<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

ઉછીના આપેલા ૮ લાખ પાછા લેવા ગયેલા વિપુલ કયાડાને ક્રુરતાથી પતાવી દઇ લાશ સળગાવી નાંખીઃ ત્રણ સકંજામાં

કોઠારીયા સ્‍વાતિ પાર્કના કાચા રસ્‍તે ખુલ્લા પટમાંથી સાંજે મળેલી લાશનો આજીડેમ પોલીસ-ક્રાઇમ બ્રાંચે કલાકોમાં ભેદ ઉકેલ્‍યો : હત્‍યાનો ભોગ બનનાર વિપુલ બે બહેનનો એક જ ભાઇ અને માતા-પિતાનો આધાર સ્‍તંભ હતો : ૧૪ વર્ષના પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી : ભગીરથ સોસાયટીનો ૩૬ વર્ષિય વિપુલ આજી વસાહતમાં કારખાનામાં કામ કરતો હતોઃ તેના લેણા નીકળતાં નાણા લઇ જવાના બહાને બોલાવાતાં મંગળવારે બપોરે વિપુલ ઘરે કોઇને જાણ કર્યા વગર નીકળી ગયા બાદ ગૂમ હતોઃ શોધખોળ કરી રહેલા પરિવારજનોને આજે લાશ મળતાં શોકની કાલીમા : વિરમ ભરવાડ, એક સગીર અને એક ભૈયાને ક્રાઇમ બ્રાંચ-આજીડેમ પોલીસે સકંજામાં લીધાઃ રૂપિયા લઇ જવાનો ફોન કરી બોલાવાયા બાદ રાત સુધી અલગ અલગ સ્‍થળે ફેરવ્‍યોઃ પછી ઘટના સ્‍થળે લઇ જઇ વાયરથી ફાંસો ખાઇ માથામાં ઘા ફટકારી ઢાળી દેવાયો'તો : રાતે હત્‍યા બાદ ફિંગર આવી જશે એવી બીકે વહેલી સવારે હત્‍યારા લાશ સળગાવવા ગયા'તા

રાજકોટ તા. ૭: શહેરમાં બાર કલાકમાં હત્‍યાની બબ્‍બે ઘટનાઓ જાહેર થઇ છે. ગાંધીગ્રામમાં એક યુવાનને તેના જ મિત્રએ છરી ભોંકી પતાવી દીધો છે. તો બીજી તરફ  કોઠારીયા વિસ્‍તારમાં આવેલા સાંઈબાબા  સર્કલથી સ્‍વાતિ પાર્ક જવાના રસ્‍તા પર અવાવરૂ જગ્‍યાએથી ગત સાંજે એક યુવાનની હત્‍યા કરી સળગાવી દેવામાં આવેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમો કામે લાગી હતી. કલાકોમાં પોલીસે ભેદ ઉકેલી હત્‍યારાઓને પણ સકંજામાં લઇ લીધા છે. સામા કાંઠે રહેતાં પટેલ પરિવારના ૩૬ વર્ષના યુવાને પરિચીત મિત્ર એવા ભરવાડ શખ્‍સને ઉછીના ૮ લાખ આપ્‍યા હોઇ તે પાછા લેવાના હોઇ આ રકમ આપવા નહિ ઇચ્‍છતા ભરવાડ શખ્‍સે કાવત્રુ ઘડી રકમ લઇ જવાના બહાને તેને બોલાવી અલગ અલગ સ્‍થળે ફેરવ્‍યા બાદ રાતે ઘટના સ્‍થળે લઇ જઇ બીજા બે જણાની મદદથી ક્રુરતાથી હત્‍યા કરી હતી.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ગત મોડી સાંજે કોઠારીયાના સ્‍વાતિ સોસાયટીની બાજુમાં જતાં કાચા રસ્‍તા પર ખુલ્લી જગ્‍યામાં અજાણ્‍યા પુરૂષની અર્ધ સળગેલી લાશ પડી હોવાની જાણ થતાં આજી ડેમ પીઆઇ અશોકસિંહ બી. જાડેજા તથા પીએસઆઇ પરમાર, હારૂનભાઇ ચાનીયા  સહિતની ડી. સ્‍ટાફની ટીમ તુરત જ ઘટના સ્‍થળે પહોંચી હતી. લાશ બનાવ હત્‍યાનો હોવાનું જણાતું હોઇ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. હુણ અને તેમની ટીમ પણ ઘટના સ્‍થળે પહોંચી હતી. આ પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચનો કાફલો દોડી ગયો હતો. આ બનાવમાં કોન્‍સ્‍ટેબલ મુન્‍નાભાઇ મેઘજીભાઇ ઢાપા (ઉ.વ.૩૦)ની ફરિાયદ પરથી અજાણ્‍યા શખ્‍સ અને તપાસમાં ખુલે તેના વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૨, ૨૦૧ મુજબ અજાણ્‍યા આશરે ૩૫ થી ૪૦વર્ષના યુવાનને કોઇપણ કારણોસર મારી નાખી તેની ઓળખાણ છત્તી ન થાય તે માટે લાશ સળગાવી નાખ્‍યાનો ગુનો નોંધ્‍યો હતો.

