<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

માં ગરબી મંડળના ઉપક્રમે કાલે અમિત ઘોરડાનો લાઇવ કોન્‍સર્ટ - ભજન સંધ્‍યા

રાજકોટ તા. ૧૨ : માં ગરબી મંડળ દ્વારા કાલે તા. ૧૩ ના શનિવારે ૯ કલાકે પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે યુવા કલાકાર અમિત ઘોરડાનો લાઇવ કોન્‍સર્ટ ભજન સંધ્‍યાનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા અમિત ઘોરડાએ જણાવ્‍યુ હતુ કે હું સોની જ્ઞાતિમાંથી આવું છુ અને મારા પિતાશ્રી અજયભાઇ સોની (એ.ડી. ગોલ્‍ડ, પેલેસરોડ)ને લોકસાહિત્‍ય માણવાનો શોખ હોવાથી મને બાળપણથી લોકડાયરાના કાર્યક્રમો પ્રત્‍યે લગાવ રહ્યો છે. મોટા કલાકારોનો અમારા ઘરે આવરો જાવરો રહેતો. ધીરેધીરે મને પણ ગાવાની ઇચ્‍છા જાગી. પાંચેક વર્ષ પહેલા સ્‍ટેજ પ્રોગ્રામ આપવાની શરૂઆત કરેલ.

આવતી કાલે મારો કાર્યક્રમ પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમમાં છે. જેમાં ગંગાસતી, કબીરજીના ભજનો ઉપરાંત શિવાજીનું હાલરડું અને મેઘાણીના ગીતોની પ્રસ્‍તુતિ કરાશે. કાર્યક્રમની ટીકીટો બુક માય શો પર ઉપલબ્‍ધ છે. ૯૫% ઓડીટોરીયમ પેક થઇ ગયુ એટલો ઉત્‍સાહ લોકોએ અમારા કાર્યક્રમ પ્રત્‍યે દર્શાવ્‍યો તેની મને ખુશી છે.

કાર્યક્રમના કલાવૃંદમાં મ્‍યુઝીક હર્ષલ પંડયા, કિબોર્ડ ઉમંગ ભાવસાર, સીંગર પુજા દવે અને અકશીતી, ડ્રમર જય કુબાવત, ઢોલ રૂપક દેસાઇ, તબલા લલિતભાઇ વાડકર, વાયોલીન સાગર બારોટ સેવા આપશે. સંચાલન અને એંકરીંગ જય સાકરીયા સંભાળશે. કાર્યક્રમની વધુ માહીતી માટે માં ગરબી મંડળ (મો.૮૯૮૦૦ ૦૯૦૧૫) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સોની સમાજના ઉભરતા કલાકાર અમિત ઘોરડા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:38 PM IST)