News of Saturday, 29th June 2024
વ્યાજખોરીમાં ફસાયેલા લોકો વિનાસંકોચે પોલીસ પાસે આવે, દાખલારૂપ કાર્યવાહી થશેઃ પોલીસ કમિશનર ઝા
ગયા વર્ષે ૬૦ અરજીમાં ૪૭ ગુના નોંધી ૬૨ને પકડયા હતાં: આ વખતે ૨૬ અરજીઓ આવીઃ ૩૧મી જુલાઇ સુધી ચાલશે ઝુંબેશ :જેની સામે વ્યાજખોરીના બે ગુના દાખલ થશે તેને પાસામાં ધકેલાશેઃ વ્યાજખોર જેલમાંથી છુટે પછી પણ નજર રખાશે : નાણાની જરૂરિયાત ઊભી થાય ત્યારે બેંક, સહકારી બેંક તેમજ સહકારી યોજનામાંથી જ નાણા મેળવવા જોઇએ, કોઇપણ વ્યાજખોર ધમકાવે તો ડરવાને બદલે પોલીસનો સંપર્ક કરો અને પોલીસ સ્ટેશનમાંથી યોગ્ય જવાબ ન મળે તો મારો સંપર્ક કરોઃ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા

વ્યાજખોરી વિરૂધ્ધની ઝુંબેશ અંતર્ગત યોજાયેલી જનસંપર્ક સભા-લોક દરબારને સંબોધતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા જેસીપી મહેન્દ્ર બગડીયા, ઉપસ્થિત અધિકારીઓ ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી પૂજા યાદવ, તમામ એસીપી, તમામ પીઆઇ, વ્યાજંકવાદ વિરૂધ્ધ રજૂઆત કરી રહેલા લોકો અને તેમને સાંભળી રહેલા અધિકારીઓ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૨૯: સરકાર દર વર્ષે વ્યાજંકવાદને નાબુદ કરવા ઝુંબેશ હાથ ધરે છે. દરેક ગામ અને શહેરોમાં શેરીએ, ગલીએ વ્યાજખોરો ફુટી નીકળ્યા છે. આવા લોકો જરૂરીયાતમંદોને ઉંચા વ્યાજે નાણા આપી પછી વ્યાજ અને મુદ્દલ વસુલવા પઠાણી ઉઘરાણીઓ શરૂ કરતાં હોય છે. વ્યાજખોરોથી પીડિત લોકો ઘણીવાર આપઘાત કે આપઘાતનો પ્રયાસ પણ કરતાં હોય છે. આવુ ન થાય અને લોકો વ્યાજખોરોની ચુંગાલમાંથી બહાર નીકળી શકે તે માટે ગૃહ વિભાગની સુચના અનુસાર રાજકોટ શહેર પોલીસ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે જનસંપર્ક સભા-લોક દરબારનું આયોજન કરાયું હતું. જેમાં વ્યાજખોરીમાં ફસાયેલા અનેક લોકો ઉમટી પડયા હતાં અને પોતાની કથની વર્ણવી અરજી-ફરિયાદો આપી હતી. આવી કુલ ૨૬ અરજીઓ આવી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કહ્યું હતું કે-વ્યાજખોરીમાં ફસાયેલા લોકોએ જરાપણ સંકોચ વગર પોલીસ પાસે આવવું જોઇએ, તેમને પુરતો ન્યાય અપાશે અને દાખલારૂપ કાર્યવાહી થશે.
શ્રી ઝાએ જણાવ્યું હતું કે જેની સામે ગુના દાખલ થશે એ વ્યાજખોરો જેલમાંથી છુટી જશે પછી પણ તેના પર નજર રાખવામાં આવશે. કોઇપણ લોકો વ્યાજખોરીમાં ફસાયા હોય તે વિનાસંકોચે પોલીસનો સંપર્ક કરી શકે છે. જો પોલીસ સ્ટેશનોમાં યોગ્ય પ્રતિભાવ ન મળે તો સીધા મારી પાસે આવીને રજૂઆત-ફરિયાદ કરી શકે છે. જો કે આ વચ્ચે ઘણા પરિવારના લોકોએ વ્યાજખોરો પોતાને કઇ રીતે હેરાન કરે છે અને કેટકેટલી રજૂઆતો કરી હોવા છતાં કોઇ ન્યાયી કાર્યવાહી થઇ ન હોવાનો ઉકળાટ ઠાલવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે વ્યાજખોરોના ત્રાસથી અત્યાર સુધીમાં ઘણાં લોકો આપઘાત કરી ચુકયા છે તો ઘણા લોકોએ મરી જવાનો પ્રયાસ પણ કર્યો છે. એવી છાપ લોકોમાં ઉપસી છે કે સરકાર ગૃહ વિભાગ જ્યારે વ્યાજખોરી સામે ઝુંબેશ શરૂ કરે ત્યારે જ થોડા દિવસો માટે પોલીસ કડક કાર્યવાહી કરી ધડાધડ ગુના નોંધતી હોય છે. સામાન્ય દિવસોમાં આ પ્રકારની નક્કર કાર્યાવહી ઓછી જોવા મળતી હોય છે. આવું ભોગ બનેલા લોકો ઉકળાટ સ્વરૂપે જણાવતાં હતાં.
