News of Thursday, 11th July 2024
TRP ગેમ ઝોનઃ જમીન માલીકોને ર૬ લાખ ર૧ હજારનો દંડ
કલેકટર પ્રભવ જોષી આકરા પાણીએઃ કૂલ ૧૪૮૮ર ચો.મી. જમીનમાં રહેણાંકને બદલે કોમર્શીયલ કામગીરી ૬ વર્ષથી થતી હોવાનું ખૂલ્યું... : TRP ગેમ ઝોનમાં એક આરોપી પાર્ટનરનું પણ મૃત્યુ થયું છેઃ તેમને સહાય ચૂકવવા અંગે હજુ સુધી સરકારમાંથી કોઇ મંજૂરી નથી : કલેકટર કચેરીના ઇતિહાસમાં આજ સુધીનો સૌથી મોટો દંડ આ જમીનમાં પાર્ટી પ્લોટ પણ આવરી લેવાયોઃ પાર્ટી પ્લોટમાં પણ શરતભંગ સાબીતઃ ૩ મહિનામાં હેતુફેર ન કરાવે તો કોર્પોરેશન બાંધકામ તોડી પાડવા સહિતના આકરા પગલા લેશેઃ પ્રભવ જોષીએ કોર્પોરેશનને રીપોર્ટ કર્યોઃ દંડની રકમ ન ભરે તો રેવન્યુ રાહે વસૂલાતઃ મીલકતો ઉપર બોજા નોંધ લદાશે

રાજકોટ તા. ૧૧: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ TRP ગેમ ઝોનની ૧૪૮૮ર ચો.મી. જમીન ઉપર શરતભંગો માની જમીન માલીકો કે જેમણે ર૦૧૬-ર૦૧૭માં રહેણાંક હેતુ માટે ૧૪૮૮ર ચો.મી. જમીન બીનખેતી કરાવી હતી, અને ૬ વર્ષથી કોર્મશીયલ ઉપયોગ થતો હતો તેમાં ર૬ લાખ ર૧ હજાર અને રૂા. ૭૬૦નો આકરો દંડ ફટકાર્યો છે અને જમીન માલિકોને ૧પ દિવસમાં દંડની રકમ ભરી દેવા અન્યથા રેવન્યુ રાહે વસૂલાત અને મિલકતમાં બોજા નોંધ લાદવા અંગે ચેતવણી આપી છે.
કલેકટરે પત્રકારોને જણાવેલ કે શરતભંગ અમે ૬ વર્ષની ગણી છે, ૪૦ પર દંડની જોગવાઇ અનુસાર ઉપરોકત લાખોનો દંડ અપાયો છે, જમીન માલિકો વતી સિનિયર એડવોકેટ શ્રી આર. ટી. રાણાના જૂનિયર શ્રી ચેતનાબા જાડેજા રોકાયેલ હતા.
કલેકટરે ઉમેર્યું હતું કે ઉપરોકત ૧૪૮૮ર ચો.મી. જમીનમાં પાર્ટી પ્લોટ પણ આવી જાય છે, જયાં પણ શરતભંગ હોય તે અંગે કોર્પોરેશનનું ધ્યાન દોરાયું છે, તેમજ ત્રણ મહિનાની અંદર પાર્ટી પ્લોટ અંગે હેતુફેર કરાવી લેવા અંગે આદેશો કર્યા છે, જો ત્રણ મહિનાની અંદર પાર્ટી પ્લોટની જમીન અંગે હેતુફેર નહિ કરાવાય તો રાજકોટ મહાનગરપાલિકા આ પાર્ટી પ્લોટના બાંધકામ અંગે આકરી કાર્યવાહી-ડીમોલીશન કરી શકે છે, આ માટે રાજકોટ મ્યુ. કોર્પોરેશનને રીપોર્ટ કરી દેવાયો છે.
કલેકટરે જણાવેલ કે એ લોકોની દલીલ હતી, કે કોરોના કાળ હતો, બધું બંધ હતું, ધંધો ચાલતો ન હતો, તેમજ જમીનમાં ભાઇઓ ભાગ વહેંચણી થયેલ છે, પરંતુ એવી કોઇ બાબત રેવન્યુ રેકર્ડમાં જોવા નહિ મળતા આ તમામ દલીલો ફગાવી દેવાઇ છે.
કલેકટરે પત્રકારોને જણાવેલ કે જમીનના માલિકોમાં અશોકસિંહ જગદિશસિંહ જાડેજા, રઘુરાજસિંહ જગદિશસિંહ જાડેજા તથા કિરીટસિંહનો સમાવેશ થાય છે.
અત્રે એ નોંધનીય છે કે બીનખેતી શરતભંગમાં કલેકટર કચેરીના ઇતિહાસમાં આજ સુધીનો આ સૌથી મોટો દંડ ગણાય છે, કલેકટરે જણાવેલ કે વ્ય્ભ્ ગેમઝોન દુર્ઘટના કાંડમાં એક આરોપી પાર્ટનરનું પણ મૃત્યુ થયું છે, નિયમો મુજબ તેમના પરિવારને ૪ લાખની સહાય આપવા અંગે સરકારમાં મંજૂરી અંગે દરખાસ્ત કરાઇ છે, પરંતુ હજુ સુધી સરકારમાંથી આરોપી પાર્ટનરને ૪ લાખની સહાય અંગે કોઇ મંજૂરી મળી નથી, આથી હાલ તે સહાય ચૂકવાઇ નથી.
(2:48 PM IST)










