<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

સોમવારે ઇસ્‍લામી નૂતનવર્ષ : કરબલાના શહીદોની સ્‍મૃતિમાં બનતા તાજીયા

આગામી રવિવારે સાંજે ચંદ્રદર્શન સાથે મહોર્રમ માસનો થનારો પ્રારંભ : શોકપર્વને આડે હવે ૬ દીવસ બાકી હવામાનના લીધે સતત ત્રીજા વર્ષે જિલહજ્જ માસના ૩૦ દીવસ પૂરા થશે : હિજરીસન ૧૪૪૬માં પરિવર્તિત થશે : હુસેની મજાલિસો, નિયાઝ, સબિલોનું આયોજન

(ફાઇખ દ્વારા) રાજકોટ, તા. રઃ આગામી સોમવારના રોજ ઇસ્‍લામી નૂતન વર્ષ અર્થાત હિજરી ૧૪૪૬ નો પ્રારંભ થનાર છે.

હાલમાં ઇસ્‍લામી પંચાગનો હજજનો ૧૨મો મહિનો જીલહજજ ચાલી રહ્યો છે જેના ૩૦ માં દિવસે એટલે કે, તા.૭-૭-ર૦ર૪ના રવિવારે સાંજે ચંદ્રદર્શન થનાર હોઈ તા.૮-૭-૨૦૨૪ સોમવારે ૧લી મહોર્રમ થશે. બીજી તરફ હાલમાં હિજરી સંવત ૧૪૪પ ચાલી રહી છે જે ૮મી થી ૧૪૪૬ માં પરિવર્તીત થઈ જશે. મહોર્રમ માસ ઇસ્‍લામી પંચાગનો પ્રથમ મહિનો છે.

જો કે ગત ૧૨મા મહિનો જીલહજજમાં ઈદ ઉજવાઇ હતી. જે પર્વ પણ બલિદાનપ્રકટ કરે છે ત્‍યારે ઇસ્‍લામી ઈતિહાસમાં મહોર્રમ માસમાં પણ અનેક ઘટનાઓ અંકીત થઈ છે જે પૈકી ઈરાકના કરબલા શહેરમાં બનેલી ઘટના પણ બલિદાનની ભાવના પ્રકટ કરતી હોય ઈસ્‍લામી વર્ષની શરૂઆત અને અંત બંને બલિદાનની ભાવના ઉપર નિર્ભર રહ્યા છે.

આ મહિનામાં ખાસ ઈસ્‍લામી ૧૦મી તારીખના દિને આશૂરાહ પર્વ મનાવાશે જે આ વખતે તા. ૧૭ મી જુલાઇના દિવસે રહેશે અને એ દિવસે બુધવાર હશે.

ખાસ કરીને મુસ્‍લિમ વર્ષના આ પ્રથમ મહીનો મહોર્રમ માસમાં તાજીયા બનાવવામાં આવે છે જેની કામગીરી છેલ્લા સવા મહિનાથી ચાલી રહી છે જે તાજીયા આગામી તા.૧૭-૭-ર૦ર૪ બુધવારના દિવસે ફરનાર છે જે ૧૦ મી મહોર્રમનો દિવસ હશે આ દિવસને આશૂરા કહેવામાં આવે છે. આ પૂર્વે તા.૧૬-૭-ર૦ર૪ મંગળવારના  તમામ તાજીયાઓ મેદાનમાં આવી જશે.

ઇસ્‍લામ ધર્મના મહાન સ્‍થાપક અને અંતિમ પૈગમ્‍બર હઝરત મુહમ્‍મદ સાહેબના દોહીત્ર હઝરત ઇમામ હુસૈનએ સત્‍યતાની કાજે ઈરાકના રેતાળ પ્રદેશ કરબલાના તપતા મૈદાનમાં યુધ્‍ધ ખેલી પોતાના ૭૨ સ્‍વજનો અને સાથીદારો સાથે ભવ્‍ય શહિદી પામી ઈતિહાસના પાને અમર થઈ જતા આ ભવ્‍ય બલિદાન ગાથાની સ્‍મળતિમાં દર વર્ષે મહોર્રમ માસમાં તાજીયા બનાવવામાં આવે છે.આ તાજીયામાં અનેક પ્રકારની કલાત્‍મકતા દર્શાવવામાં આવે છે અને તેમા વિવિધ સજાવટો કરવામાં આવે છે અને તેનો આશૂરાના દિવસે જાહેરમાં હિન્‍દુ મુસ્‍લિમો એક સાથે દર્શન કરવા ઉમટી પડતા હોઈ ભાઈચારાની ભાવના એ સમયે મહેકી ઉઠે છે.