મોડી સાંજે પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં સ્‍વાતિ પાર્કના રસ્‍તે લાશ પડી હોવાની જાણ થયા બાદ આજી ડેમ પોલીસનો સ્‍ટાફ સ્‍થળ પર દોડી ગયો હતો. તે વખતે અજાણ્‍યા આશરે ૩૫ થી ૪૦ વર્ષના પુરૂષની મોઢાથી કમર સુધીના ભાગ સુધી આખી અને બાકીના ભાગ સુધી અડધી સળગેલી લાશ જોવા મળી હતી. બાજુમાં એક પ્‍લાસ્‍ટીકની બોટલ પણ મળી આવી હતી. જેના પરથી આ બોટલમાં જે કોઈ જવલનશીલ પ્રવાહી  પેટ્રોલ કે ડિઝલ લઈ આવી તે છાંટી લાશ સળગાવાયાના તારણ પર પોલીસ પહોંચી હતી.  હત્‍યા બાદ હત્‍યાનો ભોગ બનનારની  ઓળખ ન મળે તે માટે હત્‍યારાઓએ લાશ સળગાવ્‍યાનું પોલીસને જણાયું હતું. લાશ આસપાસથી બીજી કોઇ ચીજવસ્‍તુ મળી નહોતી.

વધુ માહિતી મુજબ મોઢાના ભાગે સીંદરી બાંધી અને બંને હાથ બાંધી મળતકની હત્‍યા કરાયાનું પણ જણાઇ આવ્‍યું હતું. હત્‍યાનો ભોગ બનનારે આખી બાંહનું કાળુ શર્ટ અને ભુખરા કલરનું જીન્‍સનું પેન્‍ટ પહેરેલું છે. આ કપડા પણ અડધા બળી ગયા છે. આજીડેમ પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ આ ઘટના સ્‍થળ તરફ આવતા જતા રસ્‍તા આસપાસના સીસીટીવી કેમેરાની મદદ લીધી હતી. મોડી રાતે ક્રાઇમ બ્રાંચની ટીમને મહત્‍વની કડી મળી હતી. હત્‍યાનો ભોગ બનનાર યુવાન સંત કબીર રોડ વિસ્‍તારનો પટેલ પરિવારનો યુવાન હોવાની ચર્ચા વહેતી થતાં તે તરફ તપાસના ચક્રો ગતિમાન કરાયા હતાં.

દરમિયાન વહેલી સવારે મૃતદેહની ઓળખ થઇ ગઇ હતી. હત્‍યાનો ભોગ બનનાર યુવાન વિપુલભાઇ વશરામભાઇ કયાડા (ઉ.વ.૩૬-રહે. ભગીરથ સોસાયટી-૩, સંત કબીર રોડ) હોવાનું સ્‍પષ્‍ટ થઇ ગયું હતું. પત્‍નિ નીતાબેન કયાડાએ મૃતદેહ ઓળખી બતાવ્‍યો હતો. હત્‍યાનો ભોગ બનનાર વિપુલભાઇ બે બહેનનો એકનો એક ભાઇ હતો અને બીજા નંબરે હતો. તે આજી  વસાહતમાં કામ કરતો હતો. સંતાનમાં ૧૪ વર્ષનો પુત્ર વિશ્વ છે. તેના પિતાનું નામ વશરામભાઇ બાવાભાઇ કયાડા અને માતાનું નામ મીનાબેન વશરામભાઇ કયાડા છે. આ પરિવાર મુળ કુવાડવાના રફાળાનો વતની છે. વર્ષોથી રાજકોટ રહે છે.

