<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

લવજેહાદ?: રાજકોટની નર્સિંગની છાત્રાને અરશદ સેરસીયાએ ફસાવીઃ અમદાવાદ લઇ જઇ બળાત્કાર

યુવતિ અગાઉ મોરબી પંથકમાં કામ કરતી હતી ત્યારે પરીચય થતાં લગ્નની બાહેંધરી આપી પણ લગ્ન બીજી યુવતિ સાથે કરી લીધાઃ આથી છાત્રાએ ફોન કરવાની ના પાડતાં ભાઇને ઉપાડી જવાની અને પરિવારને હેરાન પરેશાન કરવાની ધમકી આપી ગાળો ભાંડી :૨૧મીએ ગૂમ થયેલી યુવતિ અમદાવાદથી મળતાં યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવાઇઃ યુવતિ સાથે રાતે શરીર સંબંધ બાંધ્યા બાદ ઠંડુપીણુ પીવડાવતાં ઉંઘ આવી ગઇઃ સવારે એક જગ્યાએ લઇ જઇ નોટરી પણ કરાવડાવ્યું: પરણેલા વિધર્મી શખ્સ અરશદને શોધવા પોલીસની દોડધામ : પોતાના પરિવારને હેરાનગતિ ન થાય એવું વિચારી યુવતિ ઘરેથી નીકળી જતાં અરશદ અમદાવાદ લઇ ગયો'તો

રાજકોટ તા. ૨૪: શહેરમાં રહેતી અને નર્સિંગનો અભ્યાસ કરતી એક યુવતિ અગાઉ મોરબી પંથકની હોસ્પિટલમાં કામ કરતી હતી ત્યારે સાથે  કામ કરતાં વાંકાનેરના કાનપર ગામના મુસ્લિમ શખ્સે પરિચય કેળવી પોતે કુંવારો છે અને લગ્ન કરવા ઇચ્છે છે તેવી બાહેંધરી આપી બાદમાં બીજે લગ્ન કરી લીધા પછી પણ આ યુવતિ સાથે ધરાર સંપર્ક રાખવા દબાણ કરી જો ફોન નહિ કરે તો તારા ભાઇને ઉપાડી લઇશ, પરિવારને હેરાન કરીશ તેવી ધમકી આપી  અમદાવાદમાં નોકરી અપાવી દેવાની વાત કરી ધમકી દઇ અમદાવાદ લઇ જઇ ત્યાં શરીર સંબંધ બાંધી લેતાં પોલીસે બળાત્કાર, ધમકીનો ગુનો નોંધ્યો છે.

લવજેહાદ જેવા આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર યુવતિ કે જે નર્સિંગનો અભ્યાસ કરે છે તેની ફરિયાદ પરથી વાંકાનેરના કાનપર ગામે રહેતાં અરશદ ઇલ્યાસભાઇ સેરસીયા નામના શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૩૭૬, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ભોગ બનનાર યુવતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું તા. ૨૧-૬ના રોજ ઘરે કોઇને કહ્યા વગર નીકળી ગઇ હતી. જેથી મારા પિતાએ પોલીસમાં ગૂમ થયાની જાણ કરી હતી. દસેક મહિના પહેલા હું મોરબી  પંથકની એક હોસ્પિટલમાં કામ કરતી હતી ત્યારે કાનપરનો અરશદ સેરસીયા પણ સાથે કામ કરતો હોઇ ઓળખાણ થઇ હતી. એ પછી અમે એક બીજાના ફોન નંબર લીધા હતાં અને વાતચીત ચાલુ કરી હતી. અરશદે મને કહેલુ કે હું કુંવારો છું અને તારી સાથે જ લગ્ન કરીશ તેવી બાહેંધરી આપી હતી. અગાઉ તેણે શરીર સંબંધ બાંધ્યો નહોતો. બાદમાં અરશદના બીજે લગ્ન થઇ જતાં તેની મને જાણ થતાં મેં અરશદને હવે મને ફોન નહિ કરવા જણાવ્યું હતું.