જેમાં પણ કેટલાક સ્‍થળે દર વર્ષે સંપુર્ણ નવા તાજીયા બનાવાય છે અને કેટલાક સ્‍થળે જૂના તાજીયા જે ઈમામખાનમાં રાખવામાં આવે છે તેને નવો ઓપ નવી સજાવટ અપાઈ છે. આમ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં ગામેગામ તાજીયા બનાવવાની કામગીરી હાલમાં દરરોજ રાત્રે વધી જવા પામી છે.

આ ઉપરાંત મહોર્રમ માસમાં આજથી ૧૩૮૪ વર્ષ પહેલા કરબલા ખાતે બનેલી આ કરૂણગાથાના માનમાં દરરોજ રાતે લતે લતે ખાસ કરીને હુસેની મજાલિસો યોજાય છે. સબીલો રચવામાં આવે છે અને તેના દ્વારા વિના ભેદભાવે સરબત, પાણી, ચા વગેરે વિતરણ કરવામાં આવે છે. જયારે દરરોજ જાહેર નિયાઝના કાર્યક્રમો પણ વિના ભેદભાવે યોજાય છે આ અંગેના આયોજનોને આખરી ઓપ અપાઈ ચુક્‍યા છે.

આ માટે લતે લતે વિવિધ કમિટીઓ કાર્યરત થઈ ગઈ છે. સેંકડો તાજીયા બની રહ્યા છે અને રોશની પણ ગોઠવાઈ રહી છે.

મહોર્રમ માસમાં લતે લતે હુસેની મજાલિસો યોજાય છે તે આગામી તા.૭-૬-ર૦ર૪ ને રવિવારની રાત્રીથી જ શરૂ થઈ જશે.

યાદ રહે કે તા. ૭ ને રવિવારે જિલહજજના સાંજે ઈસ્‍લામી નૂતન વર્ષનો ચંદ્રોદય થશે. જે હિસાબે આશૂરા બુધવારે રહેશે અને આમ મહોર્રમ મહિનો શરૂ થવાને હવે માત્ર ૬ દિવસ બાકી રહ્યા છે.

રાજકોટમાં જૂદા જૂદા વિસ્‍તારોમાં તાજીયાઓ, ડોલીઓ અને દુલદુલ બની રહ્યા છે.

જેમાં લક્ષ્મીનગર -૧, નૂરાનીપરા રૈયા રોડ ૧, નહેરૂનગર ૧ બજરંગવાડી ૧, પોપટપરા - ૨, સદર ખાટકી જમાત-૧, તુલારામ  તથા રામ ધોબીનો ૧,પેન્‍ટર આરીફ નં.૧, મુસ્‍લિમ લાઈન, બાબરીયા કોલોની, જંગલેશ્વરના ૫૪ તાજીયા જે રઝાનગરમાં જ રહે છે. લાઈન દોરીમાં ફરતા નથી. હૈદરી ચોક ભગવતી સોસાયટી તથા હાઉસીંગ કવાર્ટસ, ગંજીવાડા, માજોઠીનગર મળી કુલ ૧૪ અને ૧૦ ડોલી મોટા પીર છીલ્લા અને ચામડીયા ખાટકીવાસ૧, કોઠારીયા કોલોની ૧, ઢેબર કોલોની-૧, લક્ષ્મીનગર ૧, બાવાગોર ૧, જિલ્લાવાળી શેરી ૧, રામનાથપરા, મફતીયા પતરાવાડ, નવયુગપરા, રામનાથપરાપોલીસ લાઈન, કુંભારવાડા-૧, મનહર૫રા-૧, ફૉયરબ્રિગેડ, રાજમોતી મીલપાસે, મફતીયાપરા ૨, જિલ્લા ગાર્ડન ૧, આમ કુલ અંદાજીત ૧૪૬ થી વધુ તાજીયાઓ રાજકોટ શહેરમાં બની રહ્યા છે.

(5:05 PM IST)