તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
વિજય પ્લોટ મેઇન રોડ ગેરકાયદે ધમધમતી ‘‘હોટલ ધ લિયો ઇન''
રેસીડેન્સીયલ ફલેટમાંથી ગેરકાયદે હોટલ ખડકી દેવાઇ, નિયમોનો ઉલાળ્યો : હોટલની આડમાં કુટણખાનુ ધમધમે છે, ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બન્યુ, પાર્કિંગની સુવિધા પણ નથી, હોટલમાં આવનારા લોકો, આસપાસના ઘરોની બહાર જ પોતાના વાહનો પાર્ક કરી દયે છે, આખેઆખી હોટલ જ સીલ કરવા લતાવાસીઓની ઉગ્ર રજુઆત : કલેકટર, મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ કમિશનરને રજુઆત કરાઇ

રાજકોટ : શહેરની મધ્યે વિજય પ્લોટ મેઇન રોડ ઉપર ગેરકાયદેસર રીતે હોટલ ધમધમતી હોવાનું બહાર આવ્યું છે. હોટલ ધ લિયો ઇન નામની આ હોટલમાં અનેક ગોરખધંધા ચાલી રહ્યાનું લતાવાસીઓએ જણાવ્યુ઼ છે. આ મામલે કલેકટરશ્રી, પોલીસ, મ્યુનિસિપલ કમિશનરશ્રી, ધારાસભ્યશ્રી, તેમજ કોર્પોરેટરશ્રીને પણ રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો ન હોવાનું લતાવાસીઓએ જણાવ્યું છે. આખેઆખી હોટલ જ સીલ મારી દેવા લતાવાસીઓએ ઉગ્ર રજુઆત કરી છે.
અકિલા કાર્યાલયે વિગતો આપવા આવેલા લતાવાસીઓએ જણાવેલ કે વિજય પ્લોટ મેઇન રોડ ઉપર વોંકળા પાસે શેરી નં. ૩ માં ‘હોટલ ધ લિયો ઇન' નામની હોટલ ગેરકાયદે રીતે ધમધમી રહી છે. અહીં અગાઉ રેસીડેન્સીયલ ફલેટ બનાવવામાં આવ્યા હતા. તેમાં જ સીધી હોટલ બનાવી નાખવામાં આવી છે. કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ ફાયરના તમામ નિયમોનો ઉલાળીયો કરી આ હોટલ છેલ્લા ઘણા સમયથી ધમધમી રહી છે.
લતાવાસીઓએ જણાવેલ કે હોટલના નામે અહીં અનેક ગોરખધંધા ચાલી રહ્યા છે.
યુવક-યુવતિઓ અહીંની હોટલમાં દરરોજ આવતા હોય છે અહિં પાર્કિંગની પણ કોઇપણ જાતની સુવિધા ન હોય હોટલમાં જનારા આસપાસના રહેવાસીઓના ઘરોની સામે જ પોતાના વાહનો પાર્ક કરી દેતા હોય છે. જેના લીધે રહેવાસીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે.
તો અમુક હોટલની આસપાસ જાહેરમાં જ ચેનચાળા કરતા જોવા મળતા હોય છે જેના લીધે રહેવાસીઓને ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બની જાય છે.
આ મામલે એ ડીવીઝન પોલીસ સ્ટેશન, મ્યુ. કમિશનર, કલેકટર, ધારાસભ્યશ્રીને પણ રજુઆતો કરી છે જેમાં જણાવાયું છે કે, વિજય પ્લોટ વિસ્તારમાં આવેલ એક રહેણાંક એપાર્ટમેન્ટમાં કોમર્શીયલ વપરાશના હેતુથી એક હોટલ જેનું નામ ‘હોટલ લિયોઇન' ચાલુ છે. આ હોટલ એક જાહેર માર્ગ પર આવેલી છે. જયાંથી સ્કુલ, કોલેજ, શાક માર્કેટ, મંદિરમાં જવા માટેનો મુખ્ય માર્ગ છે. જેમાં આખા દિવસ દરમ્યાન સ્કુલ, કોલેજ જતી બાળાઓ તથા મંદિર, શાક માર્કેટ ખરીદી કરવા બહેનોની અવર-જવર અવિરત હોય છે તેવામાં આવા જાહેર માર્ગ પર આ હોટલ લિયોઇન ચાલુ કરવામાં આવી છે. ત્યાં હોટલનાં મુખ્ય દરવાજા પાસે તથા રોડ પર હોટલમાં જવા માટે યુવાનો તથા યુવતીઓ અંદર અવર-જવર કરીને હોટલનાં રૂમ ભાડે રાખીને ખરાબ પ્રવૃતિઓ કરતા હોય છે. ત્યારે આવા જાહેર માર્ગ પર આ હોટલમાં આવનારા યુવક-યુવતીઓ ઉભા રહેતા હોય છે ત્યારે આજ માર્ગ પરથી સ્કુલ, કોલેજ જતી વિદ્યાર્થીનીઓ તથા વિસ્તારની મહિલાઓ પર ખરાબ અસર પડતી હોવાથી ત્યાંથી નિકળવુ મુશ્કેલ બની રહ્યું છે.
આ હોટલ એક રહેણાંક એપાર્ટમેન્ટ છે, તેમાં કોમર્શીયલ હેતુથી ઉપયોગ કરે છે અને આ હોટલમાં પાર્કિંગ વ્યવસ્થા પણ નથી. તેમજ રહેણાંક વિસ્તારમાં આજુ બાજુમાં રહેતા લોકોની મંજૂરી લીધા વગર આવી હોટલને લાયસન્સ કે મંજૂરી આપવી યોગ્ય નથી. આ લિયોઇન હોટલને મંજૂરી મળી હોય તો પણ રદ કરાવીને આ હોટલ બંધ કરાવવા જણાવાયું છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો આપા આવેલા સર્વશ્રી કોર્પોરેટર વર્ષાબેન પાંધી, કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, કોર્પોરેટર દેવાંગભાઇ માંકડ, ભાજપ વોર્ડ નં. ૭ ના પ્રમુખ કૌશીકભાઇ ચાવડા, મંત્રી દિપકભાઇ પારેખ, પથુભાઇ ડોડીયા, જગદીશભાઇ જાદવ, રણજીતસિંહ ચૌહાણ, પ્રવિણભાઇ ચાવડા, કિરીટભાઇ પાંધી, નિશાંતભાઇ સોલંકી, મનીષભાઇ જરીયા, દિપકભાઇ પાટડીયા, અંજૂબેન જાદવ, માલતીબેન દાસાણી, નારણભાઇ ડાભી અને સાદુરભાઇ જાદવ નજરે પડે છે.
(5:20 PM IST)