આમ છતાં તે અવાર-નવાર મને ફોન કરીને કહેતો હતો કે તું મારી સાથે વાત નહિ કર તો હું તારા પરિવારને હેરાન કરીશ અને તારા ભાઇને ઉપાડી લઇશ તેવી ધમકી આપતો હતો. તેમજ મારા પરિવારને જેમતેમ બોલી ગાળો દેતો હતો. ૨૧-૬ના રોજ હું ઘરે હતી ત્યારે અશરદે ફોન કરી કહેલું કે તું મારી સાથે અમદાવાદ આવી જા, આપે ત્યાં નોકરી કરીશું અને સાથે રહીશું, તને અમદાવાદમાં સારી એવી નોકરી પણ મળી જશે. પરંતુ મેં અરશદને ના પાડી હતી. જેથી તેણે ધમકી આપી હતી કે તું અમદાવાદ નહિ આવ તો હું તારા પરિવારને જીવવા નહિ દઉં. આથી હું ડર ગઇ હતી. ત્યાં ફરીથી અરશદનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હું માધાપર ચોકડીએ છું, તું અહિ આવી જા. તે મારા પરિવારને હેરાન ન કરે એ માટે થઇને હુ  બીકને કારણે ઘરે કોઇને કહ્યા વગર નીકળી ગઇ હતી અને માધાપર ચોકડીએ પહોંચી હતી.

અહિ અરશદ ઉભો હોઇ અમે બંને ત્યાંથી રિક્ષામાં બેસી ગ્રીનલેન્ડ ચોકડીએ ગયા હતાં. તયાંથી અમદાવાદ જઇ રહેલા ખાનગી વાહનમાં બેસી અમદાવાદ ગયા હતાં. ત્યાં અરશદ મને તેના રૂમ ખાતે લઇ ગયો હતો. રૂમ ત્યાંના કયા વિસ્તારમાં છે તેની મને ખબર નથી. ત્યારબાદ સાંજના સાતેક વાગ્યે મેં મારા ફોનમાંથી મારા પિતાજીને ઓડિયો રેકોર્ડિંગ મોકલ્યું હતું કે હું મારી રીતે જતી રહુ છું, તમે ટેનશન ન લેતાં, હું પછી ફોન કરીશ.

ત્યારબાદ અરશદ સેરસીયાએ તેના અમદાવાદ ખાતેના એપાર્ટમેન્ટના રૂમમાં રાતે  મારી સાથે મરજી વિરૂધ્ધ એક વખત શરીર સંબંધ બાંધી લીધો હતો. થોડીવાર બાદ અશરકદ મારા માટે કોલ્ડ્રીંકસ લાવ્યો હતો. જે પીધા બાદ મને ઉંઘ આવી ગઇ હતી. બીજા દિવસે સવારે અરશદે કહેલું કે આપણે નોટરી પાસે લખાણ કરાવવા જવાનું છે. જેથી હું તેની સાથે લખાણ કરાવવા ગઇ હતી. તે અમદાવાદમાં મને કઇ જગ્યાએ આ લખાણ કરાવવા લઇ ગયો હતો તેની ખબર નથી. અમે બંને અમારા ડોકયુમેન્ટ આપીને ત્યાંથી નીકળી ગયા હતાં અને રૂમ પર ગયા હતાં. ત્યાં મારા માતા-પિતા-સગા સંબંધીઓ આવી ગયા હતાં. ત્યાંથી અમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને આવ્યા હતાં.

અરશદે મને લગ્નની લાલચ આપી હતી અને બાદમાં બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા હતાં. આ પછી પણ પોતાની સાથે સંપર્ક ચાલુ રાખવા માંગતો હોઇ મેં ના પાડતાં મારા પરિવારને હેરાન કરવાની ધમકી આપી મને અમદાવાદ સાથે લઇ જઇ મારી મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી લીધો હતો. તેમ વધુમાં ભોગ બનનાર યુવતિને જણાવતાંં ઇનચાર્જ પીઆઇ એમ. જે. કૈલા, રાઇટર લક્ષમણભાઇ મકવાણા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:42 PM IST)