તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
ગેમ ઝોન અગ્નિકાંડઃ ઠેબા અને ખેર રિમાન્ડ પરઃ સાગઠીયા ફરી કોર્ટહવાલેઃ એસીબી કબ્જો મેળવશે

રાજકોટ તા. ૨૪: શહેરના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં ૨૭ લોકોનો ભોગ લેવાયો હતો. આ મામલે નોંધાયેલા ગુનામાં રાજકોટ સિટની ટીમે અગાઉ બાર આરોપીઓની ધરપકડ કરી હતી. વધુ ત્રણની શનિવારે ધરપકડ થઇ હતી. જે પૈકી એક આરોપી જેલહવાલે થયેલ અને બે આરોપી ચીફ ફાયર ઓફિસર ઈલેશ વાલાભાઈ ખેર (ઉ.વ.૪પ, રહે. રાજ વાટીકા, આલાપ સેન્ચુરીની બાજુમાં, પુષ્કરધામ રોડ) અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબા (ઉ.વ.પ૪, રહે. ગીતાનગર શેરી નં.૭, ગોંડલ રોડ)ને ગઇકાલે રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતાં બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં. બીજી તરફ બોગસ મિનીટ્સ બૂકના ગુનામાં મનસુખ ડી. સાગઠીયાના રિમાન્ડ પુરા થતાં તેને આજે ફરી કોર્ટહવાલે કરવાની તજવીજ થઇ હતી. તેનો હવે એન્ટી કરપ્શનના ગુનામાં એસીબીની ટીમ કબ્જો મેળવી ધરપકડ કરશે.
શનિવારે પોલીસે ચીફ ફાયર ઓફિસર ઇલેશ વી. ખેર, ડે. ચીફ ફાયર ઓફિસર ભીખા જે. ઠેબાની અને ગેમ ઝોનમાં વેલ્ડીંગ કામનો કોન્ટ્રાકટ રાખનારા મહેશ અમૃતભાઇ રાઠોડ (ઉ.વ.૬૦-રહે. ભોજરાજપરા ગોડલ)ની ધરપકડ કરી હતી. જેમાં બી. જે. ઠેબા એસીબીના ગુનામાં જેલમાં હોઇ ત્યાંથી કબ્જો મેળવાયો હતો. આ ત્રણેયની તાલુકા પોલીસમાં નોંધાયેલા સાપરાધ મનુષ્યવધના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. ગઇકાલે કોન્ટ્રાકટર મહેશ રાઠોડ જેલહવાલે થયેલ અને ખેર તથા ઠેબાના અદાલતે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં.
રિમાન્ડના કારણોમાં એવી રજૂઆત કરી હતી કે આરોપીઓ તપાસમાં પુરતો સહકાર આપતા નથી. કોના દબાણથી કે આર્થિક લાભ મેળવી ટીઆરપી ગેમ ઝોનમાં ફાયર સેફટીના પુરા સાધનો છે કે કેમ તે બાબતે તપાસ કરી નથી તે અંગે, આરોપીઓ ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો વગેરે સાથે સંપર્કમાં હતા કે કેમ વગેરે મુદ્દે તપાસ કરવાની છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧પ આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે. જેમાંથી ૧ર આરોપીઓ જેલહવાલે થઈ ચુકયા છે.
અગ્નિકાંડ અંગે તાલુકા પોલીસમાં સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવાની કલમોનો ઉમેરો કર્યો હતો. આ ઉપરાંત બોગસ મિનિટસ બુક બનાવવા સંબધે સાગઠીયા વગેરે સામે બીજો ગુનો નોંધાયો હતો. જયારે ફાયર બ્રિગેડના બી. જે. ઠેબા ઉપરાંત ટીપીઓ મનસુખ ડી. સાગઠીયા સામે અપ્રમાણસર મિલ્કત અંગેના કુલ બે ગુના નોંધાયા છે. આ રીતે અગ્નિકાંડ સંબંધે અત્યાર સુધીમાં કુલ ચાર ગુના નોંધાયા છે. બોગસ મિનિટસ બુક બનાવવાના ગુનામાં સાગઠીયાના રિમાન્ડ આજે સોમવારે પુરા થયા હોઇ કોર્ટ હવાલે થયા બાદ એસીબીની ટીમ તેનો કબ્જો મેળવશે. પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની રાહબરીમાં ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયા અને ટીમ વધુ તપાસ કરે છે.
(3:39 PM IST)










