તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
શહેર એસઓજીએ રાજકોટ અને રાજસ્થાનના ત્રણ શખ્સોને ૩૯ કિલો ગાંજા સાથે દબોચ્યા
કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ જય સોમનાથ સોસાયટીમાં ‘કટીંગ' વખતે જ દરોડો : રાજસ્થાન સાંચોરનો બાબુલાલ બિશ્નોઇ ૩.૯૫ લાખનો ગાંજો રાજકોટના વજેનાથ ગોસ્વામીને આપવા આવ્યો હતોઃ વજેનાથ પાસેથી નાના મવા રોડ ક્વાર્ટરનો છુટક સપ્લાયર આશુ કુશવાહા લેવા આવ્યો હતોઃ ત્રણેયને પકડી લેવાયાઃ અગાઉ ૧૦૦ કિલો ગાંજો પકડાયા પછી આ બીજો મોટો કેસઃ પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ એમ. જે. આહિર, એએસઆઇ ડી. બી. ખેરની ટીમની કાર્યવાહી : હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. વિરદેવસિંહ જાડેજાની સફળ બાતમી : વજેનાથનો એક ભાઇ માદક પદાર્થના કેસમાં જેલમાં છેઃ આશુને અગાઉ પણ એસઓજીએ ગાંજામાં પકડયો હતોઃ તે છુટક પડીકીઓ બનાવીને કરે છે વેંચાણ : પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની માદક પદાર્થની હેરાફેરી અટકાવવાની સુચના અંતર્ગત

રાજકોટ તા. ૨૮: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાછળ શિવધામ સોસાયટી પાછળ જય સોમનાથ સોસાયટી-૧માં રાજસ્થાનથી એક શખ્સ ગાંજાનો મોટો જથ્થો લઇને આવ્યો છે અને કટીંગ થઇ રહ્યું છે તેવી બાતમી પરથી દરોડો પાડી અહિ રહેતાં એક શખ્સ, રાજસ્થાન સાંચોરથી ગાંજો લઇને આવેલા શખ્સ અને નાના મવા રોડ ક્વાર્ટરમાં રહેતાં લોકલ સપ્લાયરને કટીંગ વખતે જ ઝડપી લઇ રૂા. ૩,૯૮,૪૦૦નો ૩૯.૫૪૦ કિલોગ્રામ ગાંજો કબ્જે લેવાયો છે. પોલીસે ગાંજો, મોબાઇલ ફોન, રોકડા મળી કુલ રૂા. ૪,૧૭,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે આજીડેમ પોલીસમાં ગુનો દાખલ કરાવાતાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ શહેરમાં માદક પદાર્થની હેરાફેરી થતી અટકાવવા અને સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશને વેગવંતી રાખવા સુચના મળી હોઇ તે અંતર્ગત એસઓજીની ટીમ આવા કેસ શોધવા પ્રયત્નશીલ હતી. એ દરમિયાન હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. વિરદેવસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ જય સોમનાથ સોસાયટી-૧માં જય મુરલીધર આદેશ નામના મકાનમાં રહેતાં વજેનાથ ભગવાનદાસ ગોસ્વામી નામના શખ્સના ઘરે રાજસ્થાનથી એક શખ્સ ગાંજો લઇને આવ્યો છે, તેમજ લોકલ સપ્લાયર પણ હાજર છે. આ ત્રણેય ગાંજાનું કટીંગ કરી રહ્યા છે.
આ બાતમી મળતાં જ પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ એમ. જે. આહિર, એએસઆઇ ડી. બી. ખેર, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ, કોન્સ. વિરદેવસિંહ, કોન્સ. ફિરોઝભાઇ રાઠોડ, ડ્રાઇવર હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતે દરોડો પાડયો હતો. પોલીસે ઘરમાં હાજર ત્રણેયને ઓળખ આપી નામ સરનામા પુછતાં ત્રણ શખ્સોએ પોતાના નામ વજેનાથ ભગવાનનાથ ગોસ્વામી (ઉ.વ.૨૪) હોવાનું અને પોતે આ જય મુરલીધર આદેશ મકાનમાં જ ભાડેથી રહેતો હોવાનું કબુલ્યું હતું. બીજા શખ્સે પોતાનું નામ બાબુલાલ ભારમલજી બિશ્નોઇ (ઉ.વ.૪૪-રહે. ઢાકે કી ઢાણી, જૈરાલ ગામ ખારા, તા. સાંચોર જાલોર રાજસ્થાન) જણાવ્યું હતું. ત્રીજા શખ્સે પોતાનું નામ આશુ શ્રીનારાયણ કુશવાહા (ઉ.વ.૩૫-રહે. બ્લોક નં. ૧૦/૧૬૪૯, આરએમસી ક્વાર્ટર, નાના મવા સર્કલ) કહ્યું હતુ.
ગાંજાની બાતમી હોઇ પોલીસે રૂમમાં તપાસ કરતાં પાંચેક બાચકા જોવા મળ્યા હતાં. જેના મોઢા ખુલ્લા હતાં. તેની અંદર વનસ્પતીજન્ય બીજ સહિતના ડાળખા, લીલા પાંદડાનો પદાર્થ હોઇ પીઆઇ કૈલાએ સુંઘી જોતાં અને પંચના માણસો પાસે ખરાઇ કરાવી એફએસએલ અધિકારી એફ.આઇ. કાદરી પાસે પરિક્ષણ કરાવતાં આ પદાર્થ ગાંજો હોવાનો પ્રાથમિક રિપોર્ટ આપ્યો હતો. આથી ઝડપાયેલા ત્રણેય વિરૂધ્ધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ એમ. જે. આહિરે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આ ગાંજાના જથ્થાનું વજન કરાવતાં તેનું વજન ૩૯ કિલો ૫૪૦ ગ્રામ થયો હતો. જેની કિમત રૂા. ૩,૯૪,૫૦૦ ગણી કબ્જે કરાયો હતો. તેમજ મોબાઇલ ફોન ત્રણ, રોકડા ૭૫૦૦ મળી રૂા. ૪,૧૭,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ જેના ઘરમાં દરોડો પાડવામાં આવ્યો તે વજેનાથ ગોસ્વામી કોઠારીયામાં ભાગીદારમાં મોબાઇલ પાર્ટસ, રિચાર્જની દૂકાન ધરાવે છે. તેનો એક ભાઇ માદક પદાર્થના ગુનામાં જેલમાં છે. જ્યારે બાબુલાલ બિશ્નોઇ રાજસ્થાથની વજેનાથને આ ગાંજો આપવા આવ્યો હતો. ત્રીજો આરોપી આશુ કુશવાહા એક દોઢ વર્ષ પહેલા પણ એસઓજીના હાથે માદક પદાર્થના કેસમાં પકડાયો હતો. તે વજેનાથ પાસેથી ગાંજો લઇ છુટક પડીકીઓ બનાવી સપ્લાય-વેંચાણ કરવાનું કામ કરે છે. આ ત્રણેયની વિશેષ તપાસ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ કરવામાં આવશે. અગાઉ પણ રાજસ્થાની બાબુલાલ આ રીતે ગાંજાની ખેપ મારી ગયાની શક્યતા અંગે તપાસ કરવામાં આવશે.
પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ એમ. જે. આહિર, એએસઆઇ ડી. બી. ખેર, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. વિરદેવસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ સહિતે આ કામગીરી કરી છે. અગાઉ શહેરમાં સો કિલો ગાંજો પકડાયો હતો. તેના પછી સોૈથી વધુ ગાંજાનો આ બીજો કેસ ગણી શકાય.
(3:02 PM IST)










