<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

શેરબજારમાં થતી સટ્ટાખોરીને નાથવા એક્‍સચેન્‍જ અને સેબી દ્વારા પ્રયાસો : ફયુચર ઓપ્‍શનમાં ૫ લાખનો કોન્‍ટ્રાકટ ૨૦ લાખથી વધુનો થશે

એસ.એમ.ઇ. આઇપીઓના લિસ્‍ટીંગ હવે ૯૦%થી વધુ પ્રીમિયમથી નહીં થાય : ૯૦%થી વધુ ટ્રેડરો ફયુચર ઓપ્‍શનમાં નાણા ગુમાવે છે

રાજકોટ તા. ૧૧ : શેરબજારની  તેજીના મુખ્‍ય કારણો માનું એક કારણ ભારતનો નાનો રોકાણકાર છે,જે બજારમાં રોકાણ વધારી રહ્યો છે. મ્‍યુચ્‍યુઅલ ફંડોમાં એસ.આઈ.પી નો ફલો દર મહિને વધતો જાય છે.દરરોજ બે લાખથી વધુ નવા ડિમેટ એકાઉન્‍ટ ભારતમાં ખુલી રહ્યા છે.આવનારા દિવસોમાં ભારતમાં ૨૦ કરોડથી વધુ એકાઉન્‍ટ ખુલી ગયા હશે,જે એક મોટી સિધ્‍ધિ ગણાશે. તાજેતરમાં જાહેર થયેલ ગાઈડ લાઈનમાં જણાવવામાં આવ્‍યું છે,કે ફયુચર માં જે પાંચ લાખનો કોન્‍ટ્રાક્‍ટ છે જે ૨૦ થી ૩૦ લાખનો કરવો જેથી વધારે મર્જીનની જરૂર પડે અને નાનો રોકાણકાર-ટ્રેડર આનાથી દૂર થઈ જાય અને એને નુકસાન વેઠવાનો વારો ન આવે.પ્રાયમરી માર્કેટમાં એસ.એમ.ઇ. આઇ.પી.ઓ.ના લિસ્‍ટિંગમાં બોમ્‍બે સ્‍ટોક એક્‍સચેન્‍જ દ્વારા લિસ્‍ટિંગના પ્રીમિયમને ૯૦ ટકાની અપર લિમિટ હતી. નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જ માં પણ કોઇ પણ એસ.એમ.ઇ. આઇ.પી.ઓનું લિસ્‍ટિંગ ૯૦ ટકા ઉપર નહીં થાય .વધુમાં વધુ ૯૦% પ્રીમિયમથી જ લિસ્‍ટિંગ થશે. ત્‍યાર પછીના દિવસોમાં દરરોજ ૫ ટકાનું સર્કિટ ફિલ્‍ટર લાગુ પડશે.

સેબી અને એક્‍સચેન્‍જ દ્વારા અનેક પગલાઓ  સટ્ટાખોરીને ડામવા લેવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં ફયુચર ઓપ્‍શનની સ્‍ટ્રાઈક પ્રાઈઝમા પણ લિમિટેશન આવી રહ્યાની વાતો પણ થઈ રહી છે.માર્જિન માટે ઉપયોગમાં લેવામાં આવતાં શેરોની સંખ્‍યામાં પણ ઘટાડો થશે.જેથી કરીને ફયુચર ઓપ્‍શન માં રહેલું વોલ્‍યુમ ઘટશે. માર્કેટમાં જેન્‍યુન સોદાઓનું પ્રમાણ વધશે અને સટ્ટાખોરી ઘટશે. જયારથી T+3 ની સિસ્‍ટમ પ્રાયમરી માર્કેટમાં શરૂ થઈ છે,ત્‍યારથી પ્રાઇમરી માર્કેટમાં ઝડપથી નાણાં છુટા થાય છે. જેના કારણે આઇ.પી.ઓ અનેક ગણા ભરાઈ રહ્યા છે અને પ્રાઇમરી માર્કેટમાં રોકાણકારો નાણા ઠાલવી રહ્યા છે.

શેરબજારના નિષ્‍ણાંત શ્રી પરેશભાઈ વાઘાણીના જણાવ્‍યાનુસાર , જે રીતે એક્‍સચેન્‍જ અને સેબી દ્વારા પગલાઓ લેવાઈ રહ્યા છે તે નાના રોકાણકારોના હિતમાં જ છે ફયુચર એન્‍ડ ઓપ્‍શનમાં અનેક લોકો રૂપિયા ગુમાવી રહ્યા છે. જયારે સેકન્‍ડરી માર્કેટમાં ખાસ કરીને રોકડાના શેરોમાં રોકાણ કરનારાઓને ખૂબ જ સારૂં વળતર શેરબજાર આપી રહ્યું છે. જે લોકો શેરબજારમાં રોકાણ કરવાની શરૂઆત જ કરી રહ્યા છે,તેઓએ પ્રાયમરી માર્કેટથી શરૂઆત કરવી હિતાવહ છે. જેમાં જોખમનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. શેરબજારના સત્તાવાળાઓ દ્વારા સટ્ટાખોરી ડામવા લેવાનારા દરેક પગલા શેરબજારને ખૂબ જ મજબૂત કરશે. આગામી દિવસોમાં ઘણા બધા ફેરફારો શેરબજારના ટ્રેડિંગને લઈને જોવા મળશે.

(11:30 AM IST)