<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

૨૦ મંદિરોમાં ચોરીઓ કરનાર મયુર પકડાયોઃ સવારે ૯ થી ૧૧ વચ્ચે જ હાથફેરો કરતો હતો

લોન ચડી જતાં અને આર્થિક ભીંસ દૂર કરવા ફેબ્રુઆરીમાં પહેલીવાર મંદિરમાં ચોરી કરી પછી આદત પડી ગઇ હતી સીસીટીવી કેમેરામાં આવી ગયો હતો અને પોલીસ શોધતી હોવા છતાં ડર વગર ચોરીઓ ચાલુ રાખી હતીઃ પીઆઇ વી.આર. રાઠોડ, પીએસઆઇ એમ. જે. વરૂની ટીમને સફળતા

રાજકોટ તા. ૨૪: શહેરના કુવાડવા રોડ પોલીસ મથક હેઠળના ગામો, વિસ્તારોમાં છેલ્લા પાંચ મહિનાથી સતત મંદિરોમાં ચોરીના બનાવ બની રહ્યા હતાં. માત્ર મંદિરોમાં જ ચોરીઓ કરતાં તસ્કરને શોધી કાઢવા પોલીસ કામે લાગી હતી. અંતે કુવાડવા રોડ પોલીસને સફળતા મળી હતી અને ર૦થી વધુ મંદિરોમાં ચોરીઓ કરનારા મયુર શાંતિલાલ ગોંઢા (ઉ.વ.૩૩, રહે. ભગીરથ સોસાયટી-૪, સંત કબીર રોડ)ને ઝડપી લીધો હતો. દેણું થઇ જતાં અને પોતાના મોજશોખ પુરા કરવા આ શખ્સ સવારે ૯ થી ૧૧ વચ્ચે જ દર્શનાર્થીઓની આવ-જા બંધ થઇ ગઇ હોઇ ત્યારે જ ચોરીઓ કરતો હતો. સીસીટીવી કેમેરા હોય તો પણ બિન્દાસ્ત હાથફેરાો કરીને નીકળી જતો હતો.

મંદિરોમાંચોરીઓ કરતો તસ્કર અનેક મંદિરના સીસીટીવી ફૂટેજમાં આવી ગયો હતો. પોલીસ શોધતી હોવાનું જાણતો હોવા છતાં તે બિન્દાસ્ત બનીને મંદિરોમાં હાથફેરા કરતો હતો. અંતે એએસઆઇ મોહિતભાઇ કુંભારવાડીયા, હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા અને કોન્સ. જયદિપભાઇ ધોળકીયાની બાતમી પરથી આ તસ્કરને જામનગર રોડ બાયપાસ માલિયાસણ ચોકડી પાસેથી નાના મોટા ચાંદીના છતરો સાથે સકંજામાંલઇ આકરી પુછતાછ કરતાં કુવાડવા પોલીસ મથકના બેડી ગામ, નવાગામમાં થયેલી ત્રણ મંદિર ચોરી અને ઢાંઢણી ગામની મંદિર ચોરી કબુલી હતી.

તેની ધરપકડ કરી વધુ પુછતાછ કરવામાં આવતાં તેણે છેલ્લા પાંચ મહિનાની અંદર માર્કેટ યાર્ડ પાસે ખાડાવાળા મેલડી માતાના મંદિરમાંથી છતર ચોરી, ત્રંબામાં સતીમાના મંદિરમાંથી, ઢાંઢણીમાં મોગલ માના મંદિરમાંથી, નવાગામમાં દિવેલીયા પરાના ખોડિયાર મંદિરમાંથી, સરધારમાં મોમાઇ માતાના મંદિરમાંથી, મોરબી રોડ પર મેલડી માતાના મંદિરમાંથી, બેડી ગામે મેલડી માતાના મંદિરમાંથી, ગોંડલ રોડ ટોલનાકા પાસે રવેચી માતા અને ગાત્રાળ માતાના મંદિરમાંથી, હરીપર પાળ ગામે મંંદિરમાંથી, પારડફ ગામે હનુમાનજી, શની મહારાજ અને મેલડી માતાના મંદિરમાંથી, પાળ ગામે જખરાપીરના મંદિરમાંથી, આજીડેમ કાંઠે મોગલ માતાના મંદિરમાંથી, બેડી ગામે મેલડી માતાના મંદિર અને નજીકના અન્ય એક સરધારીયા પરમારના માતાજીના મઢમાંથી ચોરી તેમજ સડક પીપળીયા ગામે સુરાપુરાના મંદિરમાંથી છતરની ચોરીઓ કર્યાનું કબુલ્યું હતું.

ઝડપાયેલા મયુર ગોંઢાએ કબુલ્યું હતું કે પોતે ઇમિટેશનનું કામ કરે છે. અગાઉ લગ્ન પ્રસંગોમાં વ્યવહાર કરવા લોન લીધી હોઇ તે ચડત થઇ ગઇ હોઇ અને હાલમાં પોતાને પણ આર્થિક ભીંસ રહેતી હોઇ પહેલી વખત ફેબ્રુઆરીમાં બેડી ગામે મંદિર પાસેથી નીકળ્યો ત્યારે કોઇ ન હોઇ છત્તર ચોરી લેવાનો વિચાર આવતાં પહેલીવાર ચોરી કરી હતી. એ પછી ટેવ પડી ગઇ હતી અને સવારે નવ થી અગિયાર વચ્ચે બાઇક લઇ જે તે મંદિરથી થોડે દૂર બાઇક રાખી ચાલીને દર્શનાર્થીનો સ્વાંગ રચી મંદિરમાં જઇ છત્તર ચોરી ભાગી જતો હતો.

પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની સુચના અનુસાર પીઆઇ વી.આર. રાઠોડ, પીએસઆઇ એમ. જે. વરૂ, એએઅસાઇ કે. વી. જાડેજા, મોહિતભાઇ કુંભારવાડીયા, હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, વિક્રમભાઇ ગરચર, ધર્મેન્દ્રસિંહ પરમાર, કોન્સ. જયદિપભાઇ ધોળકીયા, ધર્મરાજસિંહ રાણા, જયપાલસિંહ બરાળીયા, સંજયભાઇ મિયાત્રા, ભાવેશભાઇ મકવાણાએ આ કામગીરી કરી હતી.

(1:05 PM IST)