News of Friday, 12th July 2024
કરણપરામાં વેપારીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ખોલ્યોઃ ત્રણ પકડાયા, એકની શોધ ચોરીના ૩૫ ગુનામાં સામેલ આનંદ ઉર્ફ કરોડપતિ ચોરે બે સાગ્રીત સાથે મળી ૧૨ લાખની ચોરી કરી'તી
ક્રાઇમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયા, પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ હુણ, પરમાર, ડોડીયાની ટીમે ભેદ ઉકેલ્યોઃ યુવરાજસિંહ, વિજયરાજસિંહ, કૃષ્ણદેવસિંહ, વાલજીભાઇ અને પ્રદિપસિંહની બાતમી

રાજકોટ તા. ૧૨: શહેરના કરણપરામાં ચાર દિવસ પહેલા ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુના વેપારી કેકીનભાઇ દિલીપભાઇ શાહના ઘરમાંથી રોકડ, દાગીના મળી રૂા. ૯ાા લાખથી વધુની માલમત્તાની ચોરી કરવામાં આવી હતી. આ પરિવારના ઘરમાં ઉધઇ થઇ હોઇ દવા છંટકાવ કર્યો હોવાથી બધા સગાના ઘરે ગયા ત્યારે રેઢા મકાનમાં હાથફેરો થયો હતો. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી મુળ જામનગર-લાલપુરના અને હાલ સુરત સ્થાયી થયેલા કરોડપતિ ચોર તરીકે ઓળખાતા અને અગાઉ ચોરીના ૩૫ ગુનામાં સંડોવાઇ ચુકેલા આનંદ ઉર્ફ રાજુ ઉર્ફ કરોડપતિ ચોર જેસંગ ઉર્ફ જેસીંગભાઇ સિતાપરા (ઉ.વ.૬૩-રહે. માધવ પેલેસ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૧, ત્રીજો માળ શામપુર રોડ કામરેજ સુરત) તથા તેની સાથે બે સાગ્રીત ઇમ્તિયાઝ ઉર્ફ ઇમ્તુ ઉર્ફ ઇમ્તુડો અલ્તાફભાઇ પરમાર (ઉ.૨૪-રહે. વિનોદનગર આવાસ ક્વાર્ટર કોઠારીયા રોડ ૩/૨૦૦૬) અને ચિરાગ મુક્તિલાલ શાહ (ઉ.વ.૪૪-રહે. સાંપરા વચલી પાર્ટી તા. સરસ્વતિ જી. પાટણ)ને પકડી લીધા છે. જ્યારે ચોથા શખ્સ ગોંડલના વિજય રમેશ સિતાપરાનું નામ ખુલ્યું છે.
એ-ડિવીઝન પોલીસમાં ગુનો નોંધાતા ટીમો કામે લાગી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચના વિજયરાજસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, પ્રદિપસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી આ ત્રણેય તસ્કરને દબોચી લઇ તેની પાસેથી રૂા. ૮,૨૪,૭૦૦ના સોનાના દાગીના, રૂા. ૪,૧૬,૮૦૦ના ચાંદીના દાગીના અને રૂા. ૬૦ હજારનું એક્ટીવા, ૧૦ હજારના મોબાઇલ ફોન મળી રૂા. ૧૩,૧૪,૫૦૦નો મુદ્ામાલ કબ્જે કરાયો છે.
પોલીસ સુત્રોના કહેવા મુજબ આનંદ ઉર્ફ કરોડપતિ ચોર રીઢો ગુનેગાર છે. તે રાતે બાઇક પર બેસી આટાફેરા કરી બંધ મકાનોની રેકી કરે છે અને રાતે સાગ્રીતો સાથે પહોંચી લોખંડના સળીયાથી તાળા તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે. વર્ષ ૨૦૦૬થી તે રાજકોટમાં ચોરીઓ કરતો આવ્યો છે. ચોરીના રૂપિયામાંથી કિમતી મકાન બનાવ્યું હોઇ તેનું કરોડપતિ ચોર એવુ ઉપનામ પડી ગયું હતું. અગાઉ આનંદ ઉર્ફ રાજુ રાજકોટ એ-ડિવીઝન, ગાંધીગ્રામ, બી-ડિવીઝન, ભકિતનગર, માલવીયાનગર, આગ્રા, સુરતમાં ચોરીઓના કુલ ૩૫ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. જેમાં વર્ષ ૨૦૦૬-૨૦૦૭ના ગાળામાં તેણે સોૈથી વચુ ૨૩ ચોરીઓ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરી હતી.
તેની સાથે પકડાયેલો ઇમ્તિયાઝ ઉર્ફ ઇમ્તુડો ડીસીબી, થોરાળા, બી-ડિવીઝન, કાલાવડ પોલીસમાં દારૂના ત્રણ, ધમકીના એક ગુનામાં સંડોવાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ એ. એન. પરમાર, પીએસઆઇ વી. ડી. ડોડીયા અને ટીમે આ કામગીરી કરી હતી. (૧૪.૧૪)બાઇક પર બેસી બંધ મકાનોની રેકી કરી રાતે લોખંડના સળીયાથી તાળા તોડી ચોરી કરવાની ટેવઃ ૨૦૦૬થી ચોરીઓ કરવાની આનંદને આદતઃ મુળ જામનગરનો વતની હાલ સુરત સ્થાયી થયો છે
(3:55 PM IST)










