તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
વિવિધ કેડરની ૧૬ જગ્યા સામે ૩૩૫૬ અરજીઓનો વરસાદ
મનપામાં ઇજનેર ઉમેદવારોના બારે મેઘ ખાંગા

એન્જીનીયર કક્ષની ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રીયા હાથ ધરાયેલઃ નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) માટે ૧૪૬, આસી., એન્જીનીયર (સિવિલ - મિકેનિકલ)
માટે ૨૨૮૬, એડ. આસી. એન્જીનીયર (સિવિલ) માટે ૯૨૪ સહિત કુલ ૩ હજારથી વધુ નોકરી વાંચ્છુકોએ રસ દાખવ્યોઃ બેરોજગારી કે બીજુ કાંઇ ?
રાજકોટ તા. ૨ : મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્યારે વર્ષો બાદ સુધારવામાં આવેલા રીક્રુટમેન્ટ રૂલ્સ (આરઆર) પરથી ભરતી કરવાની કાર્યવાહી પણ મનપા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી. જુદી જુદી એન્જીનીયર કક્ષાના કેડરની ખાલી પડેલ ૧૬ જગ્યા ભરવા માટે અરજી મંગાવામાં ૩ હજારથી વધુ અરજી આવી છે.
કમિશનરે મંજુર કરેલ ભરતી પ્રક્રિયા અંગે પરિપત્ર બહાર પાડયો હતો. જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર(સિવિલ) માટે ૨, આસી.,એન્જીનીયર(સિવિલ) માટે ૯, આસી.,એન્જીનીયર(મિકેનિકલ) માટે ૧ એડી.આસી. એન્જીનીયર(સિવિલ) માટે ૪ સહિત કુલ ૧૬ જગ્યાઓ ભરવા માટે તા. ૨૫ જુન સુધીમાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી.
જાણે મનપાની ભરતીની મોસમમાં બેરોજગારી કે સરકારી નોકરીનો રંગ દેખાઇ રહ્યો છે. માત્ર ૧૬ જગ્યાઓ માટે અંતિમ તારીખ સુધીમાં ૩ હજારથી વધુ અરજીઓ મનપામાં ઓનલાઇન આવી છે. જેમાં સૌથી વધુ આસી.,એન્જીનીયર(સિવિલ) માટે ૨૧૨૮ ઉમેદવારોએ અરજી કરી હતી. સાથે જ નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) માટે ૧૪૬, આસી., એન્જીનીયર (મિકેનિકલ) માટે ૧૫૮, એડ.આસી. એન્જીનીયર (સિવિલ) માટે ૯૨૪ સહિત કુલ ૩૩૫૬ ઉમેદવારોનો કાયમી જગ્યાઓ માટે રાફડો ફાટયો છે.
મનપા તંત્ર દ્વારા આગામી ટુંક સમયમાં આ ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે. આ પરીક્ષા બાદ કેટેગરી પ્રમાણે મેરીટનાં આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આમ પરિક્ષા બાદના ૬ મહિનાની અંદર ઉપરોકત જગ્યા ભરવામાં આવશે.
(3:34 PM IST)










