<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

સિવિલ હોસ્‍પિટલમાંથી ભાગેલા કેદીએ લાલપરીમાં કૂદી જીવ દીધો

મોરબી રોડ ચામડીયાપરા ખાટકીવાસના અબ્‍દુલ કારવા વિરૂધ્‍ધ ધોરાજી કોર્ટમાં ભરણ પોષણનો કેસ થતાં એકાદ મહિનાથી રાજકોટ જેલમાં હતાં લઘુશંકા કરવા ગયા બાદ દરવાજા પાસે ઉભેલા પોલીસમેનને ધક્કો દઇ ગત સાંજે ભાગી નીકળતાં પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કર્યો હતોઃ આજે લાશ મળતાં પરિવારમાં માતમ ભરણ પોષણના કેસમાં જેલની સજા થતાં કંટાળીને પગલુ ભર્યાની શક્‍યતા

રાજકોટ તા. ૨૯: શહેરની સિવિલ હોસ્‍પિટલના ઇમરજન્‍સી વોર્ડમાંથી ગત સાંજે એક કેદી નાસી છુટતાં પોલીસબેડામાં દોડધામ મચી ગઇ હતી. આ કેદીએ ભાગી ગયા બાદ સાંજે જ લાલપરી તળાવમાં મંછામાતાના મંદિર નજીક કૂદી જઇ આપઘાત કરી લીધો હતો. આજે તળાવમાંથી અજાણ્‍યા શખ્‍સની લાશ મળતાં તપાસ થતાં આ લાશ ગત સાંજે હોસ્‍પિટલમાંથી ભાગી નીકળેલા કેદીની હોવાનું સ્‍પષ્‍ટ થતાં પરિવારજનોમાં અરેરાટી સાથે માતમ છવાઇ ગયો હતો.

આ બનાવમાં શહેર પોલીસ હેડક્‍વાર્ટરમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં  અને માધાપર ચોકડી પરાસર પાર્કમાં રહેતાં પ્રતિપાલસિંહ ભગીરથસિંહ ચુડાસમાની ફરિયાદ પરથી અબ્‍દુલ બાબુભાઇ કારવા (રહે. ચામડીયાપરા ખાટકીવાસ જુનો મોરબી રોડ, હાલ રાજકોટ જેલ) વિરૂધ્‍ધ આઇપીસી ૨૨૪ મુજબ કેદી જાપ્‍તામાં રહેલા પોલીસ કર્મચારીને ધક્કો દઇ ભાગી જવાનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

કોન્‍સ. પ્રતિપાલસિંહે જણાવ્‍યું હતું કે ૨૭મીએ અમારા વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં મને નોકરી અપાઇ હતી. ઇન્‍ચાર્જ આર્મ્‍ડ હેડકોન્‍સ. સહદેવસિંહ અનિરૂધ્‍ધસિંહ ઝાલા તથા કોન્‍સ. ભાવેશભાઇ સુરાભાઇ ચાવડાની સાથે મારે ૨૮મીએ સવારે આઠથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે કેદી જાપ્‍તા ઉપર ગાર્ડ તરીકે ફરજ બજાવવાની હતી. શુક્રવારે ૨૮મીએ અમે ત્રણેય સિવિલ હોસ્‍પિટલ ખાતે ફરજ પર હતાં ત્‍યારે પોપટપરા જેલમાંથી તા. ૨૫મથી સિવિલ હોસ્‍પિટલના ઇમર્જન્‍સી વોર્ડમાં યુરીનની તકલીફની સારવાર માટે દાખલ કરાયેલા આરોપી અબ્‍દુલ બાબુભાઇ કારવા કે જે પાકા કામનો કેદી છે તેનો જાપ્‍તાનો ચાર્જ અમે સંભાળ્‍યો હતો.

સાંજે પોણા આઠેક વાગ્‍યે આરોપી અબ્‍દુલે બાથરૂમ જવાની વાત કરતાં મેં તેની હાથકડી ખોલી હતી. તેને ઇમર્જન્‍સી વોર્ડ-૨ની બાજુમાં આવેલા બાથરૂમમાં હું લઇ ગયો હતો. બે ચાર મીનીટ થઇ જતાં હું બાથરૂમમાં જોવા જતાં તે અચાનક બહાર નીકળ્‍યો હતો અને મને ધક્કો મારી નીચે પછાડી દીધો હતો. આથી હું ગભરાઇ જતાં તુરત જ ખાટલા નંબર ચાર પર ગયો હતો. જ્‍યાં અબ્‍જુલ ન હોઇ બીજા દર્દીઓના ખાટલાઓ પણ તપાસ્‍યા હતાં. વોડર્ફ બહાર લોબીમાં પણ તે મળ્‍યો નહોતો. મને ચકમો આપી તે નાશી ગયો હોઇ મેં સાથી કર્મચારી ભાવેશભાઇને જાણ કરતાં તે આવી ગયા હતાં. બાદમાં પોલીસ કન્‍ટ્રોલ રૂમ અને હેડક્‍વાર્ટરમાં જાણ કરી હતી. આ પછી પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ બી. અમે. ઝણકાટની રાહબરીમાં પીએસઆઇ પી. કે. પઢીયારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ડી. સ્‍ટાફની ટીમે આ કેદીને શોધી કાઢવા તપાસનો ચક્રો ગતિમાન કર્યા હતાં.

દરમિયાન આજે સવારે લાલપરી તળાવા ખાતે મહિલાઓ કપડા ધોવા આવી હોઇ એક પુરૂષની લાશ તરતી દેખાતાં નજીકમાં રહેતાં અનિલભાઇને બોલાવતાં તેણે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢતાં બી-ડિવીઝન પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં હેડકોન્‍સ. હિતેષભાઇ કોઠીવાર સહિતે તપાસ શરૂ કરી હતી. ગત સાંજે હોસ્‍પિટલમાંથી ભાગી ગયેલા કેદી સાથે મૃતકનું વર્ણન મળતું હોઇ તેમના સ્‍વજનોને બોલાવી તપાસ કરાવતાં આ મૃતદેહ કેદી અબ્‍દુલભાઇ કારવાનો જ હોવાનું સ્‍પષ્‍ટ થયું હતું.

આપઘાત કરનાર અબ્‍દુલભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા નંબરે હતાં. ૨૦૧૨માં મુમતાઝબેન વલીભાઇ લાખાણી (ધોરાજી) સાથે લગ્ન થયા હતાં. ૨૦૧૪માં ભરણપોષણનો ધોરાજી કોર્ટમાં કેસ થયો હતો. પ્રથમ જુનાગઢ જેલમાં બે દિવસ રખાયા હતાં, ત્‍યાં તબિયત લથડતાં છોડી મુકાયા હતાં. એ પછી એક મહિના પહેલા તેને રાજકોટ જેલમાં ટ્રાન્‍સફર કરાયા હતાં. અગાઉ તે ભાડાની રિક્ષા ફેરવી ગુજરાન ચલાવતાં હતાં. પરિવારજનોના કહેવા મુજબ ભરપ પોષણના કેસમાં એક વખત રૂપિયા ભરપાઇ પણ કર્યા હતાં. કેસ હજુ ચાલુ હોઇ અને જેલની સજા પડી હોઇ કંટાળી જતાં આ પગલુ ભર્યાની શક્‍યતા પરિવારજનોએ જણાવી હતી. ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી હતી.

(3:21 PM IST)