તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
પોલીસથી બચવા લવરમુછીયાએ બેફામ સ્કોર્પિયો હંકારીઃ ચુડાસમા પ્લોટમાં સાતેક વાહનોને ઉલાળ્યા
ડો. યાજ્ઞિક રોડ પર પોલીસે અટકાવતાં સ્કોર્પિયો ભગાવીઃ આમ્રપાલી ઓવર બ્રીજ નજીક ચુડાસમા પ્લોટમાં પહોંચતા અકસ્માત સર્જયોઃ ટાયર પણ ફાટી ગયું: સદ્દનસિબે કોઇને ઇજા ન થઇઃ ચાલકને ગાંધીગ્રામ પોલીસે સકંજામાં લીધો

તસ્વીરમાં અકસ્માત સર્જનાર સ્કોર્પિયો કાર તથા તેની ઠોકરે ચડેલી અન્ય કાર અને બે ટુવ્હીલર જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧૯: શહેરના આમ્રપાલી ફાટક નજીક ચુડાસમા પ્લોટમાં એક સ્કોર્પિયો કાર બેકાબૂ બની જતાં લોકોમાં નાશભાગ મચી ગઇ હતી. આ સ્કોર્પિર્યોની ઠોકરે એક કાર સહિત ત્રણ વાહનો ચડી જતાં તેમાં નુકસાની થઇ હતી. સ્કોર્પિયોનો ચાલક ભાગે એ પહેલા પોલીસે સકંજામાં લીધો હતો. ભોમેશ્વર તરફ રહેતાં આ લવરમુછીયાને ડો. યાજ્ઞિક રોડ પરથી તે પસાર થયો ત્યારે પોલીસે હાથ ઉંચો કરી અટકાવવા પ્રયાસ કરતાં તેણે સ્કોર્પિયો ભગાવી મુકી હતી. એ પછી આમ્રપાલી અન્ડર બ્રિજ નજીક ચુડાસમા પ્લોટમાં તે પહોંચ્યો ત્યારે કાબુ ગુમાવતાં ત્રણેક કાર સહિત સાતેક વાહનોને ઉલાળી દીધા હતાં. એ દરમિયાન સ્કોર્પિયોનું ટાયર ફાટી જતાં ઉભી રહી ગઇ હતી. સદ્દનસિબે કોઇને ઇજા થઇ નહોતી.
જાણવા મળ્યા મુજબ ચુડાસમા પ્લોટમાં બપોરે જીજે૦૩કેસી-૪૮૦૦ નંબરની એક સ્કોર્પિયો બંબાટ ઝડપી જઇ રહી હતી ત્યારે એકાએક કાબૂ ગુમાવતાં એક ઘર નજીક પાર્ક કરાયેલી કાર જીજે૦૧આરજે-૧૩૫૪ સાથે અથડાઇ હતી. તેમજ બાદમાં બીજા બે ટુવ્હીલરને પણ ઠોકરે ચડાવ્યા હતાં અને ઉભી રહી ગઇ હતી. સાતેક વાહનો ઠોકરે ચડી જતાં અવાજ થતાં લોકો ભેગા થઇ ગયા હતાં. સ્કોર્પિયોમાંથી એક લવરમુછીયો છોકરો ઉતર્યો હતો. તે ભાગે એ પહેલા લોકો ભેગા થઇ ગયા હતાં. પોલીસ પણ પાછળ જ હતી. આ લવરમુછીયાને પકડી લેવાયો હતો.
ચાલક સગીર વયનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલતાં પોલીસને તેના વાલીઓને જાણ કરી આધાર પુરાવા મંગાવવા અને કાર્યવાહી કરવા તજવીજ કરી હતી. પોલીસથી બચવા આ લવરમુછીયો બેફામ સ્પીડે સ્કોર્પિયો ભગાવી રહ્યો હતો તે વખતે પાછલુ ટાયર ફાટી ગયું હતું અને ઉભેલા વાહનોને ઠોકરે ચડાવી દીધા હતાં. સદ્દનસિબે અકસ્માતમાં કોઇને ઇજા થઇ નહોતી.
(4:06 PM IST)










