તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
રાજકોટ જિલ્લામાં ધો. ૧ માં સૌથી વધુ ર૩પ૯ બાળકોનો પ્રવેશ રાજકોટ તાલુકામાં
કન્યા કેળવણીમાં જિલ્લાની વણથંભી વિકાસયાત્રા

રાજકોટ, તા. રપ : સમગ્ર રાજ્યમાં પાયાનું શિક્ષણ વધુ સુદૃઢ બને, શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવી શિક્ષિત ભાવિ પેઢીનું નિર્માણ કરી શકાય તેવા શુભ આશય સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળના વર્ષ-૨૦૦૩થી શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના યજ્ઞની ફલશ્રળતિ સ્વરૂપે આંગણવાડી, બાલવાટિકા અને પ્રાથમિક શાળામાં ધોરણ-૧ માં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ની ઉજવણી તા. ૨૬, ૨૭, અને ૨૮ જુનના રોજ થવાની છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બાળકનો વિદ્યારંભ એ તેના જીવનનો યાદગાર ઉત્સવ બને તે વિચાર સાથે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આજે પ્રવેશોત્સવ બાળકના ભવિષ્યના સર્વાગી વિકાસમા શાળાના અમૂલ્ય પ્રદાનના ઝાંખી બન્યું છે. ૨૦ વર્ષે કન્યા કેળવણીના યજ્ઞનું ગુજરાતને ઉત્કળષ્ટ પરિણામ મળ્યુ છે. આજે રાજ્ય કક્ષાએ સરેરાશ ૯૯% અને રાજકોટ જિલ્લામાં સરેરાશ ૧૦૦% કન્યાઓનું નામાંકન થાય છે. આજે ગુજરાતમાં તમામ ક્ષેત્રમાં દીકરીઓ નામના મેળવી રહી છે તે કન્યા કેળવણી મહોત્સવનું જ પરિણામ છે, તેમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી.
રાજકોટ જિલ્લા પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ સાથે માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા ૮૫૦ પ્રાથમિક શાળાઓ છે. જેતપુર અને ઉપલેટા નગર શિક્ષણ સમિતિ સંચાલીત ૨૧ પ્રાથમિક શાળાઓ છે. જેમાં ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પોતાના જ વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ મેળવીને તેજસ્વી શૈક્ષણિક કારકિર્દીનો પાયો મજબુત બનાવી રહ્યા છે.
પ્રવેશોત્સવના કારણે શાળાપ્રવેશ માટે બાળકોની સાથે વાલીઓ તેમજ નાગરિકોનો પણ ઉત્સાહ વધ્યો છે. ચાલુ વર્ષ ૨૦૨૪માં બાલવાટીકામાં કૂલ ૧૨૯૫૯ પ્રવેશપાત્ર બાળકો નોંધાયા છે. જેમાં ૬૬૬૮ જેટલા બાળકો અને ૬૨૯૧ જેટલી બાળકીઓનો સમાવેશ કરાયો છે. ચાલુ વર્ષ ૨૦૨૪માં રાજકોટ જિલ્લામાં ધોરણ-૧ માટે કૂલ ૩૫૯૧ પ્રવેશપાત્ર બાળકો નોંધાયા છે. જેમાં ૧૮૨૧ જેટલા બાળકો અને ૧૭૭૦ જેટલી બાળકીઓનો સમાવેશ કરાયો છે. ધોરણ-૧માં સૌથી વધારે ૨૩૫૯ એડમિશન રાજકોટ તાલુકામાં થનાર છે. જેમાં બાળકોની સંખ્યા માત્ર ૧૧૬૧ જેટલી છે જયારે બાળકીઓની સંખ્યા ૧૧૯૮ જેટલી છે. બાળકો કરતા બાળકીઓને સંખ્યા ૩૭ જેટલી વધારે છે, જે કન્યા કેળવણીનું જ્વલંત ઉદાહરણ છે.
(3:38 PM IST)










