<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

ઇશ્વરીયા પાર્કમાં કલેકટર-ફોરેસ્‍ટ ખાતાને મહત્‍વની સફળતાઃ ૮ હજાર વૃક્ષો વાવવાનું મહાઅભિયાન પૂર્ણ

ગ્રીનરી જોઇ પ્રભવ જોષી ખુશખુશાલ : ફોરેસ્‍ટ ખાતાની પીઠ થાબડીઃ બાકી હોય ત્‍યાં પૂર્ણ કરવા નિર્દેશ ફોરેસ્‍ટ ખાતાએ વડ-ફાલસી-કણજી-લીંમડો-ઉંમરો-પીપળો-કરંજ-અર્જુન-બદામ-ગુલમહોર સહિત ૧૮ પ્રકારના વૃક્ષો વાવ્‍યા

ઇશ્વરીયા પાર્ક ખાતે ગઇકાલે બપોરે કલેકટર શ્રી પ્રભવ જોષી દોડી ગયા હતા અને ફોરેસ્‍ટ ખાતાએ ૮ હજાર વૃક્ષોનું વાવેતર કર્યુ તે નિહાળી અભિભુત થઇ ફોરેસ્‍ટ ખાતાને અભિનંદન પાઠવ્‍યા તે નજરે પડે છે.

રાજકોટ, તા., ર૮: રાજકોટના કલેકટર શ્રી પ્રભવ જોષી કડક સ્‍વભાવ માટે અને પ્રમાણીકતા માટે જાણીતા છે. તેમ પર્યાવરણ પ્રેમી પણ છે તેની સાબીતી આપી દીધી છે. અને એકી સાથે માત્ર થોડા દિવસોના સમયમાં ૮ હજાર વૃક્ષો વાવવાનું મહાઅભિયાન ફોરેસ્‍ટ ખાતાની મદદથી પુર્ણ કરી રાજકોટને સમગ્ર રાજયમાં ફર્સ્‍ટ નંબરે મુકી દીધું છે.

કલેકટર કચેરીના અધિકારી સુત્રોમાંથી મળતી વિગતો મુજબ કલેકટર શ્રી પ્રભવ જોષીએ રાજકોટના ફોરેસ્‍ટ ખાતાની મદદથી ઇશ્વરીયા પાર્ક ફલાવેર વેલી પીકનીક પોઇન્‍ટ ગેઇટ નં. ર ની અંદરની બાજુએ એકી સાથે ૮ હજાર જેટલા વિવિધ પ્રકારના વૃક્ષો વાવવાનું અભિયાન હાથ ધર્યુ હતું અને તે ગઇકાલે પુર્ણ કરી લેવાયું છે. ૮ હજાર વૃક્ષો વવાતા તેની ગ્રીનરી જોઇ કલેકટર ખુશખુશાલ થઇ ગયા હતા અને ફોરેસ્‍ટ ખાતાની પીઠ થાબડી, બાકી જગ્‍યા છે ત્‍યાં પણ સંપુર્ણ ગ્રીરી કરી દેવા ફોરેસ્‍ટના અધિકારીઓને નિર્દેશ આપ્‍યો હતો. આ ૮ હજાર વૃક્ષો વાવવામાં ફોરેસ્‍ટ ખાતાના અધિકારીશ્રી કોટડીયા, શ્રી તૃપ્તી મેડમ તથા અન્‍ય સ્‍ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

સુત્રોએ ઉમેર્યુ હતું કે ફોરેસ્‍ટ ખાતાએ કુલ ૧૮ પ્રકારના ૮ હજાર વૃક્ષોનું વાવેતર કર્યુ છે. કલેકટરે આ બાબતે ગઇકાલે નિરીક્ષણ કર્યુ હતું. આ પહેલા રાજકોટ સીટી પ્રાંત-૧ ડો.ચાંદની પરમારે પણ નિરીક્ષણ કર્યુ હતું.

ફોરેસ્‍ટ તંત્રે જે પપ૦૦ વૃક્ષો વાવ્‍યા તેમાં વડ-રપ૦૦, ફાલસા-પ૦૦, કણજી-૭પ૦, લીમડા-રપ૦, ઉંમરા-રપ૦, પીપળા-રપ૦, કરંજ-પ૦૦, અર્જુન-રપ૦ તથા કાસીદ-રપ૦ વૃક્ષોનો સમાવેશ થાય છે. જયારે જે રરપ૦ વૃક્ષો વાગ્‍યા તેમાં બદામ-રપ૦, ગુલમહોર-રપ૦, પારસ પીપળો-રપ૦, સીસુ-રપ૦, ગરમાળો-રપ૦, કચનાર-રપ૦, બોરસલી-રપ૦, કૈલાસપતિ-રપ૦, સપ્તપદિ-રપ૦ વૃક્ષોનું વાવેતર કરાયાનું સાધનોએ ઉમેર્યુ હતું.

(4:41 PM IST)