તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
મોરબીમાં ગરીબોની ભૂખ ભાંગવા સદાય સેવારત રહેતા અલ્પાબેન કક્કડ
અલ્પાબેન ખુદ ભાડાના મકાનમાં રહે છે અને સેવાકાર્ય કરે છે : જયારે પતિ અજયભાઇ સિંગ-દાળિયા-ચાની ભૂકી વેંચે છે : છેલ્લા ૬ વર્ષથી ‘માતૃશ્રી વિરબાઇમાં માનવ સેવા તથા ગૌ સેવા' થકી કોઇપણ પ્રસંગ નીમિતે વધેલું ભોજન એકત્રીત કરી ઝુંપડપટ્ટીમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને જમાડે છે : સ્કૂટર પર જમવાનું લઇ જઇ અને ગરીબ લોકોને પહોંચાડે છે : ઘણીવાર જમવાનું રસ્તામાં ઢોળાય જાય અથવા ખુટે તો બે-ત્રણ વાર સ્કૂટર પર ધક્કા ખાઇ ભોજન લઇ આવી ગરીબોની જઠરાગ્નિ ઠારવાનું ચૂકતા નથી : અલ્પાબેને ગરીબ લોકોને જમાડવાની શરૂઆત તેમની પાસે રહેલા રેશનકાર્ડના ચોખાથી કરેલી : એ પછી ક્યારેય આ સેવાની સરવાણી રોકાઇ નથી : મોરબીની સિવિલ હોસ્પીટલમાં પણ અલ્પાબેન કક્કડ છેલ્લા ૪ મહિનાથી દરરોજ સાંજે પોતાના હાથે કઢી-ખીચડી બનાવી લોકોને જમાડે છે : માતૃશ્રી વિરબાઇમાં માનવસેવા તથા ગૌ સેવાનું કોઇ ટ્રસ્ટ નથી : લોકો પાસેથી કોઇ ફાળો ઉઘરાવવામાં આવતો નથી : દાતાઓના સહયોગથી સેવાકાર્યો થાય છે

અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે અલ્પાબેન કક્કડ અને ક્રિષ્નાબેન કક્કડ તસવીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરિયા)
જયારે આપણને અન્યની મદદ કરવાની તક મળે છે તે સમયે આપને સમર્થ હોય કે અસમર્થ, સેવા જરૂર કરવી જોઇએ. આ કામ ભગવાનની પૂજા જેવું છે. એવા બહુ જુજ લોકો છે જેને ખુદને જરૂરિયાત મંદ છે છતાં તે અન્ય ગરીબ પરિવારની તેમજ અબોલ પશુ-પંખીઓની કોઇપણ દેખાડા વિના સેવા કરવાનું કદી ચૂકતા નથી. મોરબી શહેરના અલ્પાબેન કક્કડ પણ નિસ્વાર્થ ભાવે ગરીબો માટે અનોખો અન્નદાન સેવા યજ્ઞ ચલાવે છે. મોરબીમાં ‘માતૃશ્રી વિરબાઇમાં માનવ સેવા તથા ગૌ સેવા'ના અજોડ કાર્યો થકી છેલ્લા ૬ વર્ષથી તેઓ ગરીબ લોકોના જઠરાગ્નિ ઠારવાનું પુણ્યનું કામ કરે છે.
અકિલા કાર્યાલય ખાતે આવેલ અલ્પાબેન કક્કડે જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૬ વર્ષથી કોઇપણ પ્રસંગ નીમિતે વધેલું ભોજન એકત્રીત કરી ઝુંપડ પટ્ટીમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને જમાડીએ છીએ. જોકે આ સેવા કાર્યનો વિચારનો જન્મ કંઇક અલગ રીતેજ થયો હતો. અલ્પાબેન કહે છે, મને અબોલ પશુઓ પ્રત્યે ખુબ પ્રેમ-લાગણી છે. એના માટે હું મારા મોરબીના શ્રધ્ધાપાર્ક વિસ્તારમાં જયાં રહું છુ ત્યાં દરરોજ સવારે ૧૦ થી ૧૧ ઘરે ઘરે અબોલ જીવો માટે રોટલા લેવા જતી હતી કારણ કોઇ પાસે સમય હોતો નથી. એ પછી ધીમે ધીમે તેઓ જુના કપડા આપવા લાગ્યા તે લઇ હું ઝુંપડપટ્ટીમાં વિતરણ કરવા જતી. એ વખતે એ ગરીબ લોકો જમવાનું મળી જાય તેવી અપેક્ષા રાખતા. અલ્પાબેન કહે છે, મારી પરિસ્થિતિ એવી નથી કે હું આવા લોકોને દરરોજ ભોજન આપી શકું. હું ખુદ ભાડાના મકાનમાં રહું છુ અને માત્ર સેવાકાર્ય જ કરું છુ. મારા પતિ અજયભાઇ પણ સિંગ-દાળિયા-ચાની ભૂકી વેંચે છે.
