News of Thursday, 11th July 2024
ગોકુલનગરના ૧૭ વર્ષના હર્ષિલનું મોત હાર્ટએટેકથી નહોતું થયું, સાથી કર્મીના હાથે હત્યા થયાનો આક્ષેપ
૧મેની રાતે નવાગામના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રાતે હર્ષિલ ઢળી પડયો તેના ફૂટેજ જે તે વખતે પરિવારે જોયા હતાં: પણ શંકા ઉપજતાં પુરેપુરા ફૂટેજ ચેક કરતાં સાથી કર્મચારી કંઇક વસ્તુનો ઘા કરતો અને તે હર્ષિલને લાગ્યા પછી તે ઢળી પડતો હોવાનું દેખાયું : કુવાડવા પોલીસ અને પોલીસ કમિશનરને સીસીટીવી ફૂટેજ, પી.એમ. રિપોર્ટ સાથે રજૂઆત કરવામાં આવી છતાં ગુનો નોંધવામાં નહિ આવતો હોવાની મૃતકના માતા કમળાબેન, પિતા કમલેશભાઇ, મોટા બાપુ ભાવેશભાઇ ભાનુશાળીની ન્યાયી કાર્યવાહીની માંગણી

હર્ષિલનો ફાઇલ ફોટો અને તેની હત્યાનો આક્ષેપ કરનારા માતા-પિતા સહિતના સ્વજનો જોઇ શકાય છે
૧મેની રાતે ગોડાઉનમાં હર્ષિલ પર ઘા થયો પછી તે બહાર ઢળી પડયો અને બારથી એક અન્ય વ્યક્તિ અંદર આવી જાણ કરે છે તે સીસીટીવીના દ્રશ્યો
રાજકોટ તા. ૧૧: શહેરના કુવાડવા રોડ પર નવાગામમાં બે મહિના પહેલા તા.૧ મેના રોજ એક ગોડાઉનમાં સંત કબીર રોડ પર ગોકુલનગરમાં રહેતો ૧૭ વર્ષનો હર્ષિલ કમલેશભાઇ ગોરી એકાએક ઢળી પડયો હતો. ત્યાંથી તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેને તબિબે મૃત જાહેર કર્યો હતો. જે તે વખતે આ ઘટના હાર્ટએટેકની હોવાની પોલીસે નોંધ કરી એ.ડી. દાખલ કરી કાર્યવાહી પુરી કરી હતી. પરંતુ આ ઘટનામાં મૃત્યુ પામનારના કુટુંબી પાસે જ્યાં બનાવ બન્યો તે સ્થળના સીસીટીવી ફૂટેજ સામે આવતાં તેમાં હર્ષિલ ઢળી પડયો એ પહેલા તેની સાથે એક સાથી કર્મચારી કોઇ વાતે ચડભડ કર્યા બાદ બે વખત કંઇક વસ્તુનો છુટ્ટો ઘા કરતો દેખાયો હતો. જેમાં બીજો ઘા હર્ષિલના માથામાં લાગ છે અને બીજી જ ક્ષણે તે બહાર ઢળી પડે છે તેવું દેખાય છે. આ જોતાં આ બનાવ હત્યાનો હોવાના આક્ષેપો સાથે મૃતકના પરિવારે કુવાડવા પોલીસમાં લેખિત રજૂઆત કરી જવાબદારો સામે ગુનો નોંધવા માંગણી કરી છે.
બનાવની વિગત એવી છે કે શહેરના સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ગોકુલનગર-૫માં રહેતા કમલેશભાઇ માવજીભાઇ ગોરીનો ૧૭ વર્ષનો પુત્ર હર્ષિલ નવાગામમાં આવેલા નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં નોકરી કરતો હતો. હર્ષિલ તા. ૧ મેના રોજ રાત્રીના લગભગ ૯.૩૦ થી ૧૦ વાગ્યાની આસપાસ આ ગોડાઉન ખાતે નોકરી પર હતો ત્યારે ગોડાઉનની ઓફિસમાં રિવોલ્વિંગ ચેરમાં બેઠેલા એક શખ્સે હર્ષિલને બોથડ પદાર્થનો છૂટો ઘા માર્યો. આ શખ્સે બે ઘા કર્યા હતાં. પહેલો ઘા માર્યો ત્યારે હર્ષિલ બચી ગયો, ત્યારપછીની બે મિનિટ બાદ ફરી કોઇ પદાર્થનો ઘા હર્ષિલ પર કરવામાં આવ્યો અને આ ઘા હર્ષિલના માથા પર લાગ્યો અને માત્ર ચાર જ સેકન્ડમાં તે ગોડાઉનની બહાર રોડ પર ઢળી પડ્યો.
