તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Thursday, 11th July 2024
લાખોની કિંમતની કચરાપેટીઓ સડી ગઇઃ મોટી ગેરરીતિ? રાજુ જુંજા

રાજકોટઃ રાજકોટ મ્યુ.કોર્પોરેશનમાં છેલ્લા સાત વર્ષથી ભૂતકાળ બની ગયેલી કચરા પેટીઓ શહેરની ભાગોળે ફેંકી દેવાતા સડી ગઇ છે. પ્રજાના પૈસામાંથી ખરીદ કરાયેલી લાખોની કિંમતની કચરાપેટીઓ કાટમાળ બની જતા પ્રજાના પૈસાનું પાણી થયું છે. શહેરના ૧૮ વોર્ડમાં હજારો સંખ્યામાં કચરાપેટીઓ મુકવામાં આવી હતી. જે એકાએક રદ કરી વોર્ડ દીઠ ૨૫ થી ૩૦ ટીપરવાન ખરીદવામાં આવ્યા હતા. રદ કરાયેલી કચરાપેટીઓની સંખ્યા હજારોની હતી. જે રફેદફે કરી દેવામાં આવી છે. થોડી ઘણી પેટીઓ શહેરની ભાગોળે કાલાવડ રોડ પર એક પ્લોટમાં સડી રહી છે. નવા આવેલા કમિશનર દ્વારા આ અંગે તપાસ કરવામાં આવે તો મસમોટુ કૌભાંડ બહાર આવે તેમ છે. કચરાપેટીઓની કિંમત ભલે પાસેરામાં પુણી જેવી હોય પરંતુ એના ઓઠા હેઠળ કરોડોનું કૌભાંડ બહાર આવે તેમ છે. એમ સામાજીક અગ્રણી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડિરેકટર રાજુ જુંજાએ જણાવ્યું હતું. ટીઆરપી કાંડ બાદ ટીપીઓ મનસુખ સાગઠીયાએ આચરેલ કરોડોનો ભ્રષ્ટાચાર જગજાહેર થયેલ છે. ત્યારે રાજકોટ મ્યુ.કમિશનર આ દિશામાં તપાસ કરે તો ટીપરવાન ખરીદી અને સફાઇ કામદારોની હાજરીમાં ભયંકર ગેરરીતિઓ બહાર આવે તેમ છે. આ ગેરરીતિઓમાં અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓની પણ સંડોવણી ખુલે તેમ છે એમ રાજુ જુંજાની એક યાદીમાં જણાવાયું છે.
(3:14 PM IST)