હત્‍યા કોણે અને શા માટે કરી? તેની તપાસનો ધમધમાટ થતાં પોલીસને એક પછી એક કડી મળતાં ગોંડલ રોડ ચોકડી તરફ રિક્ષા ચલાવતાં તેમજ હોટલ ધરાવતાં વિરમ ઇન્‍દુભાઇ વકાતર નામના ભરવાડ શખ્‍સને ઉઠાવી લીધો હતો. તેની ઉઠક બેઠક મૃતક વિપુલ કયાડા સાથે હોવાની અને બંને એક બીજાથી પરિચીત હોવાની તેમજ મિત્રતા હોવાની વિગતો પોલીસ સામે આવી હતી. વિરમ મંગળવાર બપોરથી બુધવાર રાત સુધીમાં ક્‍યાં હતો? તે સહિતની પુછતાછ થતાં તે પોલીસ સમક્ષ પોપટ બની ગયો હતો અને તેણે જ વિપુલને પતાવી દીધાની કબુલાત આપી હતી. તેની સાથે અન્‍ય એક સગીર અને એક ભૈયાજી હોવાનું પણ કબુલ્‍યું હતું.

વિપુલ પાસેથી વિરમે આઠેક લાખની રકમ ઉછીની લીધી હતી. આ રકમની વિપુલ હાલમાં પોતાને જરૂર હોઇ વારંવાર ઉઘરાણી કરતો હતો. પરંતુ વિરમ બહાના બતાવતો હતો. વિરમ આ રકમ આપવા ઇચ્‍છતો ન હોઇ કે કંઇપણ હોય તેણે કાવત્રુ ઘડી વિપુલને તેની રકમ લઇ જવાના બહાને બોલાવ્‍યા બાદ હત્‍યા કરી હતી.

વિપુલ મંગળવારે બપોરે અઢી આસપાસ ઘરે કોઇને કંઇ જાણ કર્યા વગર નીકળી ગયેલ. એ પછી રાત સુધી પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આજે વહેલી સવારે પરિવારજનોને તેની લાશ મળતાં કલ્‍પાંત સર્જાયો હતો. હત્‍યારા પોલીસના હાથમાં આવી ગયા હોઇ તેણે લાશ વિપુલની હોવાનું કહ્યું હતું. આની ખરાઇ કરવા પોલીસે મૃતકના સ્‍વજનને બોલાવી લાશની ઓળખવિધી કરી હતી.

હત્‍યારાઓએ વિપુલને મંગળવારે બોલાવ્‍યા બાદ અલગ અલગ બહાના કરી ગોંડલ રોડ ચોકડી સહિતના સ્‍થળોએ ફેરવ્‍યો હતો. એ પછી અંધારૂ થતાં તેને જ્‍યાંથી લાશ મળી ત્‍યાં લઇ જવાયો હતો. જ્‍યાં કેબલથી ફાંસો દઇ માથામાં ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્‍યા બાદ ત્રણેય ભાગી ગયા હતાં.  પણ ગઇકાલે વહેલી સવારે એમ થયું કે મૃતકના શરીર કપડા પરથી ફીંગર પ્રિન્‍ટ મળી જશે તો? આથી વહેલી સવારે ત્‍યાં જઇ લાશ સળગાવી હતી. જો કે પુરેપુરી લાશ સળગી નહોતી. હત્‍યારા ભાગી જાય એ પહેલા પોલીસે દબોચી લીધા હતાં. પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીબી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એમ. જે. હુણ, તેમની ટીમ, આજીડેમ ડી. સ્‍ટાફની ટીમે ભેદ ઉકેલવાની કામગીરી કરી હતી.

(2:52 PM IST)