ગયા વર્ષે પણ ગળહ વિભાગના આદેશથી રાજયભરમાં વ્યાજખોરો વિરૂધ્ધ ઝુંબેશ ચલાવાઈ હતી. જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. જેને કારણે ફરીથી વ્યાજખોરો વિરૂધ્ધ ઝુંબેશનો પ્રારંભ કરાયો છે. જે આગામી તા.૩૧ જુલાઈ સુધી ચાલુ રહેશે. આ ઝુંબેશના ભાગરૂપે ગઇકાલે રાજકોટ પોલીસે હેમુ ગઢવી હોલ ખાતે લોક દરબાર યોજયો હતો. સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી યોજાયેલા આ લોક દરબારમાં કુલ ૨૬ અરજીઓ પોલીસને મળી હતી. જેમાંથી પ્ર.નગરની ૧, એ-ડિવીઝનની ૨, એરપોર્ટ પોલીસ મથકની ૧, માલવિયાનગર પોલીસ મથકની ૪, કુવાડવા રોડ પોલીસ મથકની ૩, બી-ડિવીઝન પોલીસ મથકની ૪, ગાંધીગ્રામ પોલીસ મથકની ૧, ગાંધીગ્રામ-૨ પોલીસ મથકની ર, તાલુકા પોલીસ મથકની ૪, ભક્તિનગર અને થોરાળા પોલીસ મથકની ૧-૧ અને આજી ડેમ પોલીસ મથકની ૨ અરજીનો સમાવેશ થાય છે.
જોઇન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બાંગરવાએ જણાવ્યું હતું કે વ્યાજખોરી સામે પોલીસ કડક પગલા લેવા કટીબધ્ધ છે. વ્યાજખોરીમાં ફસાયેલા લોકોને મરવાનો આપઘાતનો વિચાર આવે તો આવુ પગલુ ભરતાં પહેલા તુરત પોલીસનો સંપર્ક કરી લેવો. તેમને ચોક્કસ ન્યાય મળશે અને વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી થશે.
ઝોન-રના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું કે આ અરજીઓના આધારે સંબંધિત પોલીસ મથક તપાસ કરી આગળની યોગ્ય કાર્યવાહી કરશે. જેની સામે વ્યાજખોરીના બે ગુના દાખલ થશે તેની સામે પાસા હેઠળ પગલા લેવામાં આવશે. એકાદ વર્ષ પહેલાં જે લોક દરબાર યોજાયો હતો તેમાં પોલીસને ૬૦ અરજીઓ મળી હતી. જે જોતા આ વખતે અડધી કરતાં ઓછી અરજીઓ મળી છે. આ જોતાં રાજકોટમાં વ્યાજખોરી ઘટી હોવાનું તારણ નીકળી રહ્યું છે. જો કે ઘણા લોકો વ્યાજખોરોના ડરને લીધે પોલીસ સુધી જવાનું ટાળતાં હોય છે.
જનસંપર્ક સભામાં પોલીસે ભોગ બનનારાઓને સમજ આપી હતી કે રાજય સરકાર દ્વારા ગેરકાયદે વ્યાજ વટાવનો ધંધો કરનારા વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે અધિનિયમ અમલમાં છે. જેની હેઠળ ધીરધારનું ઙ્ગ લાયસન્સ મેળવેલ હોય પરંતુ સરકારના નિયમ વિરૂધ્ધ ઉચું વ્યાજ વસુલતા હોય તેમના વિરૂધ્ધ, ધીરધારનું લાયસન્સ નહીં ધરાવનારા વિરૂધ્ધ અને વ્યાજે રૂપિયા આપી બળજબરીપૂર્વક ઉઘરાણી કરી પજવણી કરનારાઓ સામે પણ કાર્યવાહી કરી શકાય છે. ગેરકાયદે વ્યાજે રૂપિયા આપતી વખતે પ્રોમિસરી નોટ, દસ્તાવેજ, વાહનો લેનારાઓ સામે પણ કાર્યવાહી કરી શકાય છે.
પોલીસે ભોગ બનનારાઓને આગામી ૧ જુલાઈથી અમલમાં આવનાર નવા ફોજદારી કાયદાઓથી પણ વાકેફ કર્યા હતા. સાથો-સાથ બેન્ક કે નાણાંકિય સંસ્થાઓ પાસેથી જ ધીરાણ મેળવવાનો આગ્રહ રાખવા સમજ આપી હતી.
