<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

ટ્રાફિક બ્રાંચના હેડકોન્‍સ્‍ટેબલ મહેન્‍દ્રભાઇ પરમારનું હાર્ટએટેકથી અવસાનઃ પરિવાર-પોલીસબેડામાં શોક

સરળ હસમુખા સ્‍વભાવના મહેન્‍દ્રભાઇને ગઇકાલે દાખલ કરાયા હતાં: બાયપાસ થયા બાદ આજે સવારે બીજો જીવલેણ એટેક આવી ગયોઃ બે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧૨: શહેર પોલીસની ટ્રાફિક બ્રાંચમાં ફરજ બજાવતાં હેડકોન્‍સ્‍ટેબલ મહેન્‍દ્રભાઇ ડાયાભાઇ પરમાર (ઉ.વ.૪૬-રહે. રામનાથપરા પોલીસ લાઇન, ત્રણ માળીયા ક્‍વાર્ટર બી-૬)નું હાર્ટએટેકથી મૃત્‍યુ થતાં પોલીસબેડામાં અને પરિવારજનોમાં તથા રામનાથપરા પોલીસ લાઇનમાં શોક  છવાઇ ગયો છે. ખુબ જ હસમુખા, મળતાવડા અને સરળ સ્‍વભાવ ધરાવતાં મહેન્‍દ્રભાઇ ૨૫ વર્ષની પોલીસમાં નોકરી કરી રહ્યા હતાં.

જાણવા મળ્‍યા મુજબ ગઇકાલે તેમને છાતીમાં દુઃખાવો થતાં ખાનગી સિવિલમાં ખસેડાયા હતાં. હાર્ટએટેકની અસર હોવાનું નિદાન થતાં વધુ સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્‍યાં ગઇકાલે બાયપાસ કરવામાં આવ્‍યું હતું. આજે સવારે તેમણે દિકરાને હોસ્‍પિટલના રૂમમાંથી નીચે ચા લેવા મોકલ્‍યો હતો. એ પછી તેમને એકાએક બીજો જોરદાર હાર્ટએટેક આવી ગયો હતો. જે જીવલેણ સાબિત થયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ મારફત એ-ડિવીઝન પોલીસને કરવામાં આવતાં જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડાયો હતો.

બનાવની જાણ થતાં મોટી સંખ્‍યામાં સગા સ્‍વજનો, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ હોસ્‍પિટલ ખાતે દોડી ગયા હતાં. મહેન્‍દ્રભાઇ પરમાર બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. મુળ વઢવાણના વતની હતાં. તેમને સંતાનમાં બે પુત્ર છે. જેમાં એક ઓગણીસ વર્ષનો અને બીજો એકવીસ વર્ષનો છે.

એક પુત્ર સરકારી નોકરી માટેની તૈયારી કરે છે. મહેન્‍દ્રભાઇ ૧૯૯૮માં પોલીસમાં ભરતી થયા હતાં. તેમણે પચ્‍ચીસ વર્ષના ગાળામાં પ્ર.નગર, માલવીયાનગર, એ-ડિવીઝન, આજીડેમ પોલીમસાં નોંધપાત્ર  ફરજ બજાવી હતી. પીઆઇ રાઇટર તરીકે પણ તેમણે કામ કર્યુ હતું. છેલ્લે તેમની બદલી ટ્રાફિક બ્રાંચમાં થઇ હોઇ હાલ ટ્રાફિકમાં ફરજ બજાવતાં હતાં.

મહેન્‍દ્રભાઇ પોતાના સરળ અને મળતાવડા સ્‍વભાવને કારણે સારુ મિત્રવર્તુળ ધરાવતાં હતાં અને પોલીસબેડામાં પણ ચાહના ધરાવતાં હતાં. તેમની ઓચીંતી વિદાયથી રામનાથપરા પોલીસ લાઇન અને શહેર પોલીસબેડામાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(2:02 PM IST)