News of Tuesday, 18th June 2024
રાજકોટમાં સોની વેપારીના ઘરમાંથી ૪૦ લાખની મત્તા સાથેની ૪૦ કિલો વજનની આખી તિજોરી ગૂમ : તેના પુત્રએ જ કરી હતી ચોરી!
સગાએ આપેલી ૨.૩૦ લાખની રકમ પિતાને સુધી પહોંચાડવાને કોલેજીયન યુવાને વાપરી નાખીઃ સગાએ ઉઘરાણી કરતાં યુવાને પોતાના જ ઘરમાં હાથફેરો કર્યોઃ ભક્તિનગર પોલીસે કલાકોમાં ભેદ ઉકેલ્યો : બપોરના સમયે માતા-ફઇ રૂમમાં હોઇ કોલેજીયને ઉપરના માળે કબાટમાંથી તિજોરી લાવીને કોઠાર રૂમમાં છુપાવી દીધીઃ પછી સગીર મિત્રની મદદથી બાઇકમાં, રિક્ષા મારફત મિત્રના ઘરે પહોંચાડીઃ મિત્રને કહ્યું-હું ચાવી લાવું પછી ૨.૩૦ લાખ કાઢી તમે મારા પિતાને આપી દેજો!: વેપારી હાંફળા-ફાંફળા પોલીસ પાસે પહોંચતા તપાસ થઇ અને કારસ્તાન ખુલ્યું

જ્યાં ઘટના બની તે મકાન, જે કબાટમાંથી ચોરી થઇ હતી તે કબાટ, બાદમાં શોધી કઢાયેલી તિજોરી અને છેલ્લે ચોરીની વિગતો પોલીસમાં જાહેર કરનારા વેપારી, ચોરી કરનાર તેનો પુત્ર અને મદદ કરનાર મિત્ર જોઇ શકાય છે.
રાજકોટ તા. ૧૮: શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતાં સોની વેપારીના ઘરમાંથી આશરે ૪૦ કિલો વજનની આખેઆખી તિજોરી ગૂમ થઇ જતાં પોલીસને જાણ કરતાં ભક્તિનગર પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તિજોરીમાં આશરે ૩૦ લાખના સોના ચાંદીના દાગીના, રોકડા ૧૦ લાખ મળી ચાલીસેક લાખની માલમત્તા હતી. આવડી મોટી મત્તા સાથેની આખેઆખી તિજોરી ઘરમાંથી કઇ રીતે ગૂમ થઇ જાય? એ સવાલ મુંજવી દેનારો હોઇ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરી હતી. વેપારીના પત્નિ, ભત્રીજી ઘરે જ હતાં આમ છતાં લાખોની માલમત્તાની તિજોરી કોણ લઇ ગયું? તે અંગે રાતભર તપાસ થતાં અંતે ભેદ ઉકેલાયો હતો. તિજોરી વેપારીના કોલેજીયન દિકરાએ જ સગીર મિત્રની મદદથી ચોરી કરી સગાના ઘરે પહોંચાડી દીધાનું ખુલતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. સગાને બે લાખ ત્રીસ હજાર ચુકવવાના હોઇ તેના કારણે આ યુવાને પોતાના જ ઘરમાંથી તિજોરી ઉઠાવી હોવાનું સામે આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતાં અને સોની કામ કરતાં વેપારીએ પોતાના ઘરમાંથી લાખોની માલમત્તા સાથેની ચાલીસેક કિલો વજનની આખી તિજોરી ગૂમ થઇ ગયાની જાણ ભક્તિનગર પોલીસને કરતાં પોલીસે તુરત જ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વેપારીએ પોલીસને જણાવ્યું હતું કે ૧૭મીએ બપોરે હું પોણા બારેક વાગ્યા આસપાસ ઘરેથી સોની બજારમાં કામ માટે ગયો હતો. એ પહેલા મેં ઘરના ત્રીજા માળે લોખંડની તિજોરીમાંથી એફડીના કાગળો કાઢયા હતાં. ત્યારે તિજોરી જેમની તેમ હતી. પણ સાજે ચારેક વાગ્યે ઘરે આવ્યો ત્યારે તિજોરી ગાયબ જણાઇ હતી!
