્‍યા હતાં. સાળાના ઘરે પહોંચ્‍યા બાદ તેઓએ ત્‍યાં રૂમમાં સોનાના દાગીના ભરેલો થેલો રાખ્‍યો હતો. ત્‍યારબાદ રાત્રીના દસ વાગ્‍યાની આસપાસ તેઓ તેમની પુત્રી અને પત્‍નિ સાથે બાપાસીતારામ ચોક નજીક બાબુભાઇ વૈદ્ય લાઈબ્રેરીની બાજુમાં રહેતાં તેમના બહેનના ઘરે સુવા માટે દાગીના ભરેલો થેલો લઈ ગયાં હતાં. બાદમાં બીજા દિવસે પોતાની કાર લઈ લગ્ન સ્‍થળ પર પહોંચ્‍યા હતાં અને તેમના પત્‍નિ અને પુત્રીએ તૈયાર થઈ ઘરેણાં પહેરવા માટે થેલો ચેક કરતાં તેમાંથી દાગીના ભરેલ બોક્‍સ ખાલી હતું.પત્‍નિએ તેમને ફોન કરી દાગીના થેલામાં નથી તેવી જાણ કરતાં બંને જગ્‍યાએ તપાસ હાથ ધરી હતી. પરંતુ દાગીના ન મળતાં અંતે પોલીસને જાણ કરી હતી.

 પોણા ત્રણ લાખના દાગીના ચોરાઇ જતાં ચેતનભાઇના પત્‍નિ બેભાન થઇ ગયા હતાં. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં પીએસઆઈ એસ.એલ.ગોહિલ અને ટીમે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સીસીટીવી કેમેરા ચેક કરવા ઉપરાંત બીજા લોકોની પણ પુછતાછ કરી હતી.

(11:30 AM IST)