News of Thursday, 11th July 2024
જિલ્લા પંચાયત કચેરીને જુની કોર્ટ બિલ્ડીંગમાં ખસેડવા મંજુરી : આવતા અઠવાડિયે સ્થળાંતર
ડી.ડી.ઓ. નવનાથ ગવ્હાણેના કાર્યકાળમાં જુનું વિસર્જન અને નવસર્જનના પંથે પ્રયાણ

રાજકોટ, તા. ૧૧: જિલ્લા પંચાયત કચેરી હાલ અકિલા ચોક રેસકોર્ષ ખાતે છે ત્યાથી દોઢ વર્ષ જેટલા સમય માટે સિવિલ હોસ્પિટલ ચોકમાં આવેલ કોર્ટ બિલ્ડીંગમાં ખસેડવામાં આવશે. કાનૂની તંત્ર અને સરકારી તરફથી આ અંગેની આખરી મંજુરી પત્ર જિલ્લા પંચાયતને મળી ગયો છે. સાત માળની કોર્ટ બિલ્ડીંગમાં સફાઇ શરૂ કરી દેવામાં આવી છે. આવતા અઠવાડીયાથી સ્થળાંતર પ્રક્રિયા શરૂ થશે.
રાજય સરકારની મંજુરીથી જિલ્લા પંચાયતની હાલની કચેરી તોડી પાડી નવેસરથી રૂા. ૩૭ કરોડના ખર્ચે પાંચ માળની કચેરી બનાવવાનું આયોજન હાથ ધરેલ છે. કોન્ટ્રાકટ રાખનાર એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. નવી કચેરીના નિર્માણના સમયમાં જિલ્લા પંચાયતનો વહીવટ જુના કોર્ટ બિલ્ડીંગથી થશે. કામચલાઉ પંચાયત કચેરી તરીકે કોર્ટ બિલ્ડીંગનો ઉપયોગ કરવા માટે મંજુરી મળી ગઇ છે. આવતા ૧પ દિવસમાં સ્થળાંતર કાર્ય પૂર્ણ થયા બાદ પંચાયતની હયાત કચેરી તોડવાનું શરૂ કરવામાં આવશે. જન્માષ્ટમી આસપાસના સમયમાં વિધિવત ખાતમુર્હૂત સાથે નવી કચેરીનું નિર્માણ કાર્ય શરૂ થાય તેવી શકયતા છે.
હયાત કચેરીના સ્થળાંતર અને નવી કચેરીના નિર્માણ માટે જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે.
(4:15 PM IST)










