તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
શાળાઓમાં ફાયર સાધનોની ખરીદી માટે ટેન્ડર વિના જ સ્ટેન્ડિંગમાં દરખાસ્તઃ ‘લોચો' સામે આવતા હવે શોર્ટ ટેન્ડરની સુચના
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની : આ દરખાસ્ત જરૂરી હતી એટલે મંજુર કરીઃ જયમીન ઠાકર

રાજકોટ,તા. ૨૦: મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા માટે તાજેતરની સ્ટેન્ડિગ કમિટી બેઠકમાં મંજુર થયેલ દરખાસ્ત અંગે શિક્ષણ સમિતિની શાળાઓ અને કચેરીમાં ૫૪ લાખના ફાયર સાધનોના ભાવ ટેન્ડર વિના મંગાવવાનો લોચો સામે આવતા સ્ટે. ચેરમેન જયમીન ઠાકર દ્વારા શોર્ટ ટેન્ડર પ્રસિધ્ધ કરવા સુચના આપવામાં આવી છે.
લોકસભા સામાન્ય ચુંટણી અન્વયેની આદર્શ આચાર સંહિતા પુર્ણ થયા બાદ તા.૧૮ના રોજ યોજાયેલ સ્ટેન્ડીંગ કમિટીની એક બેઠક યોજવામાં આવેલ હતી.
આ બેઠકના એજન્ડા મુજબ કુલ ૬૮ આઇટમો રજુ થયેલ હતી. જે પૈકી શાસનાધિકારીશ્રીની માંગણીના અનુસંધાને ᅠકમિશનર વિભાગ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પત્ર નં.૩૮ થી એક દરખાસ્ત રજુ થયેલ હતી. જેમા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની કુલ ૨૬ શાળાઓ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી એમ કુલ મળી ૨૭ બિલ્ડીંગોમા ફાયર સેફટી સિસ્ટમ ઇંસ્ટોલ કરવા બાબતે શાસનાધિકારીશ્રી દ્વારા માગણી કરવામા આવેલ હતી, જેમા કુલ ૩ અલગ અલગ પેઢીઓના ભાવ મંગાવીᅠફાયર સિસ્ટમ ઇંસ્ટોલેશનનુ રૂ.૪૫,૦૯,૭૮૩ᅠખર્ચ માટે ગ્રાંટ ફાળવવા તથા ફાયરᅠNOCᅠરિન્યુ જરૂરી રિપેરીંગ માટેનુ ખર્ચ રૂ.૯ લાખ આસપાસ એમ કુલ મળીને રૂ.૫૪,૦૯,૭૮૩ખર્ચની રકમ ફાળવવા માંગણી કરેલ હતી.
આવેલ દરખાસ્ત બાબતે ઝીણવટપૂર્વક અભ્યાસ કરતા આ કામે શિક્ષણ સમિતિ દ્વારા નિયત ટેન્ડર પ્રક્રિયા કરેલ ન હોવાનુ જણાતા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રીએ આ કામ માટે નિયત ટેન્ડર પ્રક્રિયાને અનુસરવા તેમજ તાત્કાલિક ધોરણે શોર્ટ ટેન્ડર નોટીસ પ્રસિધ્ધ કરી આગળની તમામ કાર્યવાહી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સત્વરે હાથ ધરવા જરૂરી સુચનાઓ આપેલ છે.
(4:53 PM IST)