આ જનસંપર્ક સભામાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, જોઇન્ટ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને ઉદ્યોગ કેન્દ્રના કે. વી. મોરી, જીલ્લા રજીસ્ટ્રાર ઓફ મનીલેન્ડર્સ વિશાલ કપુરીયા, નાગરકિ બેંકના હંસરાજભાઇ ગજેરા, રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના વી. એમ. સખીયા, રાજ બેંકના સંજીવ વીરપરીયા પણ હાજર રહ્યા હતાં. તેમજ તમામ એસીપી, તમામ પીઆઇએ હાજર રહી અરજદારોની અરજી નોંધી હતી. આ અરજીઓની તપાસ તાત્કાલીક શરૂ કરી આગામી સમયમાં જરૂર જણાયે તેમાં ગુના નોંધવાની કાર્યવાહી થશે.
અરજદારોએ ઉકળાટ ઠાલવ્યોઃ મંડળીઓમાંથી લોન લેનારા પણ રજૂઆત માટે ઉમટયા
ઞ્જ વ્યાજખોરીમાં ફસાયેલા ઉપલાકાંઠા વિસ્તારના માધુભાઇ ગોહેલે પોલીસ કમિશનર ઝા સમક્ષ રજૂઆત કરી જણાવ્યું હતું કે મારા પિતરાઇ ભાઇના પત્નિ વ્યાજખોરીમાં ફસાયા હતા, એ વિસ્તારની લીલા નામની મહિલાએ અનેક લોકોને ઉંચા વ્યાજે નાણા ધીરી લોકોની જિંદગી હરામ કરી છે, પિતરાઇની પત્નિના મામલે પોલીસમાં જાણ કરી તો પોલીસે આમાં કંઇ ન થાય તેમ કહી કાઢી મુકયા હતા, ચાર વખતથી લોક દરબારમાં રજુઆત કરૂં છું, અઢી કિલો કાગળની અરજીઓ થઇ છે, છતાં ન્યાય મળ્યો નથી.
આદિત્યકુમાર ગોવિંદભાઈ વસોયાએ લોકદરબારમાં કહ્યું હતું કે તેણે મૌલિક અને ભૌમિક નામના શખ્સો પાસેથી ૧૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જે ચૂકવી દીધા છતાં વધુ રકમની માંગ કરવામાં આવે છે. આ અંગે મેં ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં અરજી પણ કરી છે પરંતુ કશી કાર્યવાહી થઈ રહી નથી.
જયસુખભાઈ મોહનભાઈ ભીમાણીએ જણાવ્યું કે અલ્પેશ દોંગા નામની વ્યક્તિ પાસેથી મેં ૨૧ લાખ લીધા હતા. પૈસા આપતી વખતે તેણે બે ટકા વ્યાજ કહ્યું હતું પરંતુ બાદમાં પાંચ કરી નાખ્યું હતું. આ બદલામાં તેણે મારી ૮ એકર જમીન પણ લખાવી દીધી હતી. મેં તમામ પૈસા પરત આપી દીધા છતાં તે જમીન પરત આપતો નથી.
મંડળીઓમાંથી લોનો લીધી હોઇ અને સમયસર ભરપાઇ થઇ શકી ન હોઇ લોનનું વ્યાજ ચડત થઇ જતાં જે તે મંડળી, ખાનગી બેંક દ્વારા ઉઘરાણી થતી હોઇ તેવા લોકો પણ વ્યાજખોરી અંગે આ સભામાં જરૂઆત કરવા આવ્યા હતાં.
આર્થિક ક્ષમતા મુજબ જીવન શૈલી બનાવો, દેખાદેખી કરી લગ્ન સહિતના પ્રસંગોમાં ખોટા ખર્ચ ન કરોઃ ઝા
ઞ્જ પોલીસ કમિશનર ઝા કમિશનર બ્રજેશકુમાર ઝાએ જણાવ્યું હતું કે ઘણીવાર લોકો પોતાની ભુલોને લીધે પણ વ્યાજખોરીના દુષણમાં ફસાતાં હોય છે. દરેક વ્યક્તિએ પોતાની આર્થિક ક્ષમતા મુજબ જ પોતાની જીવનશૈલી બનાવવી જોઇએ, જેટલી ચાદર હોય તેટલા જ પગ ફેલાવવા જોઇએ તે કહેવત ટાંકીને તેમણે જણાવ્યું કે લગ્ન પ્રસંગો, જન્મદિવસની ઉજવણીઓ સહિતના પ્રસંગોમાં લોકો દેખાદેખીને કારણે ગજા બહારના ખર્ચા કરી નાખતાં હોય છે. આ પણ વ્યાજખોરીમાં ફસાઇ જવાનું કારણ છે. લોકોએ ક્ષમતા મુજબ પ્રસંગો ઉજવવા જોઇએ તેવી ટકોર તેમણે કરી હતી.
(1:41 PM IST)