વેપારીએ પોલીસને કહ્યું હતું કે આશરે ચાલીસેક કિલો વજનની આ તિજોરીમાં રૂપિયા દસ લાખ રોકડા અને રૂપિયા ત્રીસેક લાખના સોના ચાંદીના દાગીના છે. આ માહિતી મળતાં જ પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં પીઆઇ એસ. ડી. ગીલવા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હરદેવસિંહ રાયજાદા, કોન્સ. વિશાલભાઇ દવે, રાજદિપસિંહ જાડેજા, હેડકોન્સ. નરેન્દ્રભાઇ ગઢવી, કોન્સ. અજયભાઇ પરમાર, હાર્દિકભાઇ પીપળીયા સહિતની ટીમ કામે લાગી હતી. ટૂકડી તુરત જ ગાયત્રીનગરમાં વેપારીના ઘરે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં એવુ જાણવા મળ્યુ હતું કે વેપારીના પત્નિ અને ભત્રીજી આખો દિવસ નીચેના માળે ઘરમાં જ હતાં. આમ છતાં કોઇ કઇ રીતે ત્રીજા માળેથી આખી તિજોરી ગાયબ કરી શકે? તપાસ દરમિયાન ચોરીની જાણ કરનારા વેપારીના ઓગણીસ વર્ષના દિકરાની હિલચાલ શંકાસ્પદ જણાતાં અને તેની યુક્તિ પ્રયુક્તિથી પુછતાછ શરૂ કરતાં તે ભાંગી પડયો હતો. તેણે કબુલ્યું હતું કે મેં જ આ તિજોરી બપોરે પોણા ત્રણેક વાગ્યે માતા બહેન નીચેના રૂમમાં દરવાજા બંધ કરીને સુતા હતાં ત્યારે ત્રીજા માળે જઇ તિજોરીને બળપુર્વક ઉપાડી હતી અને કોઠાર રૂમમાં છુપાવી દીધી હતી.
ત્યારબાદ સોળ વર્ષના મિત્રને બોલાવતાં તે બાઇક લઇને આવ્યો હતો. આ પછી બંને લપાતા છુપાતા આ તિજોરીને ઉઠાવીને નીચે લાવ્યા હતાં અને બાઇક મારફત તેમજ બાદમાં રિક્ષાનો ઉપયોગ કરી સગાના ઘરે મુકી આવ્યા હતાં. વેપારીના પુત્રની આ કબુલાતને આધારે પોલીસ તેના સગાના ઘરે પહોંચી હતી. જ્યાંથી આખી તિજોરી મળી આવી હતી અને અંદરથી તમામ રોકડ-દાગીના પણ જેમના તેમ મળી આવ્યા હતાં.
વેપારીના પુત્રને પોતાના જ ઘરમાંથી તિજોરી શા માટે ચોરવી પડી? તેવું પોલીસે પુછતાં તેણે કહ્યું હતું કે-અમારા સગાએ મારા પપ્પા પાસેથી રૂપિયા ૨,૩૦,૦૦૦ ઉછીના લીધા હતાં. આ રકમ સગાએ મને આપી હતી અને કહ્યું હતું કે આ રકમ તારા પપ્પાને આપી દેજે. પરંતુ મેં આ રકમ મારા પપ્પા સુધી પહોંચાડવાને બદલે વાપરી નાખી હતી. બીજી સગા પાસેથી મારા પપ્પાએ આ રકમની ઉઘરાણી કરતાં સગાએ આ રકમ મારી પાસે માંગી હતી. જે મારી પાસે ન હોઇ જેથી ઘરમાંથી તિજોરી ઉઠાવી હું સગાના ઘરે લઇ ગયો હતો અને સગાને કહ્યું હતું કે-આ તિજોરી અહિ રાખો, ચાવી લઇને હું આવુ પછી તમારા ૨,૩૦,૦૦૦ કાઢી લેજો, બાદમાં તિજોરી હું લઇ જઇશ!
વેપારીએ પોતાની તિજોરી મળી ગઇ હોઇ અને તેમાંથી કંઇ ચોરાયું ન હોઇ તેમજ ચોરીમાં પોતાનો જ ૧૯ વર્ષનો દિકરો અને તેનો ૧૬ વર્ષનો મિત્ર સામેલ હોઇ બંનેના ભવિષ્ય ન બગડે તે માટે ફરિયાદ નોંધાવવાનું ટાળતાં પોલીસે તમામના નિવેદનો નોંધી સ્ટેશન ડાયરીમાં નોંધ કરી જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૧૨)
(3:10 PM IST)