આ સમયે એક અન્ય કર્મચારી કે વ્યક્તિ દોડી આવ્યો હતો અને અંદર બેઠેલા અને ઘા કરનારને બોલાવતાં તે પણ બહાર દોડી આવ્યો હતો. બંનેએ ભેગા થઇ હર્ષિલને ઉભો કરવા અને પાણી પીવડાવવા પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી હર્ષિલને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ઇમર્જન્સી વિભાગમાં તબિબે હર્ષિલને મૃત જાહેર કરતાં અને નિયમ મુજબ પોલીસ ચોકીમાં જાણ કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસમાં મૃત્યુ નોંધ કરાવી હતી. બનાવની જાણ થતાં હર્ષિલના પિતા કમલેશભાઇ અને માતા કમળાબેન કચ્છ દર્શનાર્થે ગયા હોઇ તેઓ તત્કાળ રાજકોટ પરત આવ્યા હતાં. હર્ષિલના મોટા બાપુ ભાવેશભાઇ તત્કાળ હોસ્પિટલે પહોંચ્યા હતાં. કુવાડવા પોલીસ સ્ટાફ પણ કાર્યવાહી માટે આવી ગયો હતો. કુટુંબીજનોએ ે હર્ષિલને શું થયું? તેમ પુછતાં પરિવારને એવું જણાવ્યું હતું કે, હર્ષિલનું મળત્યુ હાર્ટએટેકથી થયું છે. હર્ષિલના મોટાબાપુ ભાવેશભાઇને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ગોડાઉનના સીસીટીવી ફૂટેજ બતાવીને કહેવાયું હતું કે આ ફૂટેજ જોઇ લો હર્ષિલ અચાનક જ ઢળી પડ્યો હતો અને તેનું મળત્યુ હાર્ટએટેક આવવાથી થયું છે.
જે તે વખતે ગોરી પરિવારે પણ એકના એક પુત્ર હર્ષિલનું મૃત્યુ હાર્ટએટેકથી થયાનું માની લઇ અંતિમવિધિ પણ કરી નાખી હતી. જોકે હર્ષિલના માતા કમળાબેનને પોલીસે કરેલી હાર્ટએટેકની વાત ગળે ઉતરતી નહોતી. તેઓએ ગોડાઉનના મેનેજર પાસેથી સીસીટીવી ફૂટેજ મગાવ્યા અને આ ફૂટેજ જોતાં હર્ષિલ પર બોથડ પદાર્થનો ઘા થયાનું તેમાં દેખાયું હતું. આથી મોત હાર્ટએટેકથી નહિ પણ ઘા લાગવાથી થયાની શંકા સાથે હર્ષિલના પિતા કમલેશભાઇએ ગત ૩ જુલાઇના રોજ પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરીને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઇન્કવેસ્ટ પંચનામુ આપીને કહ્યું કે, તેના દીકરાનું મોત હાર્ટએટેકથી નથી થયું, પરંતુ ગોડાઉનમાં જ હર્ષિલની સાથે ફરજ બજાવતાં કર્મચારીએ કરેલા કોઇ ઘાને લીધે ઇજા થવાથી થયું છે. તેમજ આ કર્મચારીને અન્ય બે કર્મચારીએ મદદ કર્યાનો પણ આક્ષેપ અરજીમાં કર્યો હતો.
આ બનાવમાં અગાઉ હર્ષિલના પરિવારને જે ફૂટેજ બતાવાયા તેમાં તે બહાર ઢળી પડયો એટલુ દ્રશ્ય જ હતું. પણ બાદમાં ગોડાઉન મેનેજર શિવજીના દિકરા રોનકે જે ફુટેજ આપ્યા તે પુરેપુરા આપી દીધા હતાં. જેમાં હર્ષિલ ઢળી પડયો એ પહેલાના દ્રશ્યો પણ હતાં. જેમાં તેના પર બે વખત કોઇ વસ્તુનો છુટ્ટો ઘા થતો દેખાયો હતો. જેમાં એક ઘા તેને લાગ્યો હોય તેવું દેખાયું હતું. આમ ફુટેજ સાથે હવે હર્ષિલના પરિવારે લેખીત અરજી કરી બનાવ હત્યાનો હોવાનું કહી કાર્યવાહીની માંગણી કરી છે.
મૃતક હર્ષિલના મોટા બાપુ ભાવેશભાઇ ભાવેશભાઇએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ભત્રીજાને જેને માર્યો તેનું નામ સુશિલ છે. અમને પોલીસ સ્ટેશને ધક્કા ખવડાવાયા છે પણ ન્યાયી કાર્યવાહી થઇ નથી. હર્ષિલના માતા કમળાબેને પણ સમગ્ર ઘટનાની રજૂઆત કરી હતી. અરજીમાં શકદારોના નામ પણ આપ્યા છે તેમજ બીટ જમાદારે પણ યોગ્ય કાર્યવાહી નહિ કર્યાનો આક્ષેપ કર્યો છે. કુવાડવા પીઆઇ વી. આર. રાઠોડે જણાવ્યું હતું કે અમને અરજી મળી છે તેના આધારે તપાસ થઇ રહી છે. તપાસ પુરી થયા બાદ જરૂર જણાયે આગળ કાર્યવાહી થશે. બીજી તરફ આજે મૃતક હર્ષિલના પરિવારજનોએ રાજકોટ ખાતે રજૂઆત કરી હતી.
(2:59 PM IST)










