News of Tuesday, 18th June 2024
એમ. ડી. સાગઠીયાની બોગસ મિનિટ્સ બૂક ઉભી કરવાના ગુનામાં ધરપકડઃ રિમાન્ડ મંગાયા
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અશોકસિંહના રિમાન્ડ પુરા થતાં કોર્ટ હવાલે આગ કાંડ બાદ તત્કાલ બોગસ રેકર્ડ ઉભુ કરવાનો આઇડિયા એટીપી ગોૈતમ જોશીએ આપ્યો હતોઃ સાગઠીયા અને જોશીએ ઇમ્પેક્ટ ફીનું અસલી રજીસ્ટર સળગાવી નકલી ઉભુ કરવાની સુચના આપ્યાનું ખુલ્યું

રાજકોટ તા. ૧૮: શહેરના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં ૨૭ નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. આ મામલે નોંધાયેલા ગુનામાં પોલીસે અત્યાર સુધીમાં બાર આરોપીઓને પકડયા છે. જેમાં નવ અગાઉ જેલહવાલે થયા હતાં. એક આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી થઇ છે અને બીજા બે રિમાન્ડ પર છે. બીજી તરફ મનપાના પુર્વ ટીપીઓ મનસુખ ડી. સાગઠીયાની જેલમાંથી વધુ એક ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. બપોર બાદ તેને સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરવામાં આવનારી છે.
અગ્નિકાંડ બાદ બોગસ મિનીટ્સ બૂક ઉભી કરી હોવાનો અલગથી ગુનો દાખલ થયો હતો. બીજી તરફ રિમાન્ડ પર રહેલા કોર્પોરેશનના અન્ય બે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડનાં આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયાની સીટે બોગસ મીનીટસ બુક બનાવવાના ગુનામાં આજે જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી. આવતીકાલે તેને સીટ રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરશે. અગ્નિકાંડ બાદ સાગઠીયાની આ બીજા ગુનામાં ધરપકડ થઈ છે. હજૂ તેની સામે અ-માણસર મિલ્કતો અંગે એસીબી તપાસ કરી રહી છે.
અગ્નિકાંડ બાદ એમ. ડી. સાગઠીયાએ પોતાના બચાવમાં પોતાના અધ્યક્ષસ્થાને યોજાયેલી વિવિધ મીટીંગોની મીનીટસ બુક પુરાવા તરીકે સીટ સમક્ષ રજૂ કરી હતી. જેમાં અલગ-અલગ તારીખે યોજાયેલી મીટીંગની નોંધ હતી. તેમાં એટીપી ઉપરાંત સર્વેયર અને અન્ય કર્મચારીઓની સહીઓ હતી. જોકે સીટને શંકા જતા તપાસ કરતાં આ મીનીટસ બૂક બોગસ હોવાનું અને એક સાથે લખાયાનું જાણવા મળતાં સાગઠીયા સામે બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા સહિતની કલમો હેઠળ અલગથી ગુનો દાખલ કર્યો હતો. ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોને નોટીસ ફટકાર્યા બાદ પોતે તે સંદર્ભે કેટલી કામગીરી કરી હતી તેના નકલી દસ્તાવેજી પુરાવાઓ સાગઠીયાએ પોતાના બચાવમાં બોગસ મીનીટસ બુક તરીકે ઉભા કર્યા હતા. પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો હતો.
બોગસ મીનીટસ બુકમાં સહી કરવા માટે સાગઠીયાએ ટીપી શાખાના અનેક કર્મચારીઓને ધમકાવ્યા પણ હતા. જેમની પણ સીટે પૂછપરછ કરી પુરાવા મેળવ્યા હતા. અગ્નિકાંડના કેસમાં સાગઠીયાને રિમાન્ડના અંતે જેલ હવાલે કરાયા બાદ ફરીથી સીટે જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી બોગસ મીનીટસ બુક સંદર્ભે પુછપરછ શરૂ કરી છે. બીજી તરફ અગ્નિકાંડના પગલે પોતાને બચાવવા માટે ટીપી શાખાના અધિકારીઓએ ખોટુ રેકર્ડ ઉભુ કર્યાના ગુનામાં હાલ રિમાન્ડ પર રહેલા તત્કાલીન એટીપી રાજેશ મકવાણા અને આસિસ્ટન્ટ એન્જીનીયર જયદિપ ચૌધરીએ પોતાનો ગુનો કબુલી લીધાનું સીટના સૂત્રોએ જણાવ્યું હતું.
એવુ પણ ખુલ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોએ જે ઈમ્પેકટ ફી પ્લાન રજૂ કર્યો હતો તે જ મૂળ ગેરકાયદે હતો. આમ છતાં અગ્નિકાંડ બાદ પોતાને બચાવવા માટે સાગઠીયા સહિતના આરોપીઓએ જૂની તારીખમાં આ પ્લાન ઈન્વર્ડ કરી દસ્તાવેજો સાથે ચેડાં કર્યા હતા. આ આખો આઈડીયા અગાઉ સાગઠીયા સાથે જ ધરપકડ કરાયેલા એટીપી ગૌતમ જોશીનો હોવાનું પણ સીટની તપાસમાં સામે આવ્યું છે.
બીજી તરફ અગ્નિકાંડમાં પોતાને બચાવવા માટે ટીપી શાખાના અધિકારીઓએ ખોટુ રેકર્ડ ઉભુ કર્યાનું કારસ્તાન બહાર આવ્યા બાદ સિટે મનપાની ટીપી શાખાના તત્કાલીન એટીપી રાજેશ નરશીભાઈ મકવાણા (ઉ.વ. ૪૦, રહે. આફ્રિકા કોલોની શેરી નં. ૫, આશિયાના એપાર્ટમેન્ટ ફર્સ્ટ ફલોર, ૧૫૦ ફૂટ રિંગ રોડ) અને આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ બાલુભાઈ ચૌધરી (ઉ.વ. ૩૬, રહે. જીવરાજપાર્ક પ્લોટ નં. ૧૩૮, અંબિકા ટાઉનશીપ)ની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતાં બંને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ગેમ ઝોનમાં આગ લાગી તે દિવસે એટલે કે તા. ૨૫મીની રાતથી શરૂ કરી તા. ૨૬મીની સવાર સુધી વેસ્ટ ઝોનની કચેરીમાં દસ્તાવેજોમાં ચેડા કરવામાં આવ્યા હતાં. આ કારસ્તાનમાં ટીપી શાખાના ચાર સિવાયના વધુ કોઇ અધિકારીઓની સંડોવણી છે કે કેમ તેની હાલ તપાસ હજુ યથાવત રખાઇ છે.
ગેમ ઝોનની જમીનના માલિક અશોકસિંહ જાડેજાની ધરપકડ બાદ રિમાન્ડ મળ્યા હતાં. તેના રિમાન્ડ આજે પુરા થતાં કોર્ટહવાલે કરવાની તજવીજ થઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની રાહબરીમાં ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયા અને તેમની ટીમો તપાસ કરે છે.
(2:54 PM IST)










