News of Friday, 28th June 2024
એક જીવને સત્સંગની વાત કરીએ તો સમગ્ર બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે : પૂ. મહંતસ્વામી

રાજકોટ : પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ‘સંપર્ક દિન'ની ઉજવણી થઇ હતી.
સંગીતજ્ઞ યુવકો અને સંતો દ્વારા સૂર અને તાલ દ્વારા કીર્તનોની પ્રસ્તુતિ થઈ હતી. પ.પૂ.મહંતસ્વામી મહારાજના બાળભક્તોએ સ્વામીબાપાનો રાજીપો મેળવવા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની પ્રસ્તુતિમાં એકબીજાનો અવગુણ ન લેવો અને ભગવાનની પ્રાપ્તિનો વિચાર હંમેશા રાખવો એવી પ્રસ્તુતિ કરી હતી.
પ્રાતઃપૂજા બાદ સર્વે હરિભક્તોને પ.પૂ.મહંતસ્વામી મહારાજે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, ‘ભગવાનની પ્રાપ્તિનો કેફ દરેક સેકન્ડ રાખવો. કોઈના અભાવ અવગુણ ન લઈએ તો અંતરમાં આનંદના ફુવારા છૂટ્યા કરે. પોતાના અવગુણની સામે જોવું કે મારે ક્યાં ક્યાં ભૂલો થાય છે. કોઈ સાથે વેર ઝેર રાખવું નહીં તો ભગવાન આપણને વ્હાલા થઈ જાય. આવી રીતે રહીએ તો એકાંતિકપણું આવે.'
સંસ્થાના વક્તા સંત પૂજય વિવેકસાગર સ્વામીએ ગુરુમહિમા અને દર્શનનો મહિમા સમજાવતું પ્રેરણાત્મક પ્રવચન રજૂ કર્યું હતું. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણથી લઈને આજ સુધીના અનેક ભક્તોના પ્રસંગો પર રસપ્રદ સંવાદ યુવકો દ્વારા રજૂ થયો હતો.
સભાના અંતે પ.પૂ.મહંતસ્વામી મહારાજે આશીર્વચન આપતા કહ્યું હતું કે, ‘ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધાર્યા, અનેક જીવોનું કલ્યાણ કરવાનો સંકલ્પ લઈને પધાર્યા, એ એમની મોટી કૃપા થઈ. હવે આપણે આપણા યોગમાં આવનારને સત્સંગ અને ભક્તિની વાતો કરવી જોઈએ. એક જીવને સત્સંગની વાત કરીએ તો સમગ્ર બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
(2:47 PM IST)










