<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

પારડી ગામના ભુવાનો પર્દાફાશ : સરધારની દીકરીનું ઘર ભંગાવવા રચાયેલ કારસ્‍તાન ખુલ્લુ પાડતી વિજ્ઞાન જાથા

દાણા જોવાનું અને દોરાધાગાનું કામ બંધ કરવા કબુલાત : ફરીયાદી મકકમ રહેતા પાંચ સામે નોંધાયો ગુન્‍હો

 

રાજકોટ તા. ૧૨ : લોધીકા તાલુકાના  પારડી ગામે ભુવા દ્વારા દારા ધાગા અને ધુણવાનું તેમજ જોવાનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યાની બાતમી વિજ્ઞાન જાથાને મળતા શાપર વેરાવળ પોલીસની મદદ લઇ આ કપટલીલાનો પર્દાફાશ કરાયો હતો. જાથા દ્વારા આ ૧૨૫૫ મો પર્દાફાશ કરાયો છે.

વિજ્ઞાન જાથાના જયંત પંડયાની યાદીમાં જણાવ્‍યા મુજબ સરધાર ગામના બાબુભાઇ બાલાભાઇ ઢાંકેચાની દિકરી રીમાને સાસરીયા તરફથી ખુબ ત્રાસ અપાતો હતો. ભુવા ધીરૂએ દાણા જોઇને એવું કહેલ કે જો રીમાનું લગ્ન જીવન સમાપ્‍ત નહીં થાય તો પરિવારમાં કોઇનું મોત થઇ શકે છે. આ કારણોસર રીમાનું ઘર ભંગાય તેવી પરિસ્‍થિતી સર્જાતા રીમાના પરિવારજનોએ સઘળી વિગતો સાથે વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો.

જાથાની ટીમે પારડી જઇ રૂબરૂ તપાસ કરતા પારડીમાં ધીરૂભાઇના મકાનમાં માતાજીનો મઢ, ખોડીયાર માતાજી, સુરાપુરા બાપા, વાછરાદાદાનું સ્‍થાનક હોવાનું અને ત્‍યાં શ્રધ્‍ધાળુઓ સમયાંતરે તાવો કરતા હોવાનું જાણવા મળેલ. સાથે અહીં બેસતા ભુવા ધીરૂભાઇ દ્વારા દોરા ધાગા તેમજ જોવાનું કામ કરાતુ હતુ. તેમના સાથીદાર મુકેશ કાપડીયાને વાસંગીદાદા આવતા અને તે ધુણતો હતો.

આ બધી અંધશ્રધ્‍ધાની વિગતોથી વાકેફ થયા બાદ વિજ્ઞાન જાથાની ટીમે મુખ્‍યમંત્રી, ગૃહમંત્રી, આઇ.જી.પી., રાજકોટ પોલીસ અધિક્ષકશ્રીને પત્ર પાઠવી બંદોબસ્‍તની માંગણી કરી હતી. બંદબસ્‍ત મળતા જ શાપર વેરાવળની પોલીસને સાથે રાખી જાથાની ટીમ પારડી પહોંચી હતી.

જયાં સત્‍યનું ભાન કરાવવામાં આવતા ભુવાએ ભુલ કબુલી લીધી હતી અને હવેથી જોવાનું તેમજ દોરા ધાગા અને ધુણવાનું કામ બંધ કરવામાં આવે છે તેવી જાહેરાત કરી હતી.

જો કે દિકરી રીમા ફરીયાદ માટે મકકમ રહેતા પોલીસ પાંચ સામે ગુન્‍હો નોંધી ફરીયાદની તજવીજ હાથ ધરી હતી.

જાથાના આ પર્દાફાશ કાર્યમાં એડવોકેટ ભાવનાબેન વાઘેલા, ચંદ્રીકાબેન, રોમિતભાઇ રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકિત ગોહિલ તેમજ શાપર વેરાવળ પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ. ઘનશ્‍યામસિંહ જાડેજા, એસ.એસ.આઇ. ભુપેન્‍દ્રભાઇ સોલંકી, હેડ કોન્‍સ. રાજેશભાઇ બાયલ, પો. કોન્‍સ. બ્રિજરાજસિંહ જાડેજા, પો.કોન્‍સ. સોનલબેન હરીયાણી, પો.કોન્‍સ. નિમુબેન મેર સહીતના સાથે જોડાયા હતા.

તસ્‍વીરમાં વિજ્ઞાન જાથા અને પોલીસની હાજરીમાં કબુલાતનામુ આપતા ભુવા ધીરૂભાઇ નજરે પડે છે.

(3:47 PM IST)