<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

મનપા તંત્રની તિજોરી છલોછલઃ વેરાની ૨૪૨.૬૨ કરોડની આવક

વળતર યોજનાના છેલ્લા ૨ દિ' ૮ એપ્રિલથી ૨૮ જુન સુધીમાં ૩,૨૭,૮૨૮ કરદાતાઓએ વળતરનો લાભ લીધોઃ ૨૪.૦૫ કરોડનું ડિસ્‍કાઉન્‍ટઃ કચેરીમાં કાલ સુધી અને રવિવારે ઓનલાઇન ટેકસ ભરી શકાશે

રાજકોટ, તા.૨૮: મહાનગર પાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને ૨૦૨૪-૨૫ના વર્ષમાં પણ એડવાન્‍સ મિલ્‍કત વેરાની રકમ ભરપાઇ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના તા.૮ એપ્રિલ ૨૦૨૪થી શરૂ થઇ છે ત્‍યારે તા.૨૮ જુન ૨૦૨૪ સુધીમાં ૩,૨૭,૮૨૮  પ્રમાણિક કરદાતાઓએ વેરો ભરી તંત્રની તિજોરોમાં ૨૪૨.૬૨ કરોડ ઠાલવી દીધા છે. એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર પુરૂષ મિલ્‍કત ધારકને ૫% અને મહિલા મિલ્‍કત ધારકને ૧૦% વળતર  યોજનાનો કાલે ઓફલાઇનનો છેલ્લો દિવસ અને રવિવારે ઓનલાઇન ટેકસ ભરી શકાશે.

શહેરના પ્રમાણિક અને નિયમિત કરદાતાઓએ વેરા વળતર યોજનામાં છેલ્લા અઢ્ઢી મહિનામાં ૩,૨૭,૮૨૮  કરદાતાઓએ રૂા. ૨૪૨.૬૨ કરોડનો વેરો ભરતા કરદાતાઓને ૨૪.૦૫ કરોડનું વળતર આપવામાં આવ્‍યુ છે. જેમાં ઓનલાઇન ૧૦૦કરોડથી વધુનો વેરો ભર્યો છે. ઓનલાઇન વેરો સ્‍વીકારવાની પધ્‍ધતિને તંત્રને જબરી સફળતા મળી છે.

જયારે ગત વર્ષે એટલે કે તા.૧ એપ્રિલથી તા.૭ મે સુધીમાં ૧,૫૫,૬૧૦ કરદાતાઓએ રૂા. ૮૯.૯૦ કરોડનો વેરો ભર્યો હતો એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે વળતર યોજનાનો લાભ લેનાર કરદાતા અને આવક વધુ થવા પામી છે.

સને ૨૦૨૪-૨૫ના વર્ષમાં તા.૩૧ મે સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્‍કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૦ જુન સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કત ધારકને ૫% અને મહિલા મિલ્‍કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કતધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે. આ ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્‍યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧% આપવામાં આવશે. તેમજ ૪૦% થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશકત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલ્‍કતોને વિશેષ ૫% વળતર આપવામાં આવે છે.

આથી મિલ્‍કત વેરા વળતર યોજનાનો છેલ્લા બે દિવસ બાકી હોય ત્‍યારે મહતમ સંખ્‍યામાં કરદાતાઓ એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરપાઇ કરી વળતરનો લાભ પ્રાપ્‍ત કરે તેવી જાહેર અપીલ  છે.

(3:39 PM IST)