<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

રૈયાધારના ભંગારના ધંધાર્થીની હત્‍યાનો ભેદ ખુલ્‍યોઃ મિત્ર રાધનપુરથી સકંજામાં

રાજકોટ ક્રાઇમ બ્રાંચે આપેલી માહિતી પરથી અજયને સકંજામાં લેવાયોઃ કબ્‍જો મેળવી પુછતાછ કરવામા઼ આવ્‍યા બાદ કારણ ખુલશે

રાજકોટ તા. ૨: શહેરના રૈયાધાર મચ્‍છુનગર ક્‍વાર્ટરમાં રહેતો વિનોજ ઉર્ફ વિનોદ દિનેશભાઇ રાફુચા (ઉ.વ.૨૨) નામનો યુવાન શનિવારે સવારે પોતાની ત્રણ પૈડાવાળી સાઇકલ લઇ ભંગારની ફેરી કરવા નીકળ્‍યા બાદ લાપત્તા થઇ જતાં શોધખોળ દરમિયાન રવિવારે સાંજે રૈયાધાર શાંતિનગર ડ્રીમ સીટીવાળા રોડ પર આવેલા ઝાડી જાંખરાવાળા મેદાનમાંથી તેની માથામાં પથ્‍થર કે બોથડ પદાર્થના ઘા ફટકારી હત્‍યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. હત્‍યાના આ બનાવનો ભેદ ઉકેલવા પોલીસની ટીમો કામે લાગી હતી. સીસીટીવી ફૂટેજમાં એક શકમંદ જોવા મળ્‍યો હતો. દરમિયાન હત્‍યાના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આરોપી રાધનપુર તરફ હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચને મળતાં ત્‍યાં જાણ કરતાં પોલીસે તેને સકંજામાં લીધો છે.

વિનોજ ઉર્ફ વિનોદના લગ્ન થઇ ગયા હતાં. પણ પત્‍નિ સાતેક મહિનાથી રિસામણે  છે. વિનોદની હત્‍યા કોણે અને શા માટે કરી તે અંગે તેના માતા હીરાબેન સોલંકીએ કોઇ પર શંકા દર્શાવી નહોતી. તેમજ વિનોજને કોઇ સાથે માથાકુટ પણ ન હોવાનું કહ્યું હતું. સીસીટીવી ફૂટેજ ચેક કરતાં શકમંદ શખ્‍સ મૃતકની ભંગારની ફેરી માટેની સાઇકલ લઇને નીકળતો દેખાયો હતો. આ શખ્‍સને શોધવા છેક મોટા મવા સુધીના કેમેરા ચેક કર્યા હતાં. દરમિયાન ક્રાઇમ બ્રાંચને શકમંદ આરોપી રાધનપુર તરફ હોવાની માહિતી મળતાં ત્‍યાંની પોલીસને વાકેફ કરતાં તેને સકંજામાં લેવા રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમ રવાના થઇ હતી.

હત્‍યામાં સામેલ શખ્‍સ મૃતકનો પરિચીત, મિત્ર જ હોવાનું અને તેનું નામ અજય ગોવિંદ દેવીપુજક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્‍યું છે. આરોપીને રાજકોટ લાવી વિશેષ પુછતાછ કરવામાં આવે પછી કારણ બહાર આવશે.

(4:01 PM IST)