અલ્પાબેન કક્કડને વિચાર આવ્યો કે, મોરબીમાં કોઇપણ જગ્યાએ પ્રસંગો હોય તે પૂર્ણ થયા પછી જે ભોજન વધે તે લઇ આવી ઝુંપડ પટ્ટીમાં રહેતા ગરીબોને જમાડી તેના જઠરાગ્નિ ઠારવા. જેથી અન્નનો પણ બગાડ ન થાય અને તે લોકોને સારૂં ભોજન પણ મળી રહે. આ સેવા યજ્ઞમાં તેઓ મોરબીમાં નવલખી રોડ પર પરશુરામ મંદિર પાસે, મયૂર પુલ નીચે, કંડલા બાયપાસ પર આવેલ ઝૂંપડામાં રહેતા ૫૦ થી વધુ ગરીબ પરિવારોને નિયમીત રીતે જમાડે છે. ગમે તે ઋતુ હોય અલ્પાબેન કક્કડ નો આ નિત્ય ક્રમ ક્યારેય તૂટ્યો નથી. તેઓ પાસે ટુ-વ્હીલર છે તેમાં જમવાનું લઇ જઇ અને ગરીબ લોકોને પહોંચાડે છે. ઘણીવાર જમવાનું રસ્તામાં ઢોળાય જાય અથવા ખુટે તો બે-ત્રણ વાર સ્કૂટર પર ધક્કા ખાઇ ભોજન લઇ આવી ગરીબ લોકોને પેટ પૂજા કરાવવાનું તેઓ ચૂકતા નથી. એટલું જ નહીં લોકોની સાથે તેઓ અબોલ જીવોનું પણ ધ્યાન રાખે છે. પ્રસંગોમાં ડીશમાં જે બાકી રહે તે અન્ન ભેગું કરી પશુઓને ખવડાવવાનું પણ ચૂકતા નથી.
મોરબીની સિવિલ હોસ્પીટલમાં પણ અલ્પાબેન કક્કડ છેલ્લ ૪ મહિનાથી દરરોજ સાંજે પોતાના હાથે કઢી-ખીચડી બનાવી લોકોને જમાડે છે. અને છેલ્લા ૨૦ દિવસથી ગરમીમાં બપોરે ઠંડી છાસ પણ પીવડાવે છે. સ્વાભાવિક છે કે, આ અવિરત વહેતા સેવાકાર્યમાં ચોખા, દાળ બધુ દાતાઓ દરરોજ પુરૂ પાડે છે. ઉલ્લેખનીય છે કે, માતૃશ્રી વિરબાઇમાં માનવસેવા તથા ગૌ સેવાનું કોઇ ટ્રસ્ટ નથી. લોકો પાસેથી કોઇ ફાળો ઉઘરાવવામાં આવતો નથી. આ કોઇ ગ્રૂપ નથી માત્ર સેવાકિય ઉદ્દેશ સાથે શરૂ કરેલ એક સેવા યજ્ઞ છે. કોઇનો જન્મદિવસ હોય, તિથિ હોય કે લગ્ન દિવસ હોય તો દાતાઓ સહયોગ આપે અને અમે લોકોને જમાડી દઇએ છીએ.
અલ્પાબેનનું સેવા કાર્ય અટલેથી અટકતું નથી. તેઓ જુના કપડા, બુટ-ચપ્પલ, પુસ્તકો, કોઇને ન જોઇતી વસ્તુઓ ઘરે ઘરે જઇ એકત્રીત કરી જરૂરિયાતવાળા લોકો ને પહોંચાડવાનું કામ કરે છે. અલ્પાબેન કહે છે, વિરપુરમાં ક્યારેય બાપાના નામે રૂપિયો લીધો નથી તેથી અમે પણ વિરબાઇના નામે રૂપિયો લીધા વિના સત્તકાર્ય કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે, અલ્પાબેને ગરીબ લોકોને જમાડવાની શરૂઆત તેમની પાસે રહેલા રેશનકાર્ડના ચોખાથી કરેલી. બીજા દિવસે શું કરીશું? એ પ્રશ્ન હતો પણ એ પછી ક્યારેય આ સેવાની સરવાણી રોકાઇ નથી.
