તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
રાજકોટ અગ્નિકાંડમાં જીવ ગુમાવનારાને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજાઈ
ટીઆરપી ગેમની જગ્યા ખાતે કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા કેન્ડલ પ્રગટાવી અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ

રાજકોટ અગ્નિકાંડ સર્જાયાની ઘટનાને એક મહિનો પૂર્ણ થયો છે, કોંગ્રેસ પક્ષ તેમજ અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા વ્યક્તિઓના પરિવારજનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટીઆરપી ગેમની જગ્યા ખાતે કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા કેન્ડલ પ્રગટાવી અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે ટીઆરપી ગેમ ઝોન ખાતે અગ્નિકાંડમાં ભડથું થઈ ચૂકેલી આશા કાથડનો પરિવાર પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંતર્ગત હાજર હતો.
જ્યાં મૃતક આશાની બહેન સંતોષ કાથડે સરકાર પર પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, એક માસ થયો છે તેમ છતાં પરિવારજનોનું દુઃખ દૂર નથી થઇ રહ્યું. અમારા પરિવાર સાથે જે ઘટના બની તે અન્ય સાથે ન બને તેના માટે સરકાર નક્કર પગલાં લ્યે. અમારી એક જ માંગ છે કે, જે પણ જવાબદાર હોય તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવે.
ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને સફળતા મળી હતી. જે બાદ સાંજના સમયે જે જગ્યાએ અગ્નિકાંડ સર્જાયો હતો, ત્યાં મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મૃતકોના પરિવારજનો પણ જોડાયા હતા. જ્યાં મૃતકોના પરિવારજનો એ દિવસની ઘટનાને યાદ કરી ભાવુક થયા હતા.
(11:44 PM IST)