સમયાંતરે વિવિધ તહેવારોમાં દાતાઓ ફટાકડા કે ચીકીનું વિતરણ કરવા ઇચ્છે તો અલ્પાબેન વિતરણ કરી આપે છે. અલ્પાબેનના પતિ અજયભાઇ પણ આ સેવાકાર્યમાં પુરતો સહયોગ આપે છે અને જો અલ્પાબેન રડી પડે તો આશ્વાસન પણ આપે છે. અલ્પાબેનના દીકરી ક્રિષ્નાબેન કંપનીના એક શો રૂમમાં સેલ્સનું કામ કરે છે. જયારે દીકરો સ્મિત પણ મોબાઇલના શોરૂમમાં નોકરી કરે છે. અલ્પાબેન પહેલેથી જીવદયા પ્રેમી છે. અબોલ પશુઓ પર અત્યાચાર થાય તે જોઇ નથી શકતા. લંપીવાયરસ ફેલાયો ત્યારે એક વાછરડીને જન્મ આપી ગાયમાતા મૃત્યુ પામી. એ વાછરડી અત્યારે દોઢ-બે વર્ષની છે અને મોરબીમાં હોવાથી અલ્પનબેને તેનું નામ મચ્છુ રાખ્યું છે. કોરોના જેવા કપરાકાળમાં પણ અલ્પાબેને તેનું આ સેવાકાર્ય સતત ચાલું રાખ્યું હતું. ઘરે ઘરે જતા તો લોકો કહેતા ચેપ લાગશે તો મરી જશો. અમને જોઇ મોઢે માસ્ક બાંધી લેતા. જોકે માસ્ક કે સેનેટાઇઝરનો ઉપયોગ અમે કર્યો નથી છતાં કોરોના અમને થયો નથી. અલ્પાબેન કહે છે, મોરબી મારી જન્મભૂમિ છે અને જો દાતાઓનો સહયોગ મળી રહે તો સેવાની કર્મભૂમિ કાયમ બની રહે તેવી અપેક્ષા અને ઇચ્છા છે. અકિલા કાર્યાલય ખાતે અલ્પાબેન કક્કડ, અજયભાઇ કક્કડ, ક્રિષ્નાબેન કક્કડ, પદુભા કે. ઝાલા તેમના પત્નિ, યશ મુકેશભાઇ બુધ્ધદેવ અને મુન્નાભાઇ (ગંગોત્રીપાન) ઉપસ્થિત રહ્યા હતા.
મારે ૨૪ કલાકનું અન્નક્ષેત્ર શરૂ
કરવું છે : અલ્પાબેન કક્કડ
મોરબીમાં નિયમીત રીતે ગરીબોને જમાડતા અલ્પાબેન કક્કડની ઇચ્છા અન્નક્ષેત્ર શરૂ કરવાની છે. તેઓ કહે છે, પ્રસંગોમાં વધેલું ભોજનનો બગાડ ન થાય અને ભૂખ્યા લોકોના પેટ સુધી પહોંચે તેવું પરમાર્થનું છેલ્લા ૬ વર્ષથી સેવાકાર્ય કરતા અલ્પાબેન કક્કડ ગૃહિણી છે. તેમની પરિસ્થિતિ પણ સાધારણ છે છતાં ગરીબોની સેવા કરવાનો તેમણે દ્રઢ નિર્ધાર કર્યો છે. તેઓ કહે છે, અત્યારે તો મોરબીમાં જયાં કોઇ પણ પ્રસંગ હોય ત્યાં જઇ વધેલું ભોજન અમે લઇ આવી ગરીબ લોકોને આપીએ છીએ પણ ભવિષ્યમાં મારી ઇચ્છા જો જગ્યાની વ્યવસ્થા થાય તો વિરબાઇમાંનું એક નાનું મંદિર બનાવી ત્યાં ગરીબો માટે ૨૪ કલાકનું અન્નક્ષેત્ર શરૂ કરવું છે. જેથી વધુ લોકોના જઠરાગ્નિ ઠારી શકાય. ગરીબો જમતા હોય છે ભૂખ્યા નથી રહેતા પણ તેને સારૂ અને મિષ્ટાન જમવાનું મળી રહે તે આશય છે.
લોહીની જરૂરિયાત હોય તેને માટે સદાય તત્પર રહે છે
અલ્પાબેન કક્કડ મોરબી સિવિલ હોસ્પીટલમાં છેલ્લા ૪ મહિનાથી કઢી-ખીચડી બનાવી દરરોજ સાંજે લોકોને જમાડે છે ત્યારે જો કોઇને લોહીની જરૂર પડે તો પણ તેને મદદ કરે છે. એક કિસ્સો યાદ કરતા અલ્પાબેને જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા એક દેવીપૂજકના દિકરાનો અકસ્માત થયો હતો.
ઇમરજન્સીમાં ઓ પોઝીટીવ બ્લડની જરૂર હતી. એટલે તેને માટે લોહીની તાબડતોપ વ્યસ્થતા કરી હતી. અલ્પાબેન સંસ્કાર બ્લડ બેન્ક અને મોરબી સિવિલ હોસ્પીટલમાં જરૂરિયાતવાળા લોકોને બ્લડ માટેની વ્યવસ્થા કરવામાં પણ સદાય તત્પર રહે છે.
: સંપર્ક :
અલ્પાબેન કક્કડ
(મોરબી)
૯૦૨૩૧૦૪૪૪૬ /૭૪૩૩૮૨૮૫૫૫
(11:27 AM IST